જાગો સરકાર જાગો ! જાગો ધારાસભ્યશ્રી જાગો…!!
વાંકાનેર: શહેરમાં હમણાંથી નગરપાલિકા દ્વારા નળ વાટે અપાતું પીવાનું પાણી પીળા કલરનું/ડહોળું પ્રદુષિત આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત છે. વાંકાનેરને મચ્છુ-1 ડેમમાંથી પાઇપ લાઈન મારફત પાણી અપાય છે, ત્યારે તાલુકાના જાલસિકા અને વસુંધરાના સરપંચોએ મીડિયા સમક્ષ મચ્છુ-1 માં બામણબોર સાઈડના કારખાનાનું પ્રદુષિત પાણી વોંકળા દ્વારા આવી રહ્યું છે અને પિયત માટે ખેતી પાકને અપાતા આ પાણીથી નુકશાનીની રજુઆત તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ પણ કરી છે. કારખાનાના આવતા પ્રદુષિત પાણી અંગે બામણબોર વિસ્તારના ખેડૂતોએ પણ રાજકોટ કલેકટર સમક્ષ રજુઆત કર્યાના અહેવાલ છે…
વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામો મચ્છુ-1 ડેમના પાણીનો જ ઉપયોગ પીવામાં કરે છે અને જો જરૂર પડે તો રાજકોટ શહેરને પણ મચ્છુ-1 ડેમ માંથી પાણી આપવાની માંગ ત્યાંના સ્થાનિક નેતાઓ કરી ચુક્યા છે, ત્યારે બહોળી સંખ્યામાં લોકો પ્રદુષિત પાણીના કારણે કોઈ રોગચાળામાં સપડાઈ જાય તે પહેલા આ અટકવું જોઈએ, જો આગેવાનોનું માનીયે તો મચ્છુ-1 ડેમનું પાણી પ્રદુષિત થઇ ચૂક્યું છે, ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે સ્થાનિક આગેવાનો/ અધિકારીઓ આવી ગંભીર બાબતો માટે અત્યાર સુધી ક્યાં સુતા હતા? કેમ કોઈ પગલાં ન લેવાયા? પહેલા તો પાણી પ્રદુષિત થવાનું કારણ શોધી તેનું જડમૂળથી નિરાકરણ થવું જોઈએ. પાણીના ટાંકાનું વ્યવસ્થિત ક્લિનીંગ થવું જોઈએ…
અત્રે ભાજપની સરકાર છે, સ્થાનિક ધારાસભ્ય પણ ભાજપના છે, મોટા પાયે કોઈ રોગચાળો ફાટી નીક્ળશે તો દોષનો ટોપલો સ્વાભાવિક રીતે એમની ઉપર જ આવશે અને નાક કપાશે, વાંકાનેર શહેરમાં અપાતા પાણીની લૅબોરેટરી કરી પીવાલાયક છે કે કેમ, તેની ચકાસણી થવી જોઈએ, જો રિપોર્ટ હાનિકારક આવે તો અપાતું આ પાણી સત્વરે બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જાગો સરકાર જાગો ! જાગો ધારાસભ્યશ્રી જાગો…!!