પટેલ સમાજવાડીમાં વિનામૂલ્યે નિદાન/ સારવાર મળશે
પંચકર્મ અંગે લાઈવ નિદર્શન, જ્ઞાન સાથે ગમ્મત આપતો ગેમઝોન તથા ચાર્ટ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહેશે
વાંકાનેર: મોરબી જિલ્લામાં આયુર્વેદિક શાખા દ્વારા ૧૮ અને ૧૯ (ગુરુ/શુક્ર) દરમિયાન સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન વાંકાનેરમાં પટેલ સમાજવાડી, ડો. દેલવાડીયા હોસ્પિટલની સામે સ્ટેશન રોડ ખાતે આયુષ મેળો-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તથા નિયામક શ્રી આયુષ્યની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આયુષ મેળામાં ગેસ કબજિયાત એસીડીટી જેવી પાચનની તકલીફો, હરસ મસા ભગંદર જેવા મળમાર્ગના રોગો, સોરાયસિસ, ખરજવું અને ખીલ જેવી ચામડીની તકલીફો, કમર અને ગોઠણના દુ:ખાવા સાંધાના ઘસારા, જૂની શરદી, દમ-શ્વાસ, એલર્જી, ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવા જીવન શૈલી જન્ય રોગો, સફેદ પાણી પડવું, માસિકની તકલીફો જેવા સ્ત્રીરોગ તથા વજન વધારવા ઘટાડવા સહિતની સમસ્યાઓનું વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે.


આ આયુષ મેળામાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આયુર્વેદ હોમિયોપેથી સારવાર, વિવિધ બીમારીઓમાં ઉપયોગી યોગાસનો અંગે સમજૂતી અને લાઈવ નિદર્શન, ઘર આંગણાના અને રસોડાના ઔષધો વિશે વિશાળ ચાર્ટ પ્રદર્શન, વિવિધ વનસ્પતિઓની ઓળખાણ અને ઉપયોગીતા માટે લાઈવ વનસ્પતિ પ્રદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, બાળકો માટે સુવર્ણ પ્રાસન ના ટીપા, રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય વિતરણ, 


જુના વાહ સાંધાના દુ:ખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નિકર્મ સારવાર, પંચકર્મની વિવિધ સારવાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અને લાઈવ નિદર્શન, આયુર્વેદિક જ્ઞાન સાથે ગમ્મત આપતો ગેમઝોન તથા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે સમજૂતી આપતું ચાર્ટ પ્રદર્શન સહિતના આકર્ષણ ઊભા કરવામાં આવનાર છે. આ આયુષ મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય એચ.એમ. જેતપરિયાની યાદીમાં જણાવાયું છે…
