કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો

મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક!

આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા
ભાલાવાળા આ દરવાજા શાહબાવાના મિનારા પાસેના દરવાજે ફીટ કરવામાં પણ તીથવાના શેરસીયાના કુટુંબના વાઘા- લાડાની મદદ લીધેલી

આજથી અંદાજે ચાલીસની વરસની ઉંમર ધરાવતા પરાસરા કુટુંબની લગભગ આઠમી પેઢીની આ વાત છે. સમગ્ર પરાસરા કબીલાના જદ્દે અમજદ (પિતામહ) જનાબ મીઠાદાદા સાહેબ સન હિજરી 1142, ઇસવી સન 1710, વિક્રમ સંવત 1781 ની આસપાસ ગુજરાત વિસ્તારમાંથી હિજરત કરીને કાઠીયાવાડના વાંકાનેર તાબેના ઘીયાવડ મુકામે આવીને વસ્યા. અહીં અમુક વરસો રહ્યા પછી તીથવા મુકામે જઈ કાયમી વસવાટ કર્યો. તેઓ જિંદગીના અંતિમ દિવસો સુધી તીથવા મુકામે જ રહ્યા હતા. તેઓને તીથવાના શાહી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલ છે. હાલ તેમની કબ્રશરીફ તીથવાના કબ્રસ્તાનમાં મોજુદ છે. તેઓની કબ્રશરીફની ઓળખ માટે તેઓની વસિયત પ્રમાણે કુટુંબીજનોએ ચણિયારાનો સુરાખ (હોલ- નાના કાણા)વાળો પથ્થર કબ્રશરીફ પર રાખવામાં આવેલ છે.

તેમની પાસે એક ભેંસ હતી, તેનું દૂધ સાકરથી પણ વધુ મીઠું હતું; તેથી તે ભેંસનું નામ સાંકરડી પડેલ હતું. આજુબાજુમાં ભેંસની ચર્ચા થતી હતી. આ ખબર રાજા સાહેબને પડતા પટેલ પાસે ભેંસની માંગણી કરી. પટેલ રાજાને આપવાનો ઇનકાર કરે છે. એક દિવસની વાત છે. મીઠાદાદા બહારગામ જવાથી હાજર નહોતા. રાજાએ ભેંસ બળજબરીથી લેવા માટે પોલીસ મોકલી. ઘરે બૈરાઓ પાસેથી દાદાગીરી કરી ભેંસ લઈ જવામાં આવે છે. જ્યારે મીઠાદાદા ઘરે આવે છે, ત્યારે આ વાતની ખબર પડે છે. રાતનો સમય હતો. રાજાની બળજબરી પર દાદા ગુસ્સાના આવેશમાં આવી જાય છે. ત્યારે જ રાતોરાત ઘોર અંધારી મેઘલી રાત્રે સાંકરડી ભેંસ પાછી લેવા માટે વાંકાનેર દોડી જાય છે. ઝીણો ઝરમર વરસાદ વરસે છે. માનવ તથા પશુ-પંખીઓ પોતાના માળામાં શાંત નિંદ્રા લઈ રહેલ છે. સુનસાન બિહામણી રાત છે. દાદા સાહેબ રાજાના નિવાસ સ્થાને પહોંચે છે. દરવાજા પાસે પહોંચતા કંઈક અવાજ સંભળાય છે, તેથી દાદા આ અવાજ સાંભળે છે. રાજાના મહેલમાંથી રાજા-રાણી વાતો કરતા સંભળાય છે, તેવામાં રાણી રાજાને પૂછી બેઠી કે ‘આ ઘનઘોર મેઘલી રાત્રે કોઈ માનવ અત્યારે જાગતો હશે?’ ત્યારે બહાર ઉભેલા પટેલ મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક!’

તેનું દૂધ પીનાર મીઠાલાલ રાજાના બારણા ખખડાવે છે. આ અવાજ સાંભળતા રાજા આવે છે. પટેલને રાજા કહે છે, ‘જોઈએ તેટલા પૈસા માંગો પણ સાંકરડી ભેંસ પાછી નહીં જ મળે. આ ભેંસ રજવાડે શોભે, તમારા જેવા પટેલને જેવી હોય તેવી ચાલે!’
દાદાએ પૈસા લેવાની ના પાડી. સાંકરડી ભેંસ સવારે ઘરે પરત મૂકી જવાનો રાજાને હુકમ કર્યો અને કહ્યું કે ‘પ્રેમ અને મહોબતની સાથે ભેંસ મૂકી જાવ, નહિતર સંબંધ બગડશે અને દુશ્મનીના બીજ રોપાશે, રાજા-પટેલની દોસ્તી તૂટશે. સમજુને ઈશારો કાફી હોય’

આટલું કહી નીકળી ગયા. રાજાએ મનોમન વિચાર્યું કે- પટેલ બહાદુર છે. રાજાની આબરૂ નો સવાલ. શું કરશે કોને ખબર? તેથી સવારે સાંકરડી ભેંસ મીઠાદાદાના ઘરે પરત આવી જાય છે. ખોટો ફજેતો થાય એના કરતા ભેંસ પાછી મૂકી આવવામાં જ ભલાઈ છે. ખરો માલિક તો આખરે એજ ગણાયને? આ હતી મીઠાદાદાની મર્દાનગી! રાજા પાસે ભેંસ પાછી માંગવાની તેમની આ હિમ્મતની વરસો સુધી સમાજમાં ચર્ચા થતી રહેલી. આથી સમાધાન વખતે એમના ફેંસલાને સમાજના સૌ કોઈ માથે ચઢાવતા.

