જાડાપણું (Obesity)એ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી કરતાં વધારે ફેટ જમા થાય છે અને તે આરોગ્યને માટે જોખમી બને છે. સામાન્ય રીતે BMI (બોડી માસ ઈન્ડેક્સ) દ્વારા જાડાપણું માપવામાં આવે છે.
18.5 – 24.9 સામાન્ય વજન
25.0 – 29.9 વધારે વજન
30.0 કે તેથી વધુ જાડાપણું.
જાડાપણું એ માત્ર શરીરના સુડોળ આકારને બેડોળ બનાવી શારીરિકરીતે વિકૃત દેખાવની જ સમસ્યા નથી, પણ તે શરીરના અંદરના વિવિધ અંગોને અસર કરે છે અને લાંબા ગાળે ગંભીર રોગોનું કારણ બને છે. શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક એમ ચતુર્વિધ પ્રકારે જાડાપણું અનેક સમસ્યાઓ સર્જે છે. દુનિયાભરમાં ભારે શરીરવાળા (Obesity)માણસોનું પ્રમાણ વધતા દરે વધી રહ્યું છે તે વિશ્વ આરોગ્યની ભયાનક સમસ્યા રૂપ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (who)ના ઈ.સ.2022ના આંકડા અનુસાર વૈશ્વિક સ્તરે 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16% પુખ્ત વ્યક્તિઓ એટલે કે દર આઠમાંથી એક વ્યક્તિ ઓબેસિટી બીએમઆઈ 30 ધરાવે છે. આનો અર્થ એ થયો કે ઈ.સ.2022માં અંદાજિત 89 કરોડ પુખ્ત લોકો મોટાપાની સ્થિતિમાં હતા. ઈ.સ.1990 થી 2022 સુધીમાં વૈશ્વિક જાડાઓનું પ્રમાણ બમણાથી પણ વધુ થઈ ગયું છે.જો માણસજાત સુધરશે નહીં તો ઈ.સ. 2030 સુધીમાં જાડાપણું ધરાવતા લોકોની સંખ્યા 1.1 થી 1.5 અબજ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.
જાતિ પ્રમાણે મેદસ્વિતાનું પ્રમાણ આ પ્રમાણે છે.
પુરુષો 14.00 ટકા
સ્ત્રીઓ 18.50 ટકા
બાળકો 20.00 ટકા.
એક વિચારશીલ વ્યક્તિ તરીકે આપણને એવો પ્રશ્ન સતાવે કે વિશ્વમાં શા માટે જાડાપણું આવી તીવ્ર ગતિએ વધી રહ્યું છે? જેના સ્પષ્ટ કારણો અને તારણો આ પ્રમાણે જાણકારોએ સૂચવ્યાં છે.
1. ખોરાકની આદતો: જંકફૂડ, પ્રોસેસ્ડફૂડ વધુ ખાંડવાળા પીણા.
2. શરીર શ્રમમાં ઘટાડો: સુખ-વૈભવ-વિલાસવાળું જીવન તેમજ શરીરશ્રમનો અભાવ.
3. ટેકનોલોજીની અધિકતા: સ્ક્રીનટાઈમ વધ્યો, નવી-નવી ટેકનોલોજીને કારણે મહેનતના કામો ઘટયા.
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના અંદાજ મુજબ જો માણસજાત પોતાના આ વિકરાળ વર્તમાનમાંથી મક્કમતા સાથે છૂટવા પ્રયત્ન નહીં કરે તો અને આ જ ગતિએ જાડાપણું ચાલુ રહેશે તો ઈ.સ.2035 સુધીમાં દુનિયાની 50 ટકા વસ્તી મેદસ્વિતાથી પીડાતી જોવા મળશે. મેદસ્વિતા એક મીઠું ઝેર છે. લોકો જાણે છે છતાં પોતાની મજબૂરીઓ છોડી શકતા નથી. એક સુંદર ઈસ્લામિક કિસ્સો આપણી આ આખી વાતને ઈસ્લામિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવા માટે પૂરતો સાબિત થશે.
