કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-1

રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે

પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા

કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી

ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ “રંગ છે કલા લુણસરિયાને!” એમ કહીને કસૂંબો લે છે
લુણસરને પાદર ઉભા રહીને કલોજીને ખબર આપ્યા કે દાદા ધીંગાણા માટે આવીને વાટ જુએ છે

હપ્તો: પહેલો

(લુણસર ગામ પહેલા વાંકાનેર રાજમાં નહોતું પણ વઢવાણ રાજના તાબામાં હતું. બનેલું એવું કે વાંકાનેર રાજના ફટાયા રાજાજી સન ૧૬૧૦માં રાતીદેવરીનો વહીવટ સંભાળતા. ભીમગુડાની લડાઇમાં રાજ સરતાનજી હળવદ રાજ સામે 1632 માં કામ આવ્યા. સરતાનજીના રાણીસાહેબા રાજાજીના ભાભી થતા હતા. જેથી વાંકાનેરનો વહીવટ કરવા દરરોજ વાંકાનેર જતા હતા. અમુક સમય પછી ભાભી અને  દેર વચ્ચે વડારણ અને બીજા કામવાળાની ચડામણીમાં વાંધો પડયો.  જેથી રાજાજીએ રાતીદેવરી અને રાજ છોડી વઢવાણ બાજુના ખોડુ ગામના ૬ ગામ જીતી ત્યાં ગાદી સ્થાપી. રાજાજીએ વિ.સ. 1630માં વઢવાણની ગાદી સ્થાપેલી, ત્યાર પછીના સમયમાં વઢવાણ અને વાંકાનેરના રાજાઓની પરસ્પરની સમજુતિથી લુણસર ગામ વાંકાનેર રાજમાં ભળ્યું. આ લુણસર ગામના આથમણા ઝાંપાની અંદર શેરીમાં નિશાળની બાજુમાં કલાજીની હાલમાં દેરી છે. અગાઉ લુણસરમાં ઝાલા વંશના ઘણા કુટુંબો રહેતા હતા. ઝવેરચંદ મેઘાણીએ લખેલ કલાજી લુણસરિયો ના શિર્ષકથી ઐતહાસિક ઘટના આગળ વાંચો -નઝરૂદીન બાદી)

ગોંડળના કોઠા ઉપર ‘ધ્રુસાંગ! ધ્રુસાંગ! ધ્રુસાંગ !’ એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને ‘ઘોડાં! ઘોડા ઘોડાં!’ પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડયો આવે છે, અને ચોપદારને પૂછે છે, ‘ભાઈ, શું છે ? શેનો ઢોલ વાગે છે?’
“કલાજીભાઇ ! ”
ચોપદાર ચાલતો ચાલતો કહેતો ગયો. “કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વળ્યો છે, પણ તમે ચડશો મા.”
“કાં?”
“બાપુએ ના પાડી છે: હજી તમારી નોકરી નોંધાણી નથી.”
“એમ તે કાંઇ હોય! રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે.”
એટલું કહીને કલાજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી.

લુણસર નામે એક વાંકાનેરનું એક ભાયાતી ગામ છે. ત્યાંનો ગરાસિયો કર્યો કલોજી પોતાના ભાઇઓને લઇને ગોંડળ ભા’કુંભાની પાસે નોકરી
કરવા આવ્યો હતો. ત્રીસ વરસની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નોંધાવાની હતી, પણ મળસકામાં જ હાદો ખુમાણ નામે કુંડલાનો કાઠી પોતાનાં દોઢસો ઘોડાં લઇને ગોંડળની સીમમાં ત્રાટકયો અને એણે પહરમાંથી પરબારાં ઢોરા વાળ્યા.
ભા’કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે – ન નીકળે ત્યાં તો કલોજી પોતાના બે રજપૂતોની સાથે ચડી નીકળ્યો. દોઢસો કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતાં ત્રણ અસવારો દેખ્યા. કંડોલિયાને પાદર કલાએ ઘોડાં ભેળાં કરી દીધાં. આપાઓ એકબીજાને કહેવા માંડયા કે “એ બા, ઈ ભણે વષ્ટિ કરવા આવતા સે, વષ્ટિ કરવા.’ સહુને વિશ્વાસ બેઠો. ત્યાં તે રજપૂતો આંબી ગયા.
“આપાઓ! આમાં હાદો ખુમાણ કોને કહીએ ?”
‘એ, ભણેં, મોઢા આગળ હાલ્યો જાય મોઢા આગળ … એ ઓલ્યા બાવળા બોડાનો અસવાર: માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો: સોનાની કુંડળ્યે ભાલો અને સોનાને કુબે – ઢાલ: ઇજ આપો હાદો. ભણેં, બા, મારગ દ્યો , મારગ ! રજપૂતના દીકરા વષ્ટિ કરવા આવતા સેં, મારગ દ્યો.’
પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા.

જે ઘડીએ આ ત્રણે ઘોડેસવાર હાદા ખુમાણની નજીક ગયા, તે ઘડીએ હાદા ખુમાણે જુવાનોની આંખ પારખી: એ આંખમાં વષ્ટિ નહોતી, વેર હતું. હાદા ખુમાણે ઘોડો દાબ્યો. કલોજી વાંસે થયો, પણ કલોજી આંબે નહિ. એણે પોતાની ઘોડીના તરિંગમાં – બરછી ભરાવી. ઘોડી જાગી ગઇ. હાદા ખુમાણની સાથે ભેટભેટા કરાવી દીધા. કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી. હાદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો, પણ તલવારે- ઘોડાની ઉપરનો ચોફાળ – ઓછાડ અને કાંઠાનાં પાઠાં: બે બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા- નોખા નોખા જે કટકા !
હાદો ખુમાણ કૂદીને આઘે ઉભો. જ્યાં નજર કરે ત્યાં ઘોડે તો ગુડાઇ ગયો દીઠો, પણ કલોજીની આંખનાં બેય રત્નોને બહાર લબડી પડેલાં જોયાં. “વાહ જુવાન! રંગ જુવાન!’ એવા ભલકારા દેતા દેતા હાદા ખુમાણ પોતાનો તરફાળ લઇને કલાજીને પવન ઢોળવા લાગ્યા. ત્યાં દોઢસો કાઠીઓ આંબી ગયા. કાઠીઓ કહેવા લાગ્યા “ભણે, આપા હાદા, ઈ ને નાખ, ગુડી નાખ્ય. દુશમનને આવાં લાડ સારૂ લડાવતો સે?”
હાદો ખુમાણ બોલ્યા, કે “ખબરદાર, અને કોઈ હાથ અડાડશો મા. દોઢસો કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારો ગાડા જેવો ઘોડો વાઢી નાખ્યો, અને મારવાનો હોય નહિ. આમ જુઓ નિમકહલાલ: આંખના બે રતન બહાર નીકળી પડયાં છે.’ કાઠીઓ જોઇને દિંગ થઇ ગયા.

ત્યાં ગોંડળની વાર દેખાણી. ભાલાં સમ વરળક ! સમ વરળક ! કરતાં ઝબુક્યા. કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધીયે, ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ ” રંગ છે કલા લુણસરિયાને!” એમ કહીને કસૂંબો લે છે.
ગોંડળ દરબારે કોઇ હકીમની પાસે કલાની આંખો ચડાવરાવી, અને મોટી જાગીર આપીને એની ચાકરી નોંધી.
ધંધુકા ગામમાં તે વખતે મીરાં અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે. બેય ભાઇઓ કાઠિયાવાડમાં ઘોડાં ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણાં કરે. મીરાં અને દાદો આજે પણ સૌરાષ્ટ્રના શૂરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ મીરાંને ખબર પડી કે કલોજી લુણસરિયો ધંધુકાને પાદર થઇને જાય છે. મીરાંએ સાદ કર્યો કે “અરે કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય? દોડો, એને પાછો વાળો.’’
નાનો ભાઇ દાદો – માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો. એ બોલ્યો કે “ભાઇ, કલોજી તે એવો કયો હેતનો કટકો કે ઉલટો તું એને બોલાવવા માણસ દોડાવછ?”
“દાદા, એ શૂરવીર છે. એને રામ રામ કર્યું પાપ ટળે”
કલોજી આવ્યો. મીરાંજી એને બથમાં ઘાલીને મળ્યા. પણ દાદાએ મોં એથી આવકાર પણ ન દીધો. ક્લોજીની બહુ સરભરા થયા માંડી, એ દેખીને દાદાને વસમું લાગ્યું. ક્લોજીને અપમાન લાગે તેવા વેણ દાદે કાઢ્યાં, મીરાં બોલ્યો કે, “દાદ, આજ એ આપણો ત્યાં મહેમાન છે, નીકર – અહીં જ તેને એના બળનું પારખું થાત. પણ તારા મનમાં ખુમારી રહી જતી હોય તો એક વાર લુણસર જાજે.’
કલોજી હસીને બોલ્યો: “હાં હાં, મીરાંજીભાઇ ! દાદો તો બાળક કહેવાય. મારા મનમાં એનો કાંઇ ધોખો નથી અને દાદા, તું ખુશીથી લુણસર આવજે ! હુંય મારા ગજા પ્રમાણે પાણીનો કળશો લઇ પાધર ઉભો રહીશ.”

