કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરના રાજા ભીમા મહિયાની અમીરાત

‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું’

પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો

હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી. બાકી અમારા બેનને પાછા તમારા રાણીવાસમાં તો નહિં જ મોકલીએ

જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાર ચાલતી હતી, ત્યારે વાંકાનેર રાજે મહિયાઓને ત્રણ ગામ આપવાની ઓફર કરેલી
રાણદે આઈનો વસ્તાર મહિયા અને આયરના મોંઘા લોહીમેળથી શોભી ઉઠયો. એ રાણદે આઇનો દેહ શેરગઢ (જી: જૂનાગઢ) ગામના ટીલાત અમરાભાઇના ગઢમાં જ પડયો

વાંકાનેરમાં ઝાલા વંશના રાજાઓના રાજ પહેલા મહિયાઓનું રાજ હતું. મહિયાઓ મૂળ મારવાડના મેણા (મીણા) રજપૂત હતા. એમના વડવા ભીમા મહિયાએ મારવાડ ઉપરથી ઉતરતા ઉતરતા સોહામણી સોરઠ ભોમના સોણલા દીઠા. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલાર દેશ છે.

‘નીલાં તટ મચ્છુ તણા, નીલી વાંકાનેર; એકરંગીલા આદમી, પાણી વળેજો ફેર.
(મચ્છુ નદીનાં લીલા તટ: લીલૂડી ધરતી: અને એક રંગીલા એ પ્રદેશના માનવી: એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીના છે)
મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર; નર પટાધર નીપજે, પાણી હુંદો ફેર.
એવા એકરંગીલાં માનવીને પેદા કરનાર પાણીવાળાની દિશાએ એમના વડવા ભીમા મહિયાએ ઉચાળા ભરિયા. ગઢીયા ડુંગરમાં ચોતરફ વનરાજી અને તળાવ કાંઠે એક સ્થળે વસવાટ કરવા તેમનું મન લલચાયું અને “વાંકાનેર” નામનું ગામડું વસાવ્યું.
એક દિવસ ભીમા મહિયાની દોઢીએ આવીને એક બાઈ ઉભી રહી. હાથમાં બાળ તેડયું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારું કોઈ નથી. ભીમા મહિયે પૂછ્યું, ‘બેન ! કોણ છો તુ ? શીદ આવવું થયું? તને અહીં રામરક્ષા છે. તારા દુઃખની વાત દિલ મોકળું મેલીને કહે…બા’
‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું. પાટ – ઠકરાણી છું, પણ અણમાનીતી છું. અમને બેય શોકયુંને દેવે દીકરા દીધા, પણ મારું ફૂલ બે ઘડી વહેલું અવતર્યું. તેથી મારો બાળક ટીલાત ઠર્યો કે ની? એટલે અપર-માં એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારી ઓથ લેવા આવી છું’.
‘વાહ વાહ ! મારા વડા ભાગ્ય, મારી બોન ! ! તું ભલે આવી, તારો ઝાલા રાજા કદીક બળિયો હશે, તો અમેય કે દી’ પારોઠના પગલા દીધા નથી. અમેય રજપૂત છીએ, તું તારે આહીં સગી માંનું પેટ સમજીને રેજે’.

(આ આખી ઐતિહાસિક ઘટના અમે ઝવેરચંદ મેઘાણી લિખિત ‘મહિયાના બહારવટા’ ના આધારે લખી છે. હળવદ રાજના વારસદારને અપરમાંએ દગો કરી, પટરાણીને અવતરેલ સાચા વારસદારને મરાવી નાખવા કાવતરું કરેલું. પટરાણીએ થાન આશરો લીધો, ત્યાં હળવદના રાજાએ લશ્કર મોકલેલું. થાનના રાજા ઝીંક ઝીલી શકે તેમ નહોતા. થાનના રાજાએ ગામ છોડવા જણાવ્યું. પટરાણી એકલપંડે રાતના અંધકારમાં છાનામાના થાન છોડી નાના બાળકને લઈને ઉપર આભ નિચે ધરતી, પાછળ બળિયા રાજાના લશ્કરની બીક, કોણ આશરો આપે? માં નો જીવ, પોતાના વહાલસોયાને બચાવવા ભૂખ, તરસ, પગમાં પડેલા છાલા, થાકની દરકાર કર્યા વિના રખડતા ભટકતા ત્યારના નાના એવા વાંકાનેર ગામમાં આવે છે. હવે આગળ વાંચો… નઝરૂદીન બાદી)

