વ્હીપની અવગણના કરવાનો કોંગ્રેસ પક્ષનો આક્ષેપ
વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોલમઢના રહેવાશી નવઘણભાઇ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી શૈલેષ પરમાર (એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુકત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ) એ નોટિસ આપેલ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે “આપશ્રી મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ સભ્ય છો. તા. ૧૩-૯-૨૦૨૩ના રોજ
પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી સમયે આપને કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે આદેશ (વ્હીપ) આપવામાં આવ્યો હતો. આપ કોંગ્રેસ પક્ષના આદેશ (વ્હીપ)ની અવગણના કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાના બદલે ગેરહાજર રહેલ છો, આ બાબતની પક્ષે ગંભીર નોંધ લીધેલ છે. આપની સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગે આપનો લેખિત ખુલાસો આ
નોટીસ મળ્યેથી દિન-૭માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલી આપશો. દિન-૭માં આપનો લેખિત ખુલાસો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને નહીં મળે તો આપને આ અંગે કશું કહેવાનું રહેતું નથી, તેમ માની આપની સામે પક્ષ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેશો.
નવઘણભાઇ છેલ્લી ત્રણ ટર્મથી જિલ્લા પંચાયતમાં ચૂંટાતા આવ્યા છે, લાંબી રાજકીય કારકિર્દી ભોગવનાર નવઘણભાઇ ક્યારેય ચૂંટણી હાર્યા નથી, જે એમનું જમા પાસું છે. જો કે ફોન ઉપર નવઘણભાઇએ જણાવ્યું હતું કે નોટિસ હજી મને મળી નથી, વાત સાંભળી છે.
પાર્ટી મને સાંભળવાની તક આપશે. ઉલ્લેખનીય છે કે નવઘણભાઇ ભાજપમાંથી ચૂંટાઈને કોંગ્રેસમાં જોડાઈને રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બની ચુક્યા છે. એમના પુત્ર અશ્વિનભાઈ મેઘાણી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના ટેકાથી ચૂંટાઈને ભાજપમાં ભળી ગયા છે.
આ નોટિસ બાબતે વાંકાનેરના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. જો કોંગ્રેસને નવઘણભાઈના જવાબથી સંતોષ નહીં થાય અને સસ્પેન્ડ થશે તો જિલ્લા પંચાયતનું સભ્ય પદ પણ જોખમાઈ શકે છે અને તો છ માસમાં એ સીટની ચૂંટણી પણ આવી શકે છે.