વાંકાનેર: ગઈ કાલ કરતા આજે થોડી વધારે ઠંડી પડવાની છે. આજે ઉષ્ણતામાન વધુમાં વધુ 32 અને ઓછામાં ઓછું 14 ડિગ્રી રહેશે, પણ રાજકીય હવામાન ટોચ પર રહેવાનું છે. ધારાસભા પરિણામ જાણવાની લોકોમાં ઘણી ઉત્કંઠા રહેશે, શું પરિણામ આવશે તેને લઈને રાજકીય આગેવાનો તેમજ સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શક્ય તેટલા વહેલા આપણી સમક્ષ પહોંચાડવાના અમારા પ્રયાસો રહેશે.
આપ જાણતા જ હશો કે વાંકાનેર કુવાડવા બેઠકમાં ૭૧.૧૯ ટકા મતદાન થયું છે. સ્ટ્રોંગ રૂમમાં થી મતગણતરી સ્થળે એટલે કે મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે ઘૂટું રોડ ઉપર આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે લાવવામાં આવી રહ્યા છે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને પહેલા જે પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે તેમાં વાંકાનેરમાં પડેલ ૧૧૬૫ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ ગયા પછી સાડા આઠ વાગ્યાથી દરેક બેઠકમાં કુલ ૧૪-૧૪ ટેબલ ઉપર ઇવીએમ મશીન લઈ આવીને તેના આંકડા જાહેર કરવામાં આવશે અને સાંજના ચાર વાગ્યા સુધીમાં ત્રણેય બેઠકનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. કુલ 206 પોલીંગ બુથ છે. ધારાસભાના ઉમેદવારોમાં ઘડીક એક તો ઘડીક બીજો ઉમેદવાર આગળ હશે. ચડઉતાર રહ્યા કરશે. કહીં ખુશી કહીં ગમ નો માહોલ રહેશે.
વાંકાનેર બપોર બાર વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોની સરકાર બનશે, એનું રૂઝાન મળવા લાગશે. લોકોને એ જાણવામાં પણ રસ રહેશે.