આહીં રાણીને આશરો અપાયાની વાત ફૂટી ને ત્યાં પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો.
ચાર- આઠ મહિયા જુવાનોએ ભીમાની રજા લીધી, પૂછ્યું કે ‘ફોગટની શીદ લડાઈ માંડવી ? મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી આણીએ તો કેમ ?’
‘તો તો રંગ રહી જાય બેટાઓ !’
ચોકીઓ ભેદીને ચાર મહિયાઓ રાતવેળાએ રાજાના ડેરામાં ઉતર્યા. પોઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તલવારો દબાવી, ઝરણાના ઉંડા પાણી વટાવીને ઢોલિયો દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદરમાં જ છે.
પ્રભાતે ભીમા મહિયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યા. મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખ ઉઘાડી ત્યાં વરતી ગયા કે કાળના હાથમાં પડયો છું.

‘ઝાલા રાજ ! આ દાતણ કરીને મોં પખાળો. કસુંબો ખોટી થાય છે…’ એટલું કહીને ભીમા મહિયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી વેળાએ ફોડ પાડયો કે ‘રાજ! તમારા ઠકરાણાં તો મારી ધરમની બેન છે. ક્યાંયે બચવાની બારી ન રહી, ત્યારે મારા ઉચાળામાં તે રિસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી. બાકી અમારા બેનને પાછા તમારા રાણીવાસમાં તો નહિં જ મોકલીએ. અમારો ભાણેજ આહીં જ રહેશે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ, બોલો ! તમે એને શું દિયો છો રાજ ?
રાજાએ પણ પોતાની અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બેનને દીધેલું વાંકાનેર છોડીને મહિયા ચાલી નિકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહિયાને મોસાળ કરી માનતો થયો. મહિયાઓ પછી કુવાડવા જઈ વસેલા. રાજકોટની ચાકરી કરી.
જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાર ચાલતી હતી, ત્યારે વાંકાનેર રાજે મહિયાઓને કહેરાવેલું કે ‘શીદ તકરારમાં ઉતરો છો? જૂનાગઢ જાકારો ભણે તો અહીં આવતા રહો. ત્રણ ગામ આલુ. મારા તો તમે મોસાળ છો’.
થાનના ગોરખા ભગતે તેમના વડવા ભાણા મહિયાને સ્વપ્ને આવી થાન પરગણું હાથ કરવાનો સંદેશો દીધો. નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.
વખત જાતા મહિયાના લોહી આયરના લોહી ભેળા ભળ્યા. બનેલું એવું કે ભાણ મહિયો ભર જોબન અવસ્થાએ ઘોડીએ ચડીને ગામતરે નિકળેલા. કુવાડવા પાસેના ગુંદા ગામને પાધર અષાઢ મહિનાના મોરલાએ ગળક દીધી. જેવી ગળક સાંભળી કે એની ઘોડીએ ભળકીને ઠેક દીધી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. આમાં ભાણ મહીયો તો પલાણ ઉપરથી ડગ્યો નહિ, પણ એની પાઘ એના માથા પરથી વિંખાઈને નિચે પડી ગઈ. પાઘડી વિખાતા જ માથા ઉપરના પેનીઢક મોવારાનો ચોટલો છૂટી ગયો. (બૈરાથી મોટા વાળ મહીયાઓ રાખતા) વિખરાયેલી જટાએ ઘોડીને ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોએ ભાણ મહીયાનું મોઢું છાઈ દીધું.
કૂવાને કાંઠે ટીબકીયારી ચુનડીએ અને ભરત ભરેલે કપડે બે પનિહારીઓ હેલ્ય ભરીને હાલુ હાલુ થાતી હતી, તે ભાણ મહીયાના દેખાવે થંભી ગઈ. ભાણ મહિયાનો ચોટલો સંકેલાણો. પાઘ બંધાઇ ગઇ. ઘોડી પાધર વટાવી અણદીઠ થઇ, તો યે બેમાંથી એક પનિહારી ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે, તેનો ભાર પણ ભૂલાણો. જાણે બાઈ કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનિહારીએ એને ઢંઢોળી. ‘હવે તો બેડાને ભારે ટાલ બળે છે, હો ! અને તમારે જો તમારી હેલ્ય પરબારી જ જઈને ઉતારવી હોય તો પછી મને ઘરભેળી થવા દ્યો’.

