દાણાપીઠ તથા મિલ પ્લોટમાં દબાણો હટાવ્યા, અનઅધિકૃત બાંધકામને શીલ કર્યા
વાંકાનેર: શહેરમાં ઠેક ઠેકાણે દબાણ માફીયાઓ દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદે મકાનો દુકાનો લારીઓ ઉભી કરી ટ્રાફિક ને અડચણ રૂપ બની રહ્યા હતા ત્યારે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક દબાણો પર પાલિકાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું…
છેલ્લા કેટલાક સમયથી પાલિકા વિસ્તારમાં અનેક સ્થળોએ ગેરકાયદે પાક્કા બાંધકામો ઉભા કરી દીધા હતા સાથે જ દુકાનો બનાવી નોનવેજ સહિતના ધંધાઓ ધમધમતા કરી દીધા હતા જેના કારણે આમજનતા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે પાલિકા કચેરી દ્વારા આવા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મિલ પ્લોટમાં મુખ્ય રસ્તાઓ પર અનેક દબાણકર્તાઓ દ્વારા દબાણો ખડકી પાકા મકાનો દુકાનો ઉભા કરી ટ્રાફિકની સમસ્યાને ઘેરી બનાવી હતી. શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે ત્યારે પાલિકા દ્વારા આળસ મરડી પ્રજાજનોની સુખાકારી માટે શહેરના રાજમાર્ગો તેમજ લોકોના હલનચલનમાં મુશ્કેલી ઊભી કરતા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી…
પાલિકા દ્વારા મિલ પ્લોટમાં મચ્છી બજાર રોડ પર બે મકાનોને તોડી પાડવામાં આવેલ તેમજ પંચાસર રોડ પર એક મકાન તોડી પાડવામાં આવ્યું હતું તેમજ અનેક દુકાનોને સિલ મારવામાં આવેલ. આ કામગીરીમાં પાલિકાના મહેશભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ જોડાયો હતો તેમજ દબાણ હટાવ કામગીરી દરમ્યાન કોઈ જ અનિચ્છનિય ઘટના ઘટે નહિ તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મિલ પ્લોટમાં મચ્છી બજાર રોડ પરની વેચાતા નોનવેજ અંગે ધારાસભ્યે રજુઆત કરી હતી….
હજુ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. અને શહેરમાંથી નાના મોટા તમામ દબાણો દૂર કરવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. શહેરમાં દબાણ કરનાર કોઈને બક્ષવામાં નહિ આવે અને શહેરને ટ્રાફિક મુક્ત અને દબાણ મુક્ત બનાવવાની પાલિકાની પ્રાથમિકતા રહેશે તેમ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા દ્વારા જણાવ્યું હતું…
વધુમાં સરૈયા દ્વારા જણાવ્યું હતું કે હાલ નોનવેજની દુકાનોને સિલ મારવામાં આવ્યા છે પરંતુ ભવિષ્યમાં ગેરકાયદેસર હશે તો તેને તોડી પાડવામાં આવશે તેમજ શહેરમાં મોટા ભાગના રોડ રસ્તા પર પીળા પટ્ટા દોરવામાં આવ્યા છે જે પટ્ટા બહાર વાહનો ઉભા રાખવામાં આવશે તો પાલિકા અને પોલીસ દ્વારા વાહન તથા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ફૂટપાથ પર કોઈ નડતરરૂપ સામાન કે લારી ગલ્લા મૂકવામાં આવશે તો પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર સરૈયા દ્વારા જણાવ્યું હતું…ચીફ ઓફિસરની આ જાહેરાત શહેરીજનો આવકારી રહ્યા છે, પરંતુ તાજેતરમાં લારી-ગલ્લા હટાવવાની ઝુંબેશ તેમ જ ખૂંટિયાઓના ત્રાસ અંગેની કામગીરી આરંભે શૂરા બની રહી, એમ આ કામગીરી પણ હવાહવાઈ ન બની રહે એમ લોકો ઈચ્છી રહ્યા છે…