એક અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક પર પડતું મૂક્યું હતું
બીજાનું ભોજપરાની સીમમાં રહેતા વયોવૃધ્ધનું મૃત્યુ થયેલ
વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશન ખાતે ગત તા.24/12ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઓખા-નાથદ્વારામાં મુસાફરી કરતા આશરે 55 વર્ષીય અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી ટ્રેક પર પડતું મુકી જીવન ટુંકાવેલ હતું.

છેલ્લા ચાર દિવસથી તેમના વાલી વારસની રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલા દ્વારા શોધખોળ આદરવામાં આવેલ હતી. અંતે કોઈ વાલી વારસદાર નહીં મળી આવતા ઉપરોકત મૃતદેહ વાંકાનેરના એકતા ગ્રુપને સોંપવામાં આવેલ. આ બીનવારસી મૃતદેહની રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલાને સાથે રાખી સન્માન પૂર્વક હિન્દુ રીત રીવાજ મુજબ અંતિમક્રિયા કરવામાં આવેલ હતી.
જયારે બીજા બનાવમાં વાંકાનેર લુણસર રોડ પર આવેલ ભોજપરા ગામની સીમમાં ખરાબા વિસ્તારમાં રહેતા વયોવૃધ્ધ લાખાભાઈ રામભાઈ ગઢવીનું ગત તા.27/12ના રોજ મૃત્યુ થયેલ હતું. જેમાં છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેર સીટી પોલીસના પો.હેડ કો. વી.એ. ઝાલા દ્વારા તેમના વાલીવારસની શોધખોળના અંતે ઉપરોકત એકતા ગ્રુપ આગેવાન બીપીનભાઈ તથા ગ્રુપને મૃતદેહ અંતિમવિધી માટે સોપવામાં આવેલ. આ સાથે વાંકાનેર સીટી પોલીસના હેડ કોન્સ. વી.એ. ઝાલાને સાથે રાખી માન સન્માન સાથે અંતિમ ક્રિયા કરવામાં આવેલ હતી.
ઉપરોકત બન્ને મૃતદેહોની અંતિમવિધિમાં ગ્રુપના આગેવાન બીપીનભાઈ દોશી (દોશી બ્રધર્સ), મનીષભાઈ ગોહેલ, આસ્તિકભાઈ ઉપાધ્યાય, દેવાંગભાઈ, મનીષભાઈ ડીજે વાળા, રેલ્વે પો.કો. કુલદીપસિંહ ઝાલા, સીટી પો.હે.કો. વી.એ. ઝાલા, જીઆરડી જવાન ચિરાગભાઈ જોષી, ગોપાલભાઈ તથા રણછોડભાઈ અને અર્જુનગીરી સહીતના સાથે રહી વિધીવત અંતિમવિધી કાર્ય પૂર્ણ કરેલ હતું.