તેમની તીથવામાં કબર પર રાખવામાં આવેલ પથ્થરની હકીકત એવી છે કે ચોટીલા તાબેના ભીમોરા ગામ વાંકાનેરના રાજા રાજ ડોસાસાહેબે જીતેલ. તેમણે વાંકાનેર ઉપર 1787 થી 1839 સુધી રાજ કરેલું. કહેવાય છે કે ભીમોરાનો કિલ્લો જીતવો કાચા-પોચા રાજવીનું કામ નહોતું. આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા અને દાદાએ બહાદૂરીથી આ કિલ્લો જીતાવી બતાવેલ. આ કિલ્લાના ચણિયારાનો સુરાખવાળો પથ્થર તેમજ વાંકાનેરના મોરબી દરવાજે (શાહબાવાના મિનારા) પાસે ભાલાવાળા દરવાજા ભીમોરાથી પોતે સાથે લાવેલા. સુરાખવાળો પથ્થર પોતાની કબર પર મુકવા એમણે વસિયત કરેલી.

(બન્યું એવું હતું કે તીથવામાં શેરસીયા કુટુંબના વાઘો અને લાડો નામના બે જોડિયા ભાઈ હતા, જે બહુ જોરૂકા હતા. એમના વિષેની વધુ વાતો ભવિષ્યમાં લખવાની ગણતરી છે, પણ મીઠાદાદાએ રાજ ડોસાજીને વાઘા – લાડાને પણ લડાઈમાં સાથે લઇ લેવાનું સૂચન કરતા ડોસાજી પણ રાજી થયેલા, રાજે આ બે જોડીયાભાઈના બળના પરાક્રમો સાંભળેલા. ભાલાવાળા દરવાજા લડાઈમાં જીત થયા બાદ વાંકાનેર લઇ આવવા હાથી પર ચઢાવવાના હતા, ત્યારે કહેવાય છે કે હાથીને નીચે બેસાડી દરવાજા હાથી પર મુકવા ઘણાએ ઘણા પ્રયાસો કર્યા, પણ મેળ પડતો નહિ, ત્યારે વાઘો અને લાડો આગળ આવેલા. બંને ભાઈઓએ મળી ઉંચકીને આ દરવાજા બેસેલા હાથી પર મૂકી દીધેલા. ભાલાવાળા આ દરવાજા શાહબાવાના મિનારા પાસેના દરવાજે ફીટ કરવામાં પણ વાઘા- લાડાની મદદ લીધેલી. નીચે તે ભાલાવાળા દરવાજાનો આજની તારીખનો ફોટો છે- નઝરૂદીન બાદી)

મીઠાદાદા સાહેબ બહાદુર અને હોશિયાર હતા. કહેવાય છે કે તેઓને તેમના પીરસાહેબની બક્ષિસ હતી કે બંદૂકની ગોળી તેમને વાગતી જ નહીં; તલવાર અને ભાલાના ઘાવ અસર કરતા નહોતા. તેઓ એક ઉત્તમ મુત્સદી ,નમ્ર સ્વભાવી મુઝાહીદ પ્રકારના ઇન્સાન હતા. એ જમાનામાં રાજા – મહારાજા તેઓને સલામ ભરતા. તેમજ મહત્વના નિર્ણય વખતે મશવરો કરવા કે સલાહ સૂચન માટે બોલાવતા હતા. રાજ દરબારમાં તેઓને સન્માનિત કરવામાં આવતા હતા. ટૂંકમાં રજવાડાઓમાં પીરની જેમ માન -પાન મળતું હતું.

તેઓ મોમીન સમાજના હમદર્દ અને આદરણીય વ્યક્તિ હતા. નાતના આગેવાન હતા. આંતરિક ઝઘડાઓના મામલાઓમાં પોતાની મુત્સદગીરીથી અંત લાવતા. તેઓએ પોતાની જિંદગી દરમિયાન સામાજિક ક્ષેત્રે અનેક સેવાઓ આપેલ હતી. તેઓ એક મહત્વકાંક્ષી, બહાદુર ઈમાનદાર મરદે-મુઝાહીદ હતા.

હાલ વાંકાનેર તાલુકા તેમજ અમદાવાદ-સુરતમાં 600 ઘરની આસપાસ પરાસરા કુટુંબની આબાદી મૌજુદ છે.
(મરહુમ પરાસરા અમી સાજી હયાત સિંધાવદર, એ આપેલ માહિતીના આધારે. સંકલન: પરાસરા અલીમોહમ્મદ અમીભાઈ– મો: 98799 62754 આલેખન: નઝરૂદીન બાદી મો: 78743 40402

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!