તે વખતે પનિહારી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ, પણ ઘેર ગયે એને ઝંપ ન વળ્યો. ભોજાઈનું મેણું ખટકતું હતું. એની નજરમાં રૂડો અસવાર રમતો હતો. હૈયું ક્યારનુયે એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાપાછા થયા એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાધરને એ જ કૂવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામના મારગે પડી. ગામમાં જઈને ભાણ મહિયાની ડેલીએ ઉભી રહી. માથે હેલ્ય અને મોઢે મલીરનો ઘૂમટો. પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમી. ભાણ માહિયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું કે, ‘પૂછો, આ બાઈ કોણ છે? અને શા કામે આવી છે?’

માણસો પૂછવા ગયા. ઘૂમટવાળીએ કહેરાવ્યું કે ‘ભાણ મહિયાને કહો કે હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી. મારુ નામ રાણદે, કૂળની લાજમરજાદ મેલીને આવી છું. માટે કાં તો મૂછોનું વળ ઉતારી મૂછ નિચી કર ને કાં તો આ હેલ્યને હાથ દે’.
ભાણ માહિયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોના વેર માથે લઇ જીવવું વસમું હતું, પણ તેથી તો વસમું હતું મૂછ નિચી કરવાનું કામ. મહિયો થઈને મૂછનો વળ કેમ ઉતારે? ઉઠીને એણે આયર કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢિયાળી અને શૂરવીરનું ઓઢણું ઓઢવા સગાવ્હાલાના વિજોગ સહેનારી રાણબાઇ ગઢમાં ચાલી ગઈ. શાં અને સોજાં શીળ, ઓરડાય હસી ઉઠયા.

બાઈના બાપ જીવા આયરને જાણ થઇ કે દીકરી મહિયા માથે મોહીને ગઈ. આયરનું ડિલ તપી હાલ્યું અને મહિયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યા કે ‘કુવાડવા ઉપર મીઠાના હળ જોડાવું તો હું આયર સાચો’.
ડાહ્યા ચારણો હતા, એમણે શિખામણ દીધી, ‘આપા જીવા ! એમ કાંઈ મહિયો ગાંજીયો નહિ જાય અને પછી દેખાશો ભૂંડા ! માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો?’
‘પણ મહિયો શું એમ મારી દીકરીને રાખે?’
‘આપા ! દીકરી ગઈ છે તો મૂછાળાના ને ? કોઈ નમૂછીયા ઉપર તો નથી મોઈને ?’
‘ના !’
‘ત્યારે મહિયાને સગો જમાઈ બનાવી લે ને? અરે ભૂંડા! તારે તો ભડ વસીલો મળ્યો’
એ રીતે રાણદે આઈનો એક વખત વાંકાનેર તાલુકામાં વસતો વસ્તાર મહિયા અને આયરના મોંઘા લોહીમેળથી શોભી ઉઠયો. રૂપ અને શૂરાતન સરખાં માહિયાના વંશને ચડવા લાગ્યા. એ રાણદે આઇનો દેહ શેરગઢ ગામ (જી: જૂનાગઢ) ગામના ટીલાત અમરાભાઇના ગઢમાં જ પડયો.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!