કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે

વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા

કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે માથું ન રહે
“બેટા ગીગી, દુ:ખણાં લઇને સારા શુકન દે, કે ઉજળ મોઢે બાપનું મોત થાય!”

હપ્તો: બીજો

અમાસની અંધારી ઘોર અધરાત ભાંગી ગઇ હતી. મોટું ભળકડું થવા આવ્યું હતું. તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડયા કે, “ભાઇ દરવાણી! ઝટ દરવાજો ઉઘાડ.”
“દરવાજો અત્યારે ન ઉઘડે, કુંચિયું કલાજીભાઇને ઘેર રહે છે.” દરવાને જવાબ દીધો. “મારે કલાજીભાઇનું જ કામ છે. એને માથે આફત તોળાઇ રહી છે. ભાઇ દરવાણી! મારા ધણીને ઝટ ખબર દે.”
કલાજીને ઘેરથી દરવાજાની કુંચિયું આવી. બ્રાહ્મણને કલાજીની પાસે લઇ ગયા. ઓળખીને કલાજી બોલી ઉઠયા “ઓહો! ગામોટ! તમે અટાણી કયાંથી? લુણસરમાં સહુ ખુશીમાં?”
“બાપુ, કાલ સવારે લુણસર હશે કે નહિં હોય. આજ બપોરે અહિંથી ત્રીસ ગાઉ ઉપર મને એક કટક ભટયું. આંબરડીથી હાદો ખુમાણ અને ધંધુકેથી મીરા-દાદો: સાથે સાડાત્રણસો ઘોડેસ્વાર: કહ્યું કે લુણસર ઉપર કાલે સવારે મીઠાં વાવશું” સાંભળીને મેં ગોંડલનો રસ્તો લીધો. તમારા પુણ્યે જ મારા પગમાં જોર આવ્યું. આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું, મરતો મરતો આવ્યો છું.”

આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા માંડયો. સવાર આડા ઝાઝો વખત નહોતો રહ્યો. લુણસર ત્રીસ ગાઉ આઘું હતું, સવાર પડશે ત્યાં પોતાની જનમભોમકા ઉપર શાં શાં વીતકો વીતશે! બે રજપૂતરાણીઓ અને બાર વરસની નાની દીકરીની કેવી દશા થઇ હશે, વિચારીને કલોજી ધ્રુજી ઉઠયો. પોતાના ભાણેજને બોલાવીને એણે ભલામણ કરી: “બાપ, આજ સવારે ભા’કુંભાને કસુંબાના નોતરાં દીધા છે પણ હું સવાર સુધી રહું તો કસુંબાના સાટે ઝેરની તાંસળી પીવી પડે. તું દરબારને કસુંબો પાઈને પછી ચડી નીકળજે. ભા’કુંભાને મારી વાત કહેજે. ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે.”

એટલું કહીને કલોજી એકલો ઘોડી પર ચડયો. ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું: બાપ, તાજણ આજ સુધી મારી આબરૂ તેં રાખી છે. માટે આજ છેલ્લી ઘડીએ મારું મોત બગાડતી નહિ. હો! આપણું લુણસર લૂંટાય છે. બેટા!”

લુણસરના સિમાડા ઉપર સૂરજ મહારાજનો ઝળહળાટ કરતો મુગટ દેખાયો. તે વખતે શ્યામ મોઢા લઈને વસ્તીના લોકો, પાદરમાં ઉભા હતા. વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા.

થોડાક લોકોએ એકસામટી ચીસ પાડી: “એ… એ કલોજીબાપુ આવે.”
કોઈ કહે: “અરે, ગાંડા થાઓ માં! ક્યાં ગોંડળ, ને ક્યાં લુણસર? અત્યારે કલોજી બાપુ કેવા?”

“અરે, નહોય શું? આ એનો જ ભાલો ઝબકે. આ તાજણ બીજાની ન હોય. નકકી કલાજી બાપુના રૂદિયામાં રામના દૂત કહી આવ્યા.”
“અરરર! કલાજી બાપુને મોઢું શું બતાવશું?” એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા, અને સદાને માટે આંખો મીંચી ગયા.
કલોજી આવ્યોઃ જાણે સીમાડેથી સૂરજ આવ્યો. આખી રાતના ઉજાગરાથી આંખો રાતીધૂમ થયેલી: મોઢાના દેવાંગી નૂર ઉપર હાલારની માટીના થર જામી ગયેલાઃ ઘોડીના મોંમાંથી ફીણ ચાલ્યાં જાય છે.
“બાપુ, જરાક મોડું થયું.” માણસો બોલ્યા.
કલાજીના મોં માંથી નિસાસો નીકળ્યો – જાણે એનો જીવ નીકળ્યો.
“પણ, બાપુ, કાંઇ લૂંટાણું નથી, હો!” કોઇએ દિલાસો દીધો.

“સાચું બાપુ, કાંઇ નથી લૂંટાણું, ફક્ત આબરૂ!”
“દરબારગઢમાં કોઇ જીવતું છે?’’
‘એક પંખીડું પણ નથી ઉડયું”
“શી રીતે?”
‘દાદો તો ગઢના લબાચા વીંખવા આવ્યો, પણ એના મોટેરા ભાઇ મીરાંજીએ કહ્યું: ‘ખબરદાર કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે માથું ન રહે’ એમ કહીને એણે પોતાનાં દોઢસો ઘોડાં નોખાં તારવ્યા, અને દરબારગઢ ફરતાં ઉઘાડી તલવારે વીંટી દીધા હતાં, બાપુ!”
‘એક જ માં ના બે દીકરા! વાહ મીરાંજી! ભલે ભાંગ્યું લુણસર – તને ઓળખ્યો!’ કલોજી બોલી ઉઠયો.
કલોજી ઓરડે ગયા. લોકોએ માન્યું કે બાપુના મનની વેદના હેઠી બેસી ગઇ. ઓરડાની ઓસરીની કોર પર રજપૂત બેસી ગયો. બાર વરસની નમણી અને કાલી કાલી બોલી બોલતી દીકરી બહાર આવીને બાપુને નીરખતી નીરખતી ઉભી રહી. પોતાની ઘોડી હનામાંથી કાંસાની તાંસળી કાઢીને કલાજીએ દીકરીને કહ્યું: “બેટા, આ તાંસળીમાં ગોરસ લાવજે”
દહીં આવ્યું: અંદર મૂઠી ભરીને સાકર નાખીઃ સાકરને ઘોળીને કલાજી પોતે પી ગયો. બીજી તાંસળી કાઢી: એમાં અફીણ વાટયું: દીકરીની પાસે રોટલો માંગ્યો: રોટલાનાં બટકાંમાં અફીણ ભરીભરીને તાજણને ખવરાવ્યું. બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું, એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી, બાપુના પેટમાં ઠંડક થઇ. પછી એણે દીકરીને કહ્યુંઃ
“લે બેટા, હવે મારાં દુઃખણાં લઇ લે, બાપ!”
દીકરીની આંખમાંથી આંસુ વહેતાં થયાં.
‘“રજપૂતાણીયું! બેય જણિયું ઘરમાં શું કરી રહ્યા છો? આપણું બાળક આમ રોવા બેસે તો સાત પેઢીને ખોટ લાગે, હો! છાની રાખો ગીગીને. સારો જમાઇ ગોતીને પરણાવજો! કરિયાવરમાં કચાશ રાખશો મા! કિરતાર તમારાં રખવાળાં કરશે. લે, બેટા ગીગી, દુ:ખણાં લઇને સારા શુકન દે, કે ઉજળ મોઢે બાપનું મોત થાય!” દીકરીએ એના નાના રૂપાળા હાથનાં વારણાં લીધાં. દસે આંગળીના ટચાકા ફૂટયા. બાપુને માથે આંસુનો અભિષેક કર્યો.
તાજણનો અસવાર બહાર નીકળ્યો. દુશમન કઇ તરફ ગયા, તે રસ્તો પૂછીને છાનોમાનો એકલા વહેતો થયો.
ભળકળામાં લુણસર ભાંગીને હાદા ખુમાણ અને મીરાંદાદો બેફિકર બની ચાલ્યા જતા હતા. વચ્ચે રખોપા વિનાના ઉભા મોલમાં ઘોડાં બાજરાનાં ડૂંડાં કરડતાં હતાં. એને કોઇની બીક નહોતી.
“એલા, ભણે, કલોજી!” એક કાઠીએ ઓચિંતી ચીસ પાડી.
“કલોજી! કીસેથી! એલા, કલોજી નહિં, આપણો કાળ!” એમ કહીને કાઠીઓ ભાગ્યા. મીરાં-દાદો પણ ઉભા ન રહી શક્યા. વાંસેથી કલાનો પડકાર ગાજયો કે ‘‘માટી થાજો!”
રજપૂતની હાકલથી પણ શત્રુઓનું અર્ધું કૌવત હણાઇ ગયું. ભેંટભેટા થઇ. જેને કલાજીની તલવારના ઘા પડયો, તે બીજો ન માગે. એમ ઘણાને સુવાડયા, અને પોતે પોતાના શરીર ઉપર એંશી એંશી ઘા ઝીલ્યા. ઘોડી પણ ઘામાં વેતરાઇ ગઇ. કલોજી પડયો. ઘોડી એના ઉપર ચારે પગ પહોળા કરીને ઉભી રહી.

પોતાના લોહીના ધારોડામાં તાજણે ધણીને નવરાવી નાખ્યા. ત્યાં તો ‘માટી થાજો! લુણસર ભાંગનારા, માટી થાજો!’ એવી ગર્જના થઇ. ગોંડળની વહાર ધરતીને ઘણઘણાવતી આવી પહોંચી.
“ભાગો! ભણેં, ભાગો!” કહેતા કાઠીઓ ભાગ્યા. ભાગતાં ભાગતાં ગોંડળની ફોજના એક મોવડીને ઘા કરીને પાડતા ગયા. કલોજી અને એનો ભાણેજ પડયા રહ્યા. જેમ વંટોળિયો જાય તેમ બેય કટક ગયા- આગળ દુશમનો ને પાછળ ગોંડળિયા.
પચીસ વરસની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે ચાળીશ વરસે શંકરને માથે કમળપૂજા ખાવી. આજ મોતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભરી. આજ એને પાંત્રીસ વરસ થયાં છે. હજી પાંચ વરસની વાર છે. મનમાં આજ વિચાર ઉપડયો કે કમળપૂજાની હોંશ હૈયામાં રહી જશે, તો અસદગતિ પામીશ. ઉભા થવાની તો તાકાત નહોતી, એટલે ઘોડીનું પેંગડું ઝાલ્યું: ઝાલીની ટિંગાણો, ટિંગાઇને ઉંચો થયો. કાઠાની મુંડકી સાથે ભંભલી બાંધી હતી. ભંભલીમાંથી પાણી ભોંય ઉપર ઢોળ્યું: પાછો નીચે પછડાણો: હાથ લંબાવીને ધૂળ-પાણી ભેગાં ચોળ્યાઃ ગારો કરીને શિવલિંગનો આકાર બનાવ્યોઃ હાથમાં તલવાર લીધી: પીંછી જમીનમાં ભરાવીઃ મૂઠ હાથમાં ઝાલી- ને ધાર ઉપર ગળાનો ઘસરકો દીધો. આખુંય માથું ઉતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી. ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું, એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી. પૂજા મહાદેવને માથે ગઇઃ પાંચ વરસ વહેલી પહોંચી.
બેઠો બે વીસાં તણી, જડધર વાટયું જોય,
(પણ) કલિયો વેધ કોય, પાંત્રિસે પોગાડિયું.
શંકર તો બે વીસું (ચાળીશ) વરસ પૂરાં થવાની વાટ જોઈને બેઠો હતો, પણ કલોજી ચાડીલો- આગ્રહી હતો. એણે તો પાંત્રીસ વરસે જ મહાદેવને પહોંચાડી દીધું.

નોંધ: સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ મેઘાણીએ વાંકાનેર તાલુકાનું લુણસર ગામ લખેલ છે. (જેનો ફોટો નીચે આપેલ છે ) લુણસરમાં અમારી જાણ મુજબ ઝાલા દરબારનું એક ઘર જ છે. લુણસરમાં કલાજી દાદાની દેરી છે, પણ વાંકાનેર તાલુકાના જ લુણસરીયા ગામમાં કલોજી દાદાના વારસદારો ઝાલા દરબારના ત્રીસથી વધારે ઘર છે. લુણસરીયામાં કલોજીદાદા અને તેના ભાણેજના પાળિયા પણ છે. આથી આ ઘટના લુણસર નહિં, પણ લુણસરીયામાં બની હોવાનું અને મેઘાણીથી ભૂલમાં લુણસરીયાને બદલે લુણસર લખાયાનું ઘણા મિત્રોએ અમને જણાવ્યું છે.

અમારા મતે લુણસરીયા જ હોવું જોઈએ, કારણ કે અમને ઝાલા પરિવારનો જે આંબો મળ્યો છે એ મુજબ વાંકાનેરના સ્થાપક સરતાનજીની ચોથી પેઢીએ રામસિંહજીને ચાર દીકરા હતા. (1) દાદાજી (2) ભાણજી (3) જેઠીજી (4) સાંગાજી- સાંગાજીના મોટા દીકરા એટલે કલાજી. ભાયાતી ગામ લુણસારીયા હતું, નહિં કે લુણસર. લુણસરીયા વરસો પહેલા લુણસરીયાની સીમમાં જ ગોઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં થાન રોડ ઉપર ધમલપરથી આગળ રાજ સરતાનજીને બે કુંવર હતા, મોટા માનસિંહજી (ઈ.સ. 1623 થી 1653) ગાદીએ બેઠા અને નાના કુંવર રામસિંહજીને લુણસરીયા અને બોકડથભા ગરાસમાં મળેલું અને ત્યારે તેનું નામ વવાણીયા હોવાનું કહેવાય છે. આ જગાએ વસાહતના આજે પણ અવશેષો મોજુદ છે, જે અવશેષોમાં એક મહેલ જેવું ખંડેર પણ વરતાઈ આવે છે. દીવાલો તો પડી ગઈ છે, પણ તેના પાણાના પડેલ ઢગલા ઉપરથી કળાઈ શકે છે. (અંદાજે ચારસો વરસ પહેલાની વસાહતોના અવશેષો કેવા હોય તે જોવા એક વાર ત્યાં જવા જેવું છે) વરસો પહેલા રાