પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા
મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા વાંકાનેર રાજે દંડ ભરેલો


અગાઉના ગોઢ ગામનું અત્યારે અસ્તિત્વ નથી. હાલમાં પાડધરાનો જે નવો પુલ બનેલ છે, તેની શરૂઆતમાં વાંકાનેરથી પાડધરા જતા ડાબી બાજુ એકાદ કિલોમિટરનાં અંતરે મહા નદીનાં કાંઠે આવેલ આ મંદિરની આજુબાજુમાં અગાઉના જમાનાના ખોરડાના અવશેષો પણ જોવા મળે છે.
મળતી માહિતી મુજબ આજથી દોઢસો વરસ પહેલા મહા નદીમાં ભયંકર પૂર આવેલું. ગોઢ ગામમાં પાણી ઘૂસ્યા. ગામલોકો પૂરથી બચવા ખડની ગંજી અને ઝાડ ઉપર ચઢી ગયા. ગંજી પૂરમાં તણાઇ જતા તેના પર આશરો લીધેલા લોકો પૂરમાં ગરકાવ થઇ ગયા, પણ ભોજાબાપા લીમડાના ઉંચા ઝાડની ડાળી પર ચડી ગયેલા, આમ છતાં એમની દાઢી સુધી પાણી આવી ગયેલું. પરંતુ પછી પાણી ઓસરવા લાગતા ભોજાબાપા ગણ્યાગાંઠયા લોકો સાથે બચી ગયા.
ગોઢ ગામ તારાજ થઇ ગયેલું. બધું જ પૂરમાં તણાઇ જતા અને ભવિષ્યમાં સંભવિત આવી તારાજીથી બચવા ભોજાબાપા અને બીજા એક કુટુંબના મૂળજી બાપાએ હાલના ભોજપરા ગામ જ્યાં વસ્યું છે, ત્યાં પડાવ નાખ્યો.
૨|જ અમરસિંહજીના વખતમાં આ જગા વઘાસીયાની હદમાં છે, એવા દાવા સાથે શરૂઆતના વર્ષોમાં વઘાસીયાના લોકોની કનડગત રહેતી હોવાથી મૂળજી બાપાએ હાલમાં જ્યાં જેતપરડા ગામનું બોર્ડ અને તેની બાજુમાં આવેલા મંદિર પાસે મૂળસર નામે ગામ વસાવ્યું. નાગજી બાપાનું કુટુંબ હાલના નાગલપરમાં જઇ વસ્યું. એના નામ પરથી નાગલપર નામ પડયું. કાળક્રમે ફરી મૂળજીબાપા પણ ભોજપરા આવી ને વસ્યા.
ગામમાં વસતા મોમીન કુટુંબ વિશે એવી માહિતી મળે છે કે, વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામેથી કડીવાર કુટુંબના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ત્યારના મોરબી રાજના ટોળ ગામમાં રહેવા આવ્યા. ટોળમાં રહેતા આ કડીવારનું સગું-સયું તો વાંકાનેર તાલુકામાં જ રહેતું. તેમાંથી કોઈ એક સગા મારફતે રાજ અમરસિંહજીએ પોતાનું રાજ છોડી મોરબી રાજમાં રહેતા આ કડીવારો સાથે મસલત શરૂ કરી.ખાસ કરીને મહેનતકશ મોમીનોને પોતાના રાજમાંથી બીજા રાજમાં જનારને ગમે તેમ કરીને મનાવી પાછા લઇ આવવાની વાંકાનેર રાજની પરંપરા હતી.
ટોળમાં જંગલી પ્રાણી અને રોઝડાનો ત્રાસ તો હતો જ. વળી ભોજપરા ગામમાં ઢૂમ્મર કપાસ બહુ સારો થતો હતો. આવા કારણોસર કડીવારના ત્યારના પાંચ કુટુંબોએ ટોળ છોડી ભોજપરા આવવાનું નકકી કર્યું.
મોરબી રાજની મંજૂરી વગર કડીવારોએ ગાડામાં ઘરવખરી ભરી વાંકાનેર તરફ પ્રયાણ કર્યું, પરંતુ વાંકાનેરની હદમાં પહોંચે એ પહેલા મોરબીના રાજાને ખબર પડતા તાબડતોબ ઘોડેશ્વારો મોકલી, તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. જેમાં કડીવાર કુટુંબના અલાવદી હબીબ, અલાવદી હાજી, હસન હાજી અને સાજી હાજી તથા હબીબ હસનનો સમાવેશ થાય છે.
જેલમાંથી છોડવા દંડ નકકી કર્યો. આ દંડ ભરપાઇ કરવાની તેમની પાસે કોઇ જોગવાઇ નહોતી. વાંકાનેર રાજાને ખબર પડતા રાજાએ દંડ ભરીકડીવારોને છોડાવ્યા. જે હપ્તે હપ્તે કડીવારોએ રાજાને પરત કર્યા. ૧૧૦ વર્ષ પહેલા ભોજપરામાં કડીવાર રહેવા આવ્યા. અત્યાર ભોજપરામાં આ કડીવાર કુટુંબના ૮૦ ઘર છે. (ક્રમશ:)