કેડિયું પહેરવું ફરજીયાત છે
જીનપરા ચોક ગરબી મંડળ 103 વર્ષથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને આગળ ધપાવે છે
વાંકાનેર: પારંપરિક ગરબી કોઇ પણ હોય, દરેકની પોતાની આગવી વિશેષતા અને કહાની હોય જ છે. આપણા મનમાં એક ખ્યાલ એવો હોય કે સામાન્ય રીતે ગરબા બાલિકાઓ લે, અથવા તો એ અર્વાચીન રાસ હોય પરંતુ વાંકાનેરની એક ગરબી એવી છે કે જ્યાં પુરુષો એટલે કે યુવાનો જ ગરબા લે છે અને તેમાં પણ કેડિયું અને ચોરણી પહેરવા ફરજિયાત છે. છેલ્લા એક મહિનાથી તેની પ્રેકટિસ ચાલી રહી હતી અને હવે નોરતાના પ્રારંભથી આ યુવાનો, પુરુષો માંની આરાધના પારંપરિક રીતે કરી રહ્યા છે. ગરબાની સાથે સાથે અહીં અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું રહે છે.
વાંકાનેર શહેરનાં જીનપરા ચોકમાં જીનપરા ગરબી મંડળ દ્વારા પરંપરાગત કેડિયારાસ રમવામાં આવે છે. જીનપરા ગરબી મંડળ 103 વર્ષથી આ સનાતની પરંપરા જાળવી રાખવાં કમર કરી રહ્યું છે. નવરાત્રી દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમ કે ભારતીય સુરક્ષા સૈનિકોને વિરાંજલિ, વિવિધ વેશભૂષામાં રાસ, પ્રાચીન કેડિયારાસ, ડાન્સ કોમ્પિટીશન જેવા સનાતન સંસ્કૃતિને આગળ ધપાવવા માટે જરૂરી અને સમાજોપયોગી કાર્યક્રમો યોજવા ગરબી મંડળ હંમેશા તત્પર રહે છે.
જીનપરા ગરબી દ્વારા કોઈ પણ ખેલૈયા માટે કોઈ ફી નથી લેવામાં આવતી તેમજ ગરબી મંડળ દ્વારા પ્રેક્ટિસના સમયથી જ ખેલૈયાઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આજે બાળકો મોબાઈલ પર પોતાનો સમય કાઢે છે ત્યારે જીનપરા ગરબી મંડળના ખેલૈયાઓ અને કાર્યકર્તાઓ સનાતન સંસ્કૃતિને જાળવવા લગભગ એક મહિના કરતાં પણ વધારે સમયથી બાળકોને પ્રાચીન કેડિયા રાસ શીખવવા સતત મહેનત કરી રહ્યાં છે અને હવે એ રાસ નિહાળી ભાવિકો વિભોર બની રહ્યા છે. આ પ્રાચીન ગરબીની વિશેષતા એ છે કે માત્ર પુરુષો જ ગરબે રમી માતાજીની આરાધના કરે છે. ભક્તિસભર ગરબાના કાર્યક્રમોને નિહાળવા શહેરભરના લોકો એકત્ર થાય છે.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર