મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત
‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’
ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે
રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની પણ બીક. ઝાંઝવાના જળ, ખોટા ખોટા પડછાયા. રાતના જરાક સળવળાટ થાય કે અનેક વિચારો આવે
વાંકાનેર તાલુકાના મહીકાના હાઇવે ઉપરનો પુલ ઉતરતા, વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જતા ડાબા હાથ ઉપર એક વાડી હતી; જેને ‘દેકાવાડી’ તરીકે લોકો ઓળખતા. ખૂબ નિપજ આપતી અને સારા કાવડિયા (ઉપજ) આપતી હોવાથી વાડીને દેકાવાડી તરીકે ઓળખવામાં આવતી. અગાઉના જમાનામાં આજની જેમ પ્લેનમાં નહીં, પણ સ્ટીમરમાં મુસ્લિમો હજ પડવા જતા; પરંતુ મહિકાના હાજીદાદા પગપાળા હજ પડવા ગયેલા. મહિકા ઉપરાંત મહિકાથી ટોળમાં રહેવા આવેલા વડબાદીની પાંચમી પેઢીની આ વાત છે. આ કુટુંબ ‘હાજીખાન’ તરીકે ઓળખાય છે.
વાત જાણે એમ બનેલી કે દેકાવાડીમાં ગદબ વાવવામાં આવતો. બપોરના સમયમાં આજુબાજુના વિસ્તારમાંથી મોરલા અને સસલા આ ગદબ ખાઈ જતા. (મહિકામાં આજે પણ સીમમાં ઢેલ-મોરલાઓ ઘણા જોવા મળે છે). ગદબને પક્ષી-પ્રાણી ખાઈ ન જાય એટલે હાજીદાદાને રખોપું રાખવા જવું પડતું.
એક દિવસની વાત છે. ખરા બપોર ટાણે માથાની ટાલ પણ ફાટી જાય અને તડકામાં ચકલા પણ ચક્કર ખાઈને ટપોટપ પડી જાય, એવા ધોમધખતો તાપ પડી રહ્યો હતો. આકાશમાંથી ગરમીની લૂ એવી તો વરસી રહી હતી કે ઘર બહાર પગ મૂકવાની પણ હિંમત ચાલે નહીં.
આવા સમયે હાજીદાદા ગદબનું રખોપું કરતા વાડીએ એક ગુંદીના ઝાડ નીચે બેઠા હતા, ત્યારે પરસેવે રેબઝેબ થતો ફકીર જેવો એક માણસ આવ્યો અને પીવાના પાણીની હાજીદાદા પાસે માંગણી કરી.
હાજીદાદાએ પહેલા તો એ ફકીરને એની આકળવિકળ હાલત જોઈને ગુંદીના ઝાડના છાંયે બેસાડી પોતે તડકછાંયમાં લૂ ખાતા બેઠા. ઝાડનો છાંયડો એટલો મોટો નહોતો કે બે માણસ છાંયામાં બેસી શકે. પાણી માટે માટીની ભુંભલી (બતક) હાજીદાદાએ ફકીરને ધરી. બતક નમાવી ફકીર પાણી પીવા જાય છે કે તેને ધ્યાને આવ્યું કે બતકમાં પાણી જાજુ નથી. પાણી પીધા વગર ફકીરે હાજીદાદાને બતક પાછી આપતા હાજીદાદાએ આમ કરવાનું કારણ પૂછ્યું. કારણ જાણ્યા પછી ભોળા અને ચોખ્ખા મનના હાજીદાદાએ કહ્યું, ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે, મારી ફિકર કરોમાં’ પોતાની ચિંતા ન કરનારા અને બીજાના સુખનો વિચાર કરનારા હાજીદાદાએ પરાણે પોતે તડકો ખાઈને પણ ફકીરને છાંયામાં બેસાડી પાણી પાયું.
ખરા બપોરે તરસથી ટળવળતા ફકીરે પેટ ભરી પાણી પીધું. પેટમાં ટાઢક વળી. પોતાનું પાણી બીજાને આપનાર, બીજા માટે તડકો ખાનાર અને તરસ છિપાવનાર હાજીદાદા માટે ફકીરે દિલના ઊંડાણથી દુઆ કરી, ‘જા બેટા! તું તારા નામ પ્રમાણે હાજી બનીશ, મારી દુઆ છે’.
