26મી ડિસેમ્બર સુધીમાં યાદી સંપૂર્ણ કરી લેવાશે
મોરબી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૧/૧/૨૦૨૪ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે.
આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા અરજી રજૂ કરી શકાશે. ૪ અને ૫ નવેમ્બર તેમજ ૩ અને ૪ ડિસેમ્બરને ખાસ ઝુંબેશની તારીખો જાહેર કરવામાં આવી છે. હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો ૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે.
તારીખ ૧/૧/૨૦૨૪ સુધીમાં મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની તેમજ ડેટાબેઝને અદ્યતન કરી પૂરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી કરવામાં આવશે. ૫/૧/૨૦૨૩ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદારો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.)ની મુલાકાત લઇ હક્ક-દાવા રજૂ કરી શકશે.
જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર ના ૧૯૫૦ ટોલ ફ્રી નંબરમાં ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકાશે.
જેથી આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાએ ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી. પંડયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.