એલચી અને ચૂંટિયો
એક મનુષ્યને વાંહામાં મીઠી ખંજવાળ થઈ, ખંજવાળ એવે ઠેકાણે થઈ કે ખંજોરવા હાથ પોગે નૈં, પેરણ કાઢી વાંહો ઉઘાડો કરી કાથીના વાણ ભરેલા ખાટલામાં ચત્તો સુઈ ઉપર-નીચે થઇ કાથી હારે વાંહો ઘસવા માંડયો, એને ખંજોરવામાં જે મજો- ટેસડો પડયો એવો જ ટેસડો વાંકાનેરમાં નવા બનતા રસ્તાથી નાગરિકોને પડી રહ્યો છે, કાયમ ખાડામાં ચાલતા પહેલી વાર મસ્ત- મજાના રોડ પર ચાલતા ચાલક એક આનંદ અનુભવે છે, (લખાણની શૈલી હળવી છે, પણ વાત વજનદાર છે) દેર આયે દુરુસ્ત આયે…



આશા રાખીએ કે વાંકાનેરનો એક પણ રોડ બાકી ન રહે – બનેલા આ રોડના દિલને પાણીની લાઈન કે અન્ય હેતુ માટે કોઈ ચીરે નહીં અને તૂટે પણ નહીં, સો વર્ષ તો નહીં પણ પાંચ-દશ વર્ષ જીવે, સારી વાત એ છે કે આ વખતે સ્પીડબ્રેકરમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઇનનું પાલન થતું દેખાય છે અને સંખ્યા તથા ઊંચાઈમાં મર્યાદા ઓળંગાઈ નથી, પણ રોડ અને સ્પીડબ્રેકરનો કલર એક સરખો હોઈ ધડાંગ થતા વાહનો દ્રષ્ટિગોચર થાય છે, છેતરાતા વાહન ચાલકોના ટાંટિયા કે માથા રંગાય તે પહેલા સ્પીડબ્રેકર રંગાય તો સારું,
સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ભૂગર્ભ ગટરના ઢાંકણા રોડને સમતલને બદલે કાં તો ઊંચા અને કાં તો નીચા છે, પાણી હંમેશા નીચાણ તરફ જ વહેવાનું, આથી ગટરને તો ઊંચી-નીચી કરી શકાય નહીં, પરંતુ ઢાંકણા ઊંચા- નીચા કરી રોડ સમતલ બનાવી શકાય, નગર પાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળશે…


બે રોડ જ્યાં જોડાય છે ત્યાં કડ રાખવાને બદલે બે બકડીયા ડામરના નાખી ઊંચાઈમાં ઢાળ આપવો જરૂરી છે, નડતર રૂપ લાઈટના ખોડાયેલા થાંભલાને તસ્દી આપી સાઈડમાં કરવાની જરૂર છે, નગર પાલિકાનો વાંક નથી, વાંકાનેરની આરખણી જ એવી છે કે ફૂટપાથ બનાવવાને જાજો અવકાશ નથી, જ્યાં શક્ય હોય ત્યાં બનાવવી જોઈએ, પણ તકલીફ એ હશે કે તેનો ઉપયોગ સીટી સ્ટેશન રોડ પર થાય છે તેમ કાં તો લારી-ગલ્લા વાળા ઉપયોગ કરશે કાં તો પુલ પર હાલ અડિંગો જમાવતા રખડતા ઢોર કરશે, કદાચ એક પેઢી પછી જ આ સમસ્યાનું નિરાકરણ થશે, શાબાવાની દરગાહ પાસેના પુલનો એક ગાળો નીચે બેસી રહ્યો છે, બગીચો બનવાની રાહની જેમ દુર્ઘટનાની રાહ શાને જોવી?
એલચી: હજી સૂરજ આથમવાને ઘણી વાર હોય તો યે પાલિકાના લાઈટના થાંભલામાં લાઈટ ચાલુ થઇ જાય છે, જે દી’ પાણીનો વારો હોય તે દી’ શેરીઓમાં પાણી વહે છે, જો આને બગાડ કહેવાતો હોય તો ધ્યાન દેવાની જરૂર છે, સમયસર વરસાદ ન થાય તો પાણીના બગાડનો સૌને અફસોસ થશે..
ચૂંટિયો: આવતી ચૂંટણીમાં વાંહામાં થયેલી ખંજવાળની પીડા મતદારો યાદ કરશે કે પછીના ટેસડાની સ્મૃતિ દિમાગમાં હશે?
