પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટીશે કારણ દર્શક નોટિસ જારી કરી
ફરતી બ્લેડના લીધે માનસિક તણાવની ખેડૂતની ફરિયાદ, એર સ્પેસ વપરાશ માટે 5 લાખનું વળતર માગ્યું
વાંકાનેર: રાજકોટની ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને પવન ચક્કી બનાવવાના હેતુથી જમીન ફાળવવાના મોરબીના કલેક્ટરના હુકમને રદ કરવા અંગે હાઇકોર્ટમાં ખાસ દીવાની અરજી થઈ છે. આ અરજીમાં હાઈકોર્ટે મોરબી કલેક્ટર, મહેસૂલ વિભાગના સચિવ અને ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ જારી કરવાનો હુકમ કર્યો છે.
અરજદાર વાંકાનેર તાલુકાના વાલાસણના વલીભાઈ હાજીભાઈએ પોતાના એડવોકેટ નિમિષ કાપડિયા મારફત ગુજરાત હાઇકોર્ટમાં કરેલી ખાસ દીવાની અરજીમાં રજૂઆત કરેલી કે તેઓ મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં રહે છે અને જમીન ધરાવે છે. તેમની જમીનની બાજુમાં આવેલા મિતાણા ગામના સર્વે નં. 729 પૈકા 43 પૈકી 1 જે સરકારી જમીન છે, તેમાંથી પચાસ હજાર ચોરસ મીટર જમીન કોઈપણ પ્રકારની જાહેર નોટિસ વિના ફક્ત રૂપિયા પચાસ હજાર વાર્ષિક ભાડે મોરબીના કલેક્ટરે પવન ચક્કી બનાવવાના હેતુથી રાજકોટની ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને ફાળવી દીધેલી છે. આ હુકમની કેટલીક શરતો પણ હતી. આવો કોઈ હુકમ થયો તેની જાણ સ્થાનિક વર્તમાનપત્રોમાં કોઈએ ગામવાળાને કરેલી નહીં. આ પવન ચક્કી બની જતાં તેની બ્લેડનો મોટો હિસ્સો અરજદારની જમીનમાંથી પસાર થાય છે. જે માટે કમ્પનીએ અરજદારની કોઈ મંજૂરી લીધી નથી.
ઉપરાંત સૌ પ્રથમ ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા જે હેતુ માટે વિકાસ કાર્ય બાદ પેટા ભાડે આપી શકાય તેવી શરત હતી, પરંતુ શરુઆતથી ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ પવનચક્કીનું કામ શરુ કરેલું, જેને શરતભંગ ગણી શકાય. જમીનમાં પાક્કું બાંધકામ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી લેવી પડે. પરંતુ મીતાણા પંચાયતમાં તપાસ કરતા આવી કોઈ પરવાનગી મીતાણા પંચાયતના રેકર્ડ પર મળી આવેલ નથી. હુકમની શરતો મુજબ કંપનીએ જેડા સાથે એમઓયુ તથા સરકારના પ્રવર્તમાન નીતિનિયમો મુજબ વર્તવાનું રહેશે. આ અંગે કેન્દ્ર સરકારે પવન ચક્કી અંગે માર્ગદર્શિકા બહાર પડેલી, જે મુજબ દરેક પવન ચક્કીએ સ્થાનિક કાયદાઓ મુજબ જમીનનો વપરાશ કરવાનો રહેશે, તેનો પણ કંપનીએ ભંગ કરેલો.
ઉપરાંત આ પવન ચક્કીના કારણે જમીનમાં સતત ધ્રુજારી ઉત્પન્ન થાય, ઘણા મોટા અવાજના કારણે સતત માનસિક તણાવ રહે. પક્ષીઓ આવતા ઘટી ગયા અને તેથી સતત ખેતીનો પાક ઘટી ગયો. વાયબ્રેશનના કારણે જમીનની અંદર રહેલા અગત્યના જીવો અને તત્વો ઘટી ગયા. પવન ચક્કીના બ્લેડનો લગભગ 10 મીટરનો ભાગ સતત દિવસ દરમ્યાન જમીનમાંથી પસાર થતા તેનો ફરતો પડછાયો માનસિક તનાવ ઉભો કરે. ખેતીકામ કરતી વેળા માથા ઉપરથી ભયાનક બ્લેડ પડી જશે અને મરી જઈશું અથવા આગ લાગશે અને મોટો અકસ્માત થશે, તેવો સતત ડર રહે છે.
જેથી અરજદારે પોતાના એડવોકેટ મારફત રાજ્ય સરકાર અને કલેક્ટરને લીગલ નોટિસ આપી પોતાનો હુકમ રદ કરવા તેમ જ પરત ખેંચવા વિનંતી કરી હતી. પરંતુ કલેકટર કચેરી કે સરકાર તરફથી કોઈ જવાબ ન આપતા અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી કલેકટર તથા સરકારને પોતાની લીગલ નોટિસના આધારે તાત્કાલિક પગલાં લેવા યોગ્ય હુકમ કરવા વિનંતી કરી હતી. જેની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટીશ વી. ડી. નાણાવટીએ મોરબી કલેકટર, મહેસુલ વિભાગના સચિવ અને ભુજ વિન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ જારી કરવાનો હુકમ કર્યો હતો.