વાંકાનેરના અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢની મુલાકાત લેતા અધિકારીઓ
મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેકટરે કહ્યું હતું કે, જીલ્લામાં જે એજન્સી કે કોન્ટ્રાકટર જનતાનું કામ બગાડીને ગેરરીતિ કરે છે તેને હવે બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે…આ બેઠકમાં દબાણ દૂર કરાવવા, વાંકાનેરમાં બ્રિજ બનાવવા, વિવિધ ગામમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા, જમીન માપણી, પીવાના પાણીની સમાન વહેંચણી, ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળે તેવી વ્યવસ્થા કરવી, કેનાલ અને રોડની બંને બાજુ ફેનસીંગ કરાવવું, રેતી અને માટીકામ કરાવવું, નાઈટ પેટ્રોલિંગ વધારવું, નવા બાગ-બગીચા બનાવવા સહિત વગેરે પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સવારના 10 થી સાંજના 7:30 સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અરજદારોના ફોન ઉપાડવાના રહેશે…
તાજેતરમાં 6 અલગ અલગ ફેઝમાં જિલ્લાના વિવિધ અધિકારીઓએ વિવિધ ગામડાઓની મુલાકાત લીધી છે. આ ગામોમાં વાંકાનેરના અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢ, અને ટંકારાના વાધગઢ, હરબટીયાળી, ખાખરા, સહિતના ગામનો સમાવેશ થાય છે.
મુલાકાત દરમિયાન વિવિધ પ્રશ્નો જેવા કે સ્ટાફની હાજરી, કર્મચારીઓની સમય નિયમિતત્તા, અનાજ અને દવાનો જથ્થો, મધ્યાહન ભોજન કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો પર નાસ્તા અને ભોજનની ગુણવતા, પેંશન, વિવિધ યોજનાના ફોર્મ, સહાયની મંજૂરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ નજીકના ભવિષ્યમાં સમગ્ર જિલ્લામાં માં કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવશે…
આ બેઠકના અંતે જિલ્લા કલેક્ટરે ખાસ સૂચના આપી હતી કે, જે જે એજન્સી અને કોન્ટ્રાકટરો જનતાનું કામ બગાડી રહ્યા છે અને ગેરરીતિ આચરી છે તે તમામને આગામી માસ સુધીમાં બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. લોકોના કામ સંબંધિત કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા, એસપી રાહુલ ત્રિપાઠી, મહપાલિકના કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા….