વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને કેટલાક અણીયારા પ્રશ્નો પૂછાયા
વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક એસ. પટેલ તથા ક્રિપાલસિંહ ડી. ઝાલાએ વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને વાંકાનેર પાલિકા વિસ્તારમાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરવા માંગણી કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સી. સી. રોડ અંગે જણાવવાનું કે સી.ઓ. રોડમાં રેતી વાપરવામાં આવતી નથી. તેની જગ્યાએ કોઇ વેસ્ટેજ કાળુ ભૂસૂ મિકસ કરી વાપરવામાં આવે છે.
નેશનલ હાઇવે પર જે પેવર બ્લોક નાખવામાં આવેલ હતા તે કાઢી લેવામાં આવેલ હતા તેની જગ્યાએ ફરીથી પેવર બ્લોક જ નાખવાના હોય તો શું અગાઉના પેવરની નબળી કામગીરી હતી ? અને તે પેવર ત્યાં ફરીથી નાખેલ તો તેની ગુણવતાનો રીપોર્ટ લેવામાં આવેલ છે કે કેમ?
વોર્ડ નંબર-૪ માં આવેલ અપાસરા શેરીમાં અગાઉ સી. સી. રોડ મંજૂર થયેલ હતો તેનો ખાતમુર્હુત પણ કરવામાં આવેલ હતું તેમ છતાં રોડ રદ કરવાનું કારણ શું? તે સી. સી. રોડ રદ કરી અને હાઇવે પરથી આપના દ્વારા નબળી ગુણવતાના પેવર બ્લોક ફરી ત્યાં અપાસરા શેરીમાં નાખવામાં આવેલ છે, તો આ સી. સી. રોડ કેન્સલ કરી આવા નબળા પેવર બ્લોક નાખવાનું કારણ શું?
નહેરૂ ગાર્ડન બનાવવા માટે અગાઉ એજન્સીને કામગીરી આપવામાં આવેલ હતી જે બગીચાની કામગીરી હજુ સુધી શરૂ કરેલ નથી. ફકત ત્યાંથી પથ્થર ઉપાડવામાં આવે છે. આ ભરતી ઉપાડીને કોઇ પ્રાઇવેટ જગ્યા પર નાખવામાં આવે છે. તો શું નગરપાલિકા આ પથ્થરનું પ્રાઇવટ પાર્ટીને વેચાણ કરી શકે છે? અને નગરપાલિકા દ્વારા આ બાબતની જરૂરી પ્રક્રિયા કરવામાં આવેલ છે કેમ ?
ઘણા સમયથી અલગ અલગ કલરનું પાણી આવતું હોય, આ પાણી પીવા લાયક ન હોય જેથી વાંકાનેરમાં હાલમાં અસંખ્ય લોકો બીમારીનો ભોગ બનેલ છે. તો આપના ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે કે કેમ ? જો ચાલુ ન હોય તો શા કારણથી બંધ છે ? ને હાલ ફિલ્ટર પાણી આપવામાં આવે છે ? કે ફિલ્ટર વગરનું પાણી?રાજકોટ રોડ તેમજ સીટી સ્ટેશન રોડ ઉપર લાંબા સમયથી ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરેલ છે. પરંતુ લાઇટ શા માટે લગાવવામાં આવતી નથી ? શહેરી વિસ્તારને શહેરનું નાક કહેવામાં આવે છે ત્યાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ ફીટીંગ ન કરવાનું કારણ શું છે?
વિસ્તારમાં કચરો એકત્ર કરવા માટ અગાઉ ડોર ટુ ડોર વાહનની કામગીરી આપવામાં આવેલ હતી જે એજન્સી દ્વારા શહેરી વિસ્તારમાં તમામ જગ્યાએ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટેના વાહન જતા હતા. જેના લીધે લોકોની તેમના વિરૂધ્ધ કોઈ ફરીયાદ પણ આવેલ ન હતી.
નગરપાલિકામાં વહિવટી કામ માટે જે કર્મચારીની ભરતી કરવામાં આવેલ છે તે અમારી જાણ મુજબ કવોલીફાઇડ નથી અને જે ભરતી કરવામાં આવેલ છે તે પાછલા બારણેથી કરેલ છે તો સરકારના નિયમ મુજબ છે કે નહી ? તે જાણ કરવી જરૂરી છે.
ઠેર ઠેર જગ્યાએ નજીવા અંતરે રાતોરાત પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર નાખવાનું કારણ શું ? આ કામગીરીથી વાંકાનેરની પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે આ સ્પીડ બ્રેકર અંગે જણાવવાનું કે મોરબી શહેરમાં તાજેતરમાં નાખેલ આવા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર સાવ તુટી ગયેલ છે ને તેના ખીલા પણ બહાર દેખાય છે. અને ત્યાની પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે.
શહેરી વિસ્તારમાં બાકી રહેતા રોડ રસ્તા સફાઇ પીવા લાયક ફિલ્ટર યુકત પાણી જેવી પ્રાથમીક સુવિધાઓ મળી રહે અને પ્રજાની સુખાકારી અવિરત જળવાઇ રહે તેવી વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી છે.
લાંબા સમયથી લોકોની જાહેર સ્થળોએ સી.સી.ટીવી કેમેરાની માગણી હોય, તેમજ તંત્ર દ્વારા પણ આ અંગે મંજુરી મળી ગયેલ હોય જેથી જાહેર જગ્યાએ સી.સી.ટીવી કેમેરા વહેલી તકે મુકવામાં આવે તેવી માગણી કરી છે.