બગદાદના મહાન ખલિફા હારૂન રસીદના દરબારમાં એક ખ્રિસ્તી ડોક્ટર હતો. એને પોતાના ડોક્ટરીવિદ્યાના જ્ઞાનનું બહુ મોટું અભિમાન હતું. એક દિવસ ખલિફાના ભર્યાભાદર્યા દરબારમાં તેણે જલીલુલકદ્ર આલિમ અલી બિન હુસેન બિન વાકિદને પડકાર ફેંકતો એક સવાલ કર્યો કે તમારા કુરાનમાં ક્યાંયે, કોઈ ઠેકાણે ડોક્ટરી વિદ્યા યાને કે વૈદક શાસ્ત્ર-તબીબીવિજ્ઞાન બાબતનો કોઈ ઉલ્લેખ કે માર્ગદર્શન છે ખરાં?
આ સાંભળી આલિમ અલી બિન હુસેને જણાવ્યું કે તમને અમારા પવિત્ર કુરાન વિશે કોઈ જ જાતની ગતાગમ કે સમજણ હોય એમ લાગતું નથી. અલ્લાહ તઆલાએ તો કુરાનમાં માત્ર અડધી આયતમાં જ આખા તબીબીશાસ્ત્રની વાત સંપૂર્ણપણે માનવજાતને આપી દીધી છે. આટલું બોલી તેઓ બોલ્યા:
كُلُوْا وَ اشْرَبُوْا وَ لَا تُسْرِفُوْا ۚ-اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْرِفِیْنَ۠ (07:31) અર્થ:ખાઓ, પીઓ અને હદથી વધારે આગળ ના વધો. સુરા:અલ-આરાફ
આ સાંભળી પેલા ખ્રિસ્તી ડોક્ટરે પૂછ્યું કે શું આરોગ્યની બાબતમાં ઈસ્લામના મહાન પયગંબરે આ સિવાયની બીજી કોઈ વાત કરી છે ખરી? હઝરત અલી બિન હુસેને જવાબમાં માત્ર એક જ હદીસ રજૂ કરી. “ઈન્સાનનું પેટ તમામ રોગોનું ઘર છે, પરહેજ તમામ દવાઓનો સરદાર છે, દરેક શરીર થકી એવું અને એટલું જ કામ લો કે જેને માટે તે ટેવાયેલું હોય છે.”
ડોક્ટર બોલ્યો: અરે વાહ વાહ!! તમારી મહાન કિતાબ કુરાન અને તમારા મહાન નબીએ હકીમ (જાલીનુસ) માટે કોઈ જ દવા બાકી રહેવા દીધી નથી અર્થાત આરોગ્યનું સંપૂર્ણ માર્ગદર્શન તેઓએ ઉપરના ટૂંકા-ટૂંકા વાક્યોમાં આપી દીધું છે (હવાલો: રૂહુલબયાન, જી-3,પેજ-155) તયબાહ:તા.01-12-1990.
આ અંગે હુઝુરની બે હદીસો પણ આરોગ્યની આકાંક્ષા ધરાવનારાઓ માટે ઘોર અંધારામાં દીવાબત્તી સમાન છે.
1. “તમારા પેટ અને પીઠને હલકા રાખો, જેથી તમે ચુસ્તી-ચોકસાઈ સાથે નમાજમાં ઊભા રહી શકો.” (હવાલો:જામે સગીર જી-2,પેજ-4)
2.”તમારા સૌમાં મને સૌથી વધારે પ્યારો તે માણસ લાગે છે કે જે ઓછું ખાતો હોય અને ઓછા વજનવાળો-પાતળો હોય.” (હવાલો:જામે સગીર જી-2 પેજ-10) તયબાહ: જુલાઈ-ઓગસ્ટ 1993 પૃષ્ઠ 44.
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસથી રિવાયત છે કે”કુરાનમાં માનવ જાતને ઉપયોગી તમામ વિદ્યાઓ મોજૂદ છે.એ વાત જુદી છે કે તેને સમજવા માટે માણસની બુદ્ધિ અશક્ત અને અપૂરતી છે.”
એક મુસ્લિમ તરીકે આનો ખરો ઉકેલ ઈસ્લામે આપણને 14-15 સદી પહેલાં આ મુજબ બતાવ્યો છે. 1400 વર્ષ પહેલાં જ ઇસ્લામે આરોગ્ય માટે મૂળભૂત સિદ્ધાંતો આપી દીધા હતા.
ખાવાની મનાઈ નથી.
પીવાની મનાઈ નથી
પરંતુ હદ પાર કરવી મનાઈ છે.
મોહંમદ ﷺ એ ફરમાવ્યું: “આદમીના પેટ કરતાં ખરાબ વાસણ બીજું કોઈ નથી.” “માણસ માટે થોડા કોળિયા પૂરતા છે.” “જો પેટ ભરવું જ હોય તો — એક તૃતિયાંશ ખોરાક, એક તૃતિયાંશ પાણી અને એક તૃતિયાંશ હવા માટે રાખો.”
આ આજના ન્યુટ્રિશન નિષ્ણાતો જે “portion control” કહે છે — એ જ સિદ્ધાંત છે.
ઈસ્લામિક લાઈફસ્ટાઈલ અને આરોગ્ય.
1. નમાઝ -દૈનિક કસરત. દિવસમાં પાંચ વખતની નમાઝ મારફતે શરીરના વિવિધ અંગોનું નિયમિત હલનચલન-કસરત થાય છે.
2. રોઝા-ડિટોક્સ અને સ્વનિયંત્રણ. રમઝાનના રોજા ફક્ત આધ્યાત્મિક જ નહીં, પણ ખાવા-પીવાની આદતોમાં સંયમ લાવે છે.
3. સાદગીપૂર્ણ જીવન. ઈસ્લામ ફુઝૂલખર્ચ અને અતિભોજનથી રોકે છે.
આરોગ્યના આંકડા અને ઈસ્લામનો સંદેશ
આજે વિશ્વમાં વધતો મોટાપો બતાવે છે કે અતિશયતા ન કરો ના સિદ્ધાંતથી દૂર થયા છે. ઈસ્લામમાં આરોગ્ય માત્ર દવા નથી તે જીવનશૈલી(Life style)છે
સંતુલિત આહાર.
નિયમિત ઈબાદત.
સ્વનિયંત્રણ.
શરીર અને આત્માનું સંતુલન.
જો આ ચાર બાબતો સમજણ સાથે અપનાવીએ તો આધ્યાત્મિકતા સાથે શારીરિક તંદુરસ્તી પણ પ્રાપ્ત થાય જ.
ઉપસંહાર
ઈસ્લામ માનવજાતના સુંદર આરોગ્યને અલ્લાહની એક નેઅમત, એક અમાનત તરીકે સ્વીકારે છે. ઈસ્લામ ઈન્સાનને તમામ પ્રકારની અત્યંતિકતાઓથી દૂર રહી મધ્યમમાર્ગ (વસ્તિય્યત)નો સ્વીકાર સૂચવે છે. જેમ કે ન અતિ રોઝા, ન અતિભોજન, ન અતિ આરામ,ન અતિ પરિશ્રમ. આ સર્વે બાબતોમાં સંતુલન સાધવું એ જ સાચી તંદુરસ્તી. શરીરની તંદુરસ્તી માટે વાજબી કાળજી કરવી એને પણ ઈસ્લામે ઈબાદત ગણી છે. એનું કારણ એ છે કે ઈસ્લામ એ કેવળ ઈબાદત માટેનો રસ્તો નથી, પણ એક સંપૂર્ણ અને સર્વાંગીણ જીવનપદ્ધતિ છે, જે શરીર, મન અને આત્મા(રૂહ)ની, એમ ત્રણેય પ્રકારે ઊભી થતી તંદુરસ્તી ઉપર સમાન રીતે ભાર મૂકે છે. શરીર અલ્લાહની અમાનત છે અને તેની સારી સંભાળ રાખવી એ એક મહત્વની ઈબાદત છે. આકા ﷺ એ ફરમાવ્યું છે કે “તમારા શરીરનો હક અદા કરો.” (બુખારીશરીફ)
વાંચનારા અને વિચારનારા આપણને સૌને અમલ માટેની નેક તૌફિક અલ્લાહ પાક અતા કરે એવી દુઆ સાથે
ડો. હાજીભાઈ બાદી. (પંચાસીયા) મો:9426930381