ફકીર તો જતો રહ્યો પણ પછી હાજીદાદા વિચારે ચઢ્યા. હજ પડવા જવાનો ફદિયાનો વેંત નથી, તો હું કેવી રીતે હાજી બનીશ? હજ પડવા જવાની એની કોઈ કંડીશન નહોતી.
રોજની જેમ એક બપોરે હાજીદાદા ગદબનું રખોપું રાખતા ગુંદીના ઝાડ નીચે આડા પડખે થયા. આંખ લાગી ગઈ. ખ્વાબ આવ્યો કે તેને કોઈ કહી રહ્યું છે કે ‘બચ્ચા, ઉઠ અને હજ પડવા જા’. ઉઠયા. ઘરે આવી દાદીને જણાવ્યું ‘મારે હજ પડવા જવું છે, મેં ખ્વાબ જોયો’.
‘પણ આપણી પાસે પૈસા નથી. સ્ટીમરમાં કોણ બેસાડે?’ દાદીએ લાખ ટકાનો સવાલ કર્યો.
‘પૈસા નથી તો હું હાલીને હજ પડવા જઈશ’. દાદાને હજ પડવા જવાની બરાબરની લગની લાગેલી.
‘આપણા ગદબને મોરલા ખાઈ જશે. રખોપું કોણ રાખશે? વાવણી ટાણે મોલ કોણ વાવશે? ઉપજ વિના ઘર કેમ હાલે?? વરસ આખું હારી જઈશું’.
‘એ બધું અલ્લાહ ઉપર છોડું છું’
દાદીએ ભારે મને રસ્તામાં ખપ પડતી બધી સામગ્રી, કપડાં-લત્તાનો ખળીયો બાંધી દીધો. હાજીદાદાએ ખંભે નાખ્યો. આંસુના તોરણ બંધાયા. સામ-સામે ભૂલચૂકની માફા-માફી થઈ. નસીબમાં હશે તો ફરી મળીશું, દાદાને રોકવા માંગતા દાદીને હજ પડવા જવાના સારા કામમાં નન્નયો કરતા સંસ્કારે રોકયા. રખવાળા અલ્લાહના. ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે, એવા ભાવ સાથે ક્યાંય સુધી દાદી પોતાના હૈયાના હારને જતા કઠણ મને એકીટશે જોઈ રહ્યા.
દાદા, દાદીની નજરથી ઓઝલ થયા. ઓસરીના બારસાખને ટેકો દઈને ઉભેલા દાદી ફસડાઈ પડયા. એ ઉભા ન રહી શક્યા. વેદના એટલી કે જાણે પોતે અપંગ થઇ ગયા હોય. ઝીંદગીની ઢળતી છાંયે આમ એકલા રહેવું પડશે? કુદરતને મંજુર; એ મારે પણ મંજુર! મનને મનાવ્યા સિવાય બીજો કોઈ ઓવારો નહોતો. પછી સાડલાથી આંખો લુછી પોતાના ધણીની સલામતીની દુઆ ગુજારી. વખત એક ઓસડ છે. વખત જતા દાદી પોતાની જાતને સંભાળી શક્યા. માણસની કદર હૈયાતીમાં થાય એના કરતા એની ગેરહાજરીમાં વધુ થતી હોય છે.
કઈ દિશામાં જવું, એ દાદાએ જાણી લીધેલું. ત્યારે ગલ્ફના દરિયામાં ઓમાનની ખાડીમાંથી સીધું અરબસ્તાન પહોંચી શકાતું નહીં અને પાકિસ્તાન ભારત સાથે જ હતું. આજે ગલ્ફના દરિયામાંથી પાકિસ્તાન, ઈરાન, આરબ અમીરાત સ્ટેટમાં થઈને મદીના પહોંચવામાં લગભગ પાંચ હજાર કિલોમીટર થાય છે. જેનાથી લગભગ બમણું એટલે કે હાજીદાદાને વચ્ચે દરિયો ન આવે, તે માટે કચ્છમાં લખપતથી આજના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક અને કુવૈત થઈને અરબસ્તાન ફરીફરીને પહોંચવાનું હતું. રસ્તામાં રણ આવે, જંગલ આવે, ખાડા-ટેકરા, ટાઢ-તડકો, ભૂખ-તરસ, જીવ-જનાવર, ભૂલા પડવાનું જોખમ; આજના જેવા રસ્તા- સાધનો નહીં ગુગલ મેપ નહીં. હોકાયંત્રથી કામ ચલાવવું પડે, આજની જેમ મોબાઇલ વોટ્સએપ નહીં. કોઈ સર-સમાચાર ન મળે. લગભગ દશ હજાર કિલોમીટરનો રન, આજનો જુવાનીઓ અડધા કિલોમીટર માટે પણ મોટરસાયકલની કીક મારે અને જો હિંમત કરી ચાલીને જાય તો ટેં થઈને પાછો આવે!!
