લાંબા સમયથી જર્જરીત નદી પરના કોઝવેને બદલે આધુનિક બ્રિજ બનતા ગ્રામજનોમાં આનંદ
વાંકાનેર: બાઉન્ડ્રીથી ઠીકરીયાળા ગામ જતાં રોડ પર ગામની નદી ઉપર આવેલો કોઝવે લાંબા સમયથી જર્જરીત અને જોખમી હાલતમાં હતો. આ અંગે ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. અંતે રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ અહીં નવા માઇનોર બ્રિજના નિર્માણને મંજૂરી આપી હતી. ટેન્ડર સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સ્થળ પર બ્રિજના નિર્માણ કાર્યનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, બ્રિજના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે ડાયવર્ઝન માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન તૈયાર થયા બાદ હાલના જૂના અને જર્જરીત કોઝવેને તોડી ત્યાં આધુનિક સુવિધાઓ સાથે નવો માઇનોર બ્રિજ બનાવવામાં આવશે.
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી હક્કાભાઈ માંડણી, ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભીમજીભાઈ બેડવા, તેમજ ગામના વરિષ્ઠ નાગરિકો શ્રી પોલાભાઈ બેડવા, શ્રી દેવશીભાઈ માલકિયા, શ્રી ખોડાભાઈ માલકિયા, શ્રી સોમાભાઈ માંડણી, શ્રી અજીતભાઈ ખાચર, શ્રી હેમંતભાઈ નાકિયા, શ્રી મહેશભાઈ સોનારા, શ્રી સાદુલભાઈ સોરાણી, શ્રી વિક્રમભાઈ ડાંગર અને શ્રી પ્રેમજીભાઈ માલકિયા સહિત ગામના અગ્રણીઓની હાજરીમાં બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ચોમાસાના સમયમાં ગામની નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાથી આ કોઝવે ઉપરથી અવારનવાર વાહનવ્યવહાર બંધ થઈ જતો હતો. જેના કારણે ગામલોકોને બહારગામ જવા, રોજગાર માટે અવરજવર કરવા તેમજ તાત્કાલિક સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી.
નવા માઇનોર બ્રિજના નિર્માણ પછી આ વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે અને ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને સતત વાહનવ્યવહારની સુવિધા મળશે તેવી આશા સ્થાનિક નાગરિકોએ વ્યક્ત કરી છે…


