બે સગાભાઇઓ પેઇન્ટિંગ કામ કરતા હતા
મુળ રહે-ગારીડા (તા:ચોટીલા)ના કોળી બંધુ ફરિયાદી
રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઇડીસીમાં ધૂળેટીની આગલી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.3 પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે રીક્ષાને હડફેટે લઇ તેનો બુકડો બોલાવી દીધો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક સહિત તેમા મુસાફર તરીકે બેઠેલા મેટોડામાં રહેતા બે સગા ભાઇઓ સહિત ચારના કમકમાટીભર્યા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ભયાનક અકસ્માતના બનાવના પગલે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતનો મોટો પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે કોળી બંધુના પિતાની ફરિયાદ પરથી મેટોડા પોલીસે ગીરસોમનાથના એલમપુર ગામના ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ હાઇવે પર આવેલ મેટોડા જીઅઆઇડીસી ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રિના 10 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીજે.03.બીએક્સ.5656 નંબરની રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓટો રિક્ષા શ્રીરામ હોસ્પિટલ પાસેથી પસાર થઇ ગેઇટ નંબર 3માં જતી હતી દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં પોલીસની તપાસમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ.28) જે પોતે મેટોડા વિસ્તારમાં આવેલા મચ્છોનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રિક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા તેમના પણ મોત નિપજ્યા છે જેમાં વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજય સવસીભાઇ ગાંગડિયાનો સમાવેશ થાય છે. જેઓ પણ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં જ આવેલ રોટરી ક્લ્બ નજીક રહેતા હોવાનું સામે આવ્યું હતું. મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને અહીંયા પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલનું નામ અતુલ કલ્યાણ સહેરીયા (ઉ.વ.30 રહે- હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નંબર 03, અંધેરી સોસાયટી તા.લોધીકા જી.રાજકોટ મુળ રહે-રાજપુરગામ, તા.શહાબાડ જી.બારા,રાજસ્થાન) હોવાનુ માલુમ પડયું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતક કોળી બંધુના પિતા શીવાભાઇ લીંબાભાઇ ગાંગડીયા (ઉ.વ.52 રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.3 રોટરી કલબ કવાર્ટસ-34 મૂળ ગારીડા તા. ચોટીલા) ની ફરિયાદ પરથી ટ્રક ચાલક બંસીભારથી બટુકભારથી ગૌસ્વામી(ઉ.વ. 31 રહે. એલમપુર તા. ઉના)ની સામે ગુનો નોંધી નાસી ગયેલા ટ્રકચાલકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
