વાંકાનેરની આ સીટ ઉપર ર વાર સ્વતંત્ર પક્ષ, ૧ વાર અપક્ષ, ર વાર ભાજપ અને ૮ વાર કોંગ્રેસનો વિજય વાવટો ફરકયો છે
ભારત દેશ આઝાદ થયા પછી વાંકાનેરનો ત્યારના સૌરાષ્ટ્ર રાજય કે જેના મુખ્ય મંત્રી ઢેબરભાઇ હતા, તેમાં સમાવેશ થતો હતો. વાંકાનેરના પ્રથમ ધારાસભ્ય ૧૯૫રમાં બીનહરીફ શાહ શાંતિલાલ રાજપાલ ચુંટાયા હતા. બીજી ચુંટણીમાં અને ત્રીજી ચુંટણીમાં પણ ધારાસભ્ય પ્રતાપસિંહ ઝાલા ત્યારના સ્વતંત્ર પક્ષ તરફથી હતા. તેની સામે કોંગ્રેસમાંથી બે બળદની જોડીના નિશાનથી અકબરઅલી નાગોરી લડયા હતા. ત્યારે ચુંટણી સમય ગાળો ૩ વર્ષનો હતો. સૌરાષ્ટ્ર રાજય વખતની ચુંટણીઓની આથી વધુ માહિતી ઉપલબ્ધ નથી.
ગુજરાત રાજયની સ્થાપ્ના બાદ પ્રથમ ચુંટણી ૧૯૬૨માં થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૧૪ ચુંટણીઓ થઇ ગઇ છે, જેમાં કુલ ૧૧૩ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. ૧૯૬ર બાદ વાંકાનેરની આ સીટ ઉપર ર વાર સ્વતંત્ર પક્ષ, ૧ વાર અપક્ષ, ર વાર ભાજપ અને ૮ વાર કોંગ્રેસનો વિજય વાવટો ફરકયો છે. ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૫માં કુલ ત્રણવાર વાંકાનેર રાજવી પરિવાર ચુંટાયો છે. ૧૯૭૨, ૧૯૮૦, ૧૯૯૮, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ એમ કુલ ૬ વાર પીરઝાદા પરિવારનો ધારાસભ્ય ચુંટાયેલ છે. ૧૯૯૦માં મોમીન સમાજનો અને ૧૯૮૫ તથા ૧૯૯૫માં કોળી સમાજનો ધારાસભ્ય ચૂંટાયો હતો. ૨૦૦૨માં લોહાણા સમાજનો ધારાસભ્ય ચુંટાયો છે. આ બધા કુલ ૧૪ ધારાસભ્યોમાં માત્ર ત્રણ વાર જ ગ્રામ્ય વિસ્તારનો ધારાસભ્ય ચુંટાયો છે. બાકી ૧૧ વાર શહેરી વિસ્તારનો ધારાસભ્ય ચૂંટાયો છે.
સૌથી ઓછા ઉમેદવાર ૧૯૬૨માં માત્ર ૩ અને સૌથી વધુ ઉમેદવાર ૧૯૯૦ તથા ૧૯૯૫માં ૨૫ મેદાનમાં હતા. સૌથો ઓછી લીડ ૨૦૧૭માં (ગઇવખતે) મહોંમ્મદજાવીદ પીરઝાદાને ૧૩૬૧ મતોની અને સૌથી વધુ લીડ પણ ૨૦૦૭માં મહોંમ્મદજાવીદ પીરઝાદાને જ ૧૮,૧૦૩ મતોની મળેલ છે. ટકાવારીમાં જીતનાર ઉમેદવારોમાં સૌથી ઓછા ટકા મતો ૧૯૯૮માં ૩૧.૧૭ ટકા ખુરશીદહૈદર પીરઝાદાને અને સૌથી વધુ ૧૯૭૫માં જનકકુમારને ૬૦.૭૪ ટકા મતો મળેલ છે. ચુંટણી પરિણામોમાં ત્રીજા નંબરે આવતો ઉમેદવાર જયારે ૧૦ ટકાની આસપાસ મતો લઇ જાય ત્યારે જીતવા માટે ૩ર થી ૩૪ ટકા મતોની જ જરૂરિયાત રહેતી હોય છે. છેલ્લી બે ચુંટણીમાં આ વિસ્તારનું લગભગ ૭૫ ટકા આસપાસ મતદાન થતું આવ્યું છે. ૨૦૧૨માં ૭૪.૪૮ ટકા અને ૨૦૧૭ (ગઇ) ચુંટણીમાં ૭૪.૮૯ ટકા મતદાન થયું હતું. ૧૯૯૮ થી અત્યાર સુધી એટલે કે ૨૫ વર્ષથી ધારાસભામાં પીરઝાદા અને સોમાણી પરિવાર ટકરાતા આવ્યા છે.