24 કલાક સુધી વીજળી મળે એમાં પણ યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે
ગુજરાતે પાણીનો જે કારમાં દુકાળ સહન કર્યો તે ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ખેડૂતોને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બનતું હતું. આવા સમયે સરકારે સિંચાઈ મંડળીની રચના કરી. સિંચાઈ મંડળીનું દ્વારા નદી પાસેથી ડેમ પસાર થતો હોય તેમાંથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે પાણીની એક અથવા બે જેટલી સિંગલ લાઇન બનાવી તેના મારફતે દરેક ખેતરના પિયત માટેનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ મંડળીમાં ખેડૂતો જ જોડાતા હતા અને તેંમના દ્વારા સંપૂર્ણ કાર્ય કરવામાં આવતું હતું પરંતુ તેનું નિયમન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું હતું. મોરબી જિલ્લામાં આવેલ દહીંસરા ગામ ખાતે પણ આ પ્રોજેકટ અમલમાં મુકાયો હતો.
સમય જતાં સિંચાઈ મંડળીઓની સંખ્યા વધતી ગઈ અને ગત વર્ષ ૨૦૨૨માં સીએમ ભુપેન્દ્ર પટેલના કાર્યકાળમાં આ મંડળીનો સંઘ બન્યો અને તેનું નામકરણ ‘ગુજરાત સિંચાઈ સંઘ’ના નામે કરાયું હતું. જેના ચેરમેન પદે મોરબીના દેવશીભાઈ પટેલની વરણી થઈ હતી. આ તકે સીએમ ભુપેન્દ્ર પટેલએ ગુજરાત સિંચાઈ સંઘની કચેરીનું નિર્માણ પણ ગાંધીનગરમાં સચિવાલય ખાતે કર્યું હતું અને એક બંગલો પણ ગુજરાત સિંચાઈ સંઘને ફાળવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કરવામાં આવ્યો હતો હાલ ગુજરાત સિંચાઈ સંઘમાં મંડળીની સંખ્યા 284 ને પાર કરી ગઈ છે અને વધુથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આ મંડળીઓને 24 કલાક માટે વીજળીની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. સામાન્ય રીતે ખેડૂતોને આઠ કલાકથી વધુ વીજળી મળતી નથી પરંતુ કોઈ એક મંડળી દ્વારા નજીકના ખેતરોમાં પાણીની લાઈન મારફત પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય તો 24 કલાક સુધી તેમને વીજળી મળે છે. આ ઉપરાંત સરકાર દ્વારા વીજળીના યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે અત્યંત લાભકારક છે પરંતુ મોરબી જિલ્લાના પરિપ્રેક્ષામાં વાત કરીએ તો ખેડૂતોમાં આ યોજના વિશે જાગૃતિનો અભાવ જોવા મળે છે.
જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ મંડળીમાં જોડાય છે અને સિંચાઈ માટેની આ યોજનાનો લાભ લઇ રહ્યા છે ત્યારે આ બાબતે મોરબી જિલ્લામાં આ પ્રકારની જાગૃતિ આવવી એ જરૂરી છે જેને પગલે ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ મળે, વીજળી પણ મળે અને તેમના પાકને પૂરતું પોષણ પણ મળે છે. બીજી તરફ સરકાર દ્વારા નાણાંનો ખોટો ખર્ચ કરવામાં આવતો નથી અને ખેડૂતોને જેટલી પણ સુવિધાઓ મંડળીની રચના કરવા માટે જોઈએ છે તે તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે.
સરકાર દ્વારા આગામી દિવસોમાં આ પાણીની લાઈન માટે થતા ખર્ચમાં પણ સબસીડી આપવાની ચર્ચા કરવામાં આવી રહી છે અને એવી સંભાવના છે કે ટૂંક સમયમાં સરકાર અંગેની જાહેરાત પણ કરશે ત્યારે મોરબીના ખેડૂતો આ યોજનાનો ક્યારે લાભ મળશે એ જોવાનું રહેશે.