કલોજી લુણસર ગયો, પણ દાદથી ન રહેવાયું. એને તો લુણસર જોવું હતું. એક દિવસ પોતાનો સવારો લઇને બે ય ભાઈ ચાલી નિકળ્યા. લુણસરને પાદર ઉભા રહીને કલોજીને ખબર આપ્યા કે દાદા ધીંગાણા માટે આવીને વાટ જુએ છે. કલોજીની આંખો દુ:ખતી હતી. આંખોમાં ભરણ આંજીને એ સૂતો હતો. આંખો ધોઈને એક કાટેલી તલવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડયો, પાદરે આવીને આઘેથી બોલ્યો, ‘મીરાં-દાદા, રામરામ, બહુ સારૂં કર્યું ભલે આવ્યા!”
મીરાંએ દાદાને કહ્યું: “ભાઇ, કલાજીનું પાણી તારે એકલાને જ જોવું છે. મારે એની સાથે વેર નથી: અને આ બિચારા ઘોડેસવારો તે પેટ સારું આવ્યા છે. માટે અમે ઉભા ઉભા જોયું ને તમે બે સામસામા બાટકો, કાં તો અમે તને દફન કરીને જાશું, ને કાં એને બાળીને જાશું.
બેય જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું. કલો કહે: ‘“દાદા, પહેલે ઘા તારો.’’
“લે ત્યારે, પહેલો ઘા સવા લાખનો…” કહીને દાદાએ ભાલું ઝીંક્યું. કલોજીની ઘોડી ગોઠણભર બેસી ગઈ, ઉપર થઇને ભાલું ખાલી ગયું.
“દાદા, એમ ન હોય; જો આમ ઘા કરાય’ એમ બોલીને ક્લાએ કાટેલ તલવાર લઇને ઘોડીને દાબી, દાદાને સાથે જનોઈવઢ ઘા કર્યો: દાદો પડયો.

મીરાં એના અસવારોને “ભાઇયું! કલાજીના હાથ તો જોયા ને? હવે એનું હૈયું જોવું હોય તો હાલો ભાગી નીકળો!” અસવારો લઇને મીરાં ભાગ્યો.
કલાઓ વિચાયું: “હાય હાય, એનો સગો બાઇ એને મૂકીને ભાગ્યો ! પણ, દાદા, ફિકર નહિં, હુંય તારો ભાઈ છું,” એમ કહી, દાદાને ઘોડી પર નાખી, રજપૂત પોતાને ઘેર લઈ ગયા. માને કહ્યું કે “માડી, પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો.”
બે મહિના દાદાને પડદે નાખીને સુવાણ થયા પછી કલોજી ધંધુકે મૂકી આવ્યો.
મીરાં કહે: ‘કાં દાદા, કલાજીને ઓળખ્યો?
દાદો દાંત ભીંસીને બોલ્યો, “ઓળખ્યો, પણ એક વાર લુણસરને માથે ગધેડાંનાં હળ હાંકીને મીઠાં વવરાવું તો જ હું દાદો!”

(ક્રમશ:)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!