દેશ-વિદેશમાં વાંકાનેરને ઓળખ અપાવનાર પનોતા પુત્ર
સુરદાસનું પાત્ર ભજવવા માટે કલેકટર સાહેબે સોનાનો ચાંદ ભેટ આપ્યો હતો!
‘સંત કબીર’ જેવા નાટકમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો સંદેશ હોવાથી બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો
નાટકો પ્રસ્તુત કરીને મળેલા સોના-ચાંદીના ચંદ્રકોનું પાંચ શેર જેટલું વજન હતું
ભક્ત પ્રહલાદનો ખેલ કરતા મુસલમાન ભાઈઓએ પણ સોનાનો મેડલ અર્પણ કરેલો
ભલે માધ્યમો અલગ અલગ હોય પરંતુ મનોરંજન મેળવવું તે વર્ષોથી માનવ સહજ સ્વભાવ રહ્યો છે. આજના આ યુગમાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર જેવા સાધનો ઉપલબ્ધ છે, પણ અગાઉના જમાનામાં આ બધા સાધનોનું અસ્તિત્વ નહોતું; ત્યારે નાટકોનું એક અનોખું અને આગવું મહત્વ હતું. ગામડા – શહેરમાં ભજવાતા નાટકોના સંવાદો અને ગીતો પ્રેક્ષકો વાગોળતા. નાટકોની ઘેરી અસર માનવ સમુદાય ઉપર પડતી- જળવાતી. ગામડાઓમાં નાટકમંડળીના આગમનના સમાચાર આગની જેમ આજુબાજુના વિસ્તારમાં પણ પ્રસરી જતા. નાટકમાં ભજવાયેલા દ્રશ્યો પાછળથી નાના ટાબરિયા મહિનાઓ સુધી અનુસરતા. પિક્ચરના હીરો- હિરોઈનને આજે જે મહત્વ મળે છે, એટલું જ મહત્વ અને પ્રખ્યાતિ નાટકોના કલાકારોને મળતા.
વાંકાનેરમાં જન્મેલા એવા જ એક ભારતભરમાં આઝાદી પહેલા પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદીની જીવન ઝરમર આજે પ્રસ્તુત છે.
લવજીભાઈનો જન્મ સં. 1943 ના શ્રાવણ વદી 6 ને શુક્રવારે વાંકાનેર મુકામે થયો હતો. એમણે વાંકાનેરના ઠાકોરસાહેબ તેમ જ રાજકોટ, પોરબંદર, પાલીતાણા, મોરબી વગેરેના રાજાઓ સમક્ષ ગીતો ગાઈને નાનપણમાં જ સરસ ઇનામો મેળવેલા. એક વખત શાહપુરના રાજવી પણ હવાફેર માટે વાંકાનેર પધારેલા. લવજીભાઈના દર્દભર્યા મીઠા સ્વરથી પ્રભાવિત થયેલા રાજવીએ સારું ઇનામ તેમ જ પોતાના રાજમાં સારા પગારથી રાખવા આમંત્રણ આપ્યું. એમનું ગળું સુંવાળું હોવાથી તેમની કર્ણ મધુર ગાયકીથી સૌ કોઈ પ્રસન્ન થતા હતા.
પરંતુ ચાર- પાંચ દિવસ બાદ આર્ય હિતવર્ધક કંપનીના માલિકો અચાનક વાંકાનેરમાં આવ્યા. લવજીભાઈના ગીતોના વખાણ સાંભળી તેમને બોલાવી સંગીત સાંભળ્યું. ખૂબ ખુશ થયા. આ માલિકોએ પિતા- પુત્રને પોતાની કંપનીમાં સાથે લઇ જવાનું નક્કી કર્યું. કંપની આ સમયે સુરત હતી. લવજીભાઈ તેમના પિતાશ્રી અને બહેન સાથે સુરત ગયા. જ્યાં તેમના પિતાશ્રી ખૂબજ બિમાર પડયા. ચાર માસની માંદગી ભોગવી દેવલોક પામ્યા. ત્યાર પછી કાકાશ્રીની સંભાળ નીચે લવજીભાઈએ આગળ વધવાની શરૂઆત કરી. નાનપણમાં લવજીભાઈ રાજકુમારોના પાત્રમાં ઘણું સરસ કામ કરતા.
આ કંપનીમાં અમદાવાદ આનંદભુવનમાં ભજવેલા ‘નરસિંહ મહેતા’ના નાટકમાં લવજીભાઈએ શામળશાનું અને પછી મુંબઈમાં આ જ નાટકમાં શ્રીકૃષ્ણનું ભજવેલું પાત્ર વખણાયું. ભરૂચ મુકામે આવ્યા પછી કંપનીમાં વિભાજન થતા કંપનીના એક ભાગીદાર ત્રંબકલાલ રામચંદ્રનો લવજીભાઈ પ્રત્યેનો પ્રેમ પોતાના દીકરા કરતા પણ વધારે હોઈ કંપની અને થિયેટર તેમણે લવજીભાઈને સોંપ્યા. તેમણે ‘શ્રી નૃસિંહ નૌતમ નાટક સમાજ’ના નામથી શરૂઆત કરી. “ભક્તિ વિજય” નામનો ખેલ રજૂ કર્યો.
થોડા સમય પછી વાંકાનેરના રાજકવિ નથુરામ સુંદરજી લિખિત “બિલ્વ મંગળ” ઉર્ફે “સુરદાસ” નો ખેલ ઘણી જ સારી રીતે રજૂ કર્યો. આ નાટકમાં સુરદાસનું પાત્ર લવજીભાઈ એટલું સરસ ભજવતા કે લોકો આફરીન થઈને તેમને સુરદાસના નામથી ઓળખવા લાગ્યા. ગર્વની વાત એ છે કે આ નાટક લખનાર અને ભજવનાર બંને વાંકાનેરના જ હતા.
મુંબઈમાં સારી જગ્યાએ તે વખતે થિયેટર ન મળવાથી ગ્રાન્ટ રોડ પર પ્લે હાઉસ ભાડે રાખ્યું. સામે આઠ કંપનીના ચાલતા નાટકોની હરીફાઈ હતી, છતાંય જાહેરાત કરવાની સાથે જ આઠ દિવસની ટિકિટોનું રિઝર્વેશન થઇ ગયું. સુરદાસે મુંબઈના લોકોને ઘેલું લગાડયુ. અચાનક કંપનીના માલિક એવા લવજીભાઈના કાકાનું અવસાન થયું. હવે તો બધો બોજો લવજીભાઈ ઉપર આવી પડયો.
સુરત આવ્યા પછી કંપનીએ પોતાની બીજી બ્રાન્ચ કાઢી અને બીજા શહેરોમાં પણ ખેલ ભજવવા શરૂ કર્યા. આ પ્રથાની શરૂઆત કરનાર લવજીભાઈ પ્રથમ હતા. સને 1911 ની સાલમાં કોરોનેશન ડે ના લાભાર્થે ખેલમાં સુરદાસનું પાત્ર ભજવવા માટે કલેકટર સાહેબે એ જમાનામાં સોનાનો ચાંદ લવજીભાઈને ભેટ આપ્યો ! ગુજરાતભરમાં ખ્યાતિ વધી. ‘સંત કબીર’ જેવા નાટકોમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો સંદેશ હોવાથી બ્રિટિશ સરકારે દિલ્હી અને પંજાબમાં આ નાટક પર પ્રતિબંધ મૂક્યો હતો. જયારે ‘શ્રવણકુમાર’ નાટક જોઈને લોકમાન્ય તિલકે નાટક કંપનીના આશ્રયદાતામાં પોતાનું નામ લખવાની સંમતિ આપી હતી અને મદનમોહન માલવિયાજીએ બનારસમાં લવજીભાઈને ‘નાટ્ય ભૂષણ’ ની પદવી તેમજ સંસ્કૃતમાં માનપત્ર આપ્યું હતું. નાટકો પ્રસ્તુત કરીને મળેલા સોના-ચાંદીના ચંદ્રકોનું પાંચ શેર જેટલું વજન હતું.
સુખ પછી દુઃખ એ જીવનનો ક્રમ છે. કંપની ઉપર આફત આવી. ભાગીદારોના મનમાં ઈર્ષા જાગી. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો. આ કેસમાં ઝીણાસાહેબ વકીલ તરીકે હતા. લવજીભાઈનું શરીર અસ્વસ્થ થતા વાંકાનેર આવ્યા.
અહીં સ્નેહીઓ- શુભેચ્છકોની ટપાલો આવવા માંડી. અંતે લવજીભાઈને વડોદરા જવું પડયુ. મિત્રોએ ત્રીસ હજારની રોકડ રકમ તેમના ખોળામાં મૂકી દીઘી. લવજીભાઈને નવી કંપનીની શરૂઆત કરવામાં પંદર હજારની જ જરૂર હતી. તેથી બાકીના એ જમાનાના પંદર હજાર તેમણે મિત્રોને પાછા આપ્યા! મિત્રોએ ત્રીસ હજાર આપવા અને તેમાંથી પંદર હજાર પાછા આપવા; તે આજના યુગના સંદર્ભમાં સરખામણી કરવા જેવું છે.
લવજીભાઈએ “શ્રી સુરવિજય નાટક સમાજ” ના નામથી કંપનીની શરૂઆત કરી. સુરતથી માળવા- ઈંદોર તરફ કંપનીને લઇ ગયા. ઈંદોરમાં સતત છ માસ સુધી ખેલ ભજવ્યા. સ્ટેટ તરફથી પણ સારું ઇનામ મળ્યું. પછી કંપનીને સ્પેશિયલ ટ્રેન મારફત સિંધ – હૈદરાબાદ (હાલનું પાકિસ્તાન) માં લઇ ગયા. કરાંચી, શિકાપુર અને મુલતાન ગયા. મુલતાન ભક્ત પ્રહલાદની માતૃભૂમિ છે. જ્યાં ભક્ત પ્રહલાદનો ખેલ કરતા વાંકાનેરવાસીને ત્યાંના મુસલમાન ભાઈઓએ પણ સોનાનો મેડલ અર્પણ કરેલો. (ક્રમશ:)
સંપાદક: નઝરૂદીન બાદી (78743 40402)
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