દિવસના તસબીહ કરતા જાય, નમાજ પડતા જાય. રાત્રે રહેવા લાયક જગ્યાએ રાતવાસો કરતા કરતા કચ્છ પહોંચ્યા. કચ્છના ધોમધખતા તાપમાં પગમાં ફોલા પડયા અને છાલા થયા. માંડ માંડ ચલાય, એવી સ્થિતિ; પણ મનોબળ અડગ. મક્કા- મદીના પહોંચવું એટલે પહોંચવું જ. રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની પણ બીક. ઝાંઝવાના જળ, ખોટા ખોટા પડછાયા. રાતના જરાક સળવળાટ થાય કે અનેક વિચારો આવે. ઘર કુટુંબ યાદ આવે. દાદીની યાદ- વડને વીંટળાયેલી વડવાઈ માફક- વીંટાઈ જાય. સાથે સાથે ભાઈ સાજી અને દીકરો મીમનજી પણ યાદ આવે. દીકરાનું વહાલું મોઢું અને કાલીઘેલી વાતો- મનને માંડમાંડ સંભાળી શકે. મર્દ માણસ એમ કઈ થોડું રોવાય? આ યાદના ઉજળા પ્રકાશને હાલવામાં લાગેલા થાકના અંધકારનો આગોશ વીંટળાઈ પડે. ટાંકણીને જેમ ચૂભતી રણના સુસવાટા મારતા પવનમાં ઊડતી રેતીને સહન કરીને સવાર પડે. હાલત સવાલ કરે, મક્કા કેમ પહોંચાશે? મક્કમતા જવાબ આપે, પહોંચાઇ જવાશે.
કચ્છની રેતીમાં પોતાની ધૂનમાં કણસતા કણસતા ઉજ્જડ વિસ્તારમાં એકલા અટુલાચાલ્યા દાદા જાય છે, બસ ચાલ્યા જાય છે. જ્યાં જુઓ ત્યાં બસ રેતી જ રેતી, ઉપર આભ હેઠે ધરતી, દિલમાં હજ પડવાની અદમ્ય ઈચ્છા, હિંમત અને અલ્લાહ ઉપર પૂરો ભરોસો.
કચ્છના રણનો 30000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, જે સિંધુ નદીના મુખથી કચ્છના આખાત સુધી વિસ્તરેલો છે. તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલો છે. ખારાશવાળો આ વિસ્તાર સ્થિર પાણીથી ભરાઈ જાય છે. તેમાં વચ્ચે કાંટાળા છોડ, ઝાંખરાવાળા રેતીના ટાપુઓ હોય છે.
એવા જ એક ટાપુ પર હાજીદાદા પહોંચ્યા છે, એમાં ત્યાંથી પસાર થતા બે ઊંટસવાર દાદાને જોઈને તેમની પાસે આવ્યા. ઊંટસવારે જ્યારે જાણ્યું કે ચાલીને હજ પડવા જાય છે, કહ્યું: ‘અમે પણ હજ પડવા જ જઈએ છીએ, ચાલો! અમારા ઊંટ પર બેસી જાવ, સાથે જઈશું!!’
અજાણ્યા એ કોણ હતા? કોણે મોકલ્યા? એ તો ખબર ન પડી, પણ હાજીદાદા ઊંટ પર બેસી ગયા. માનો, અલ્લાહે સાચા દિલના આ માણસને ગેબી મદદ મોકલી.
હજ પડીને વળતા ઊંટસવારો એ જ ટાપુ પર પહોંચ્યા, સાંઢિયાને ઝુકાવી હાજીદાદાને કહ્યું, ‘તમે અહીંથી અમારી સાથે જોડાયા હતા, હવે આપણો સાથ પૂરો. સાથે રહીયાની માયા બંધાણી હતી. ભેટીને અને અલ્લાબેલી કરીને જુદા પડયા.
છ-એક મહિનાઓ પછી મહીકા પાછા આવ્યા. મહીકાને- માં ભોમકાને- દૂરથી જોઈ શુક્રિયાની નફલ અદા કરી. ફકીરની – દુઆ – હાજી બનવાની કબૂલ થઈ હતી.
દાદાને હેમખેમ પાછા આવેલા જોઈ દાદીના હરખનો કોઇ પાર ન હતો. પાણીનો ડેમ તૂટે તેમ, આંખમાંથી ખુશીના આંસુનો ડેમ તૂટ્યો. મોઢે વ્હાલસોયો હાથ ફેરવી ધણીના હાથ ચુમ્યા- પગ દબાવ્યા. છ મહિનાનો વિયોગ ભુલાયો. દાદીની આજે ઈદ થઇ હતી. દાદાને ખુબ ભાવતી લાપસી ભાવથી જમાડી. દાદી પાસેથી જાણ્યું કે એના ગદબને ખાવા પછીથી કોઈ મોરલો વાડી પાસે ફરકયો પણ નહોતો. રખોપું અલ્લાહ પાકે કર્યું હતું. કુટુંબીજનોએ વાવણી અને ખેતીકામ સંભાળી લીધેલું અને ઉપજ પણ ડબ્બલ મળી હતી. પોરો ખાધો – ન ખાધો, દાદા દેકાવાડીએ આવી વાડીને ચારેકોરથી માપતા રહ્યા. જાણે જીવતી જાગતી કોઈ વસ્તુ ન હોય! માણસોને વાડીની પણ માયા લાગતી હોય છે. ગુંદીના ઝાડ નીચેની માટીને ચૂમી ક્યાંય સુધી બેસી રહ્યા. દુઆ દેનાર ફકીરને યાદ કરતા રહ્યા. ખુશીમાં અને ખુશીમાં લાગણીશીલ એટલા બની ગયા કે એકલા એકલા ગુંદીના ઝાડને કહ્યું: હું હાજી બની ગયો. બતકનું પાણી પીને પાછા ઘરે આવ્યા.
સીમમાં ગયેલા કુટુંબીજનોને ખબર પડી કે હાજી દાદા હજ પડીને પાછા આવી ગયા છે, સાતેય કામ પડતા મૂકી વાડીખેતરથી મળવા દોડી ઘરે આવ્યા. રસ્તામાં બનેલી નાની મોટી ઘટનાના અનુભવો ટોળે વળેલા કુટુંબીજનોને કહી સંભળાવ્યા.
વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોમાં આ સિવાય કોઈએ પગપાળા હજ કરી હોય, તેવો કોઈ કિસ્સો સાંભળવા મળ્યો નથી. જો કે દલડીના ખોરજીયા હબીબ ગાજી, ખોરજીયા આહમદ નુરા તથા સરધારકાના જબરાવાળા પરાસરા વલી રાજે, પરાસરા અમનજી હાજી અને થાનના ત્રણ ઘાંચીએ પગપાળા હજ કરવાના આવા ઈરાદા સાથે વિઝા માંગેલા, પણ તે સાત પૈકીના છ ના વિઝા નહીં મળતા મોકૂફ રાખેલ.
મહીકાનું આ કુટુંબ હાજીખાન તરીકે ઓળખાય છે. હાજી પાછળ ‘ખાન’ કેમ લાગ્યું એ તો જાણવા મળેલ નથી, પણ હાજીખાન અડગ મનના હિમ્મતવાળા અને એટલીજ મીઠાશવાળા હતા. પોતાના પિતાના એકના એક વારસદાર હતા અને તેના કાકાને બે દીકરા હતા. જમીનના ભાગ પાડવામાં આવતા હાજીખાનને, એ હિસાબે અડધો ભાગ મળે, પરંતુ હાજીખાને અડધાને બદલે સામેથી જ ત્રણ ભાગ પાડી ત્રીજો ભાગ જ લીધેલો. ભત્રીજાને સગા દીકરા માનનાર કેટલા ઉદાર અને ચોખ્ખા મનના હતા એ વડવાઓ! પગપાળા હજ પઢનારા એ હાજીખાનની રૂહને અલ્લાહપાક અજરોઅજર સવાબ આપે! આમીન!!
માહિતી સ્ત્રોત: બાદી અલીભાઈ મામદ (મહિકા-સબર) અને બાદી વલી અલીભાઈ (ટોળ).
આલેખન: નઝરૂદ્દીન બાદી મો: 78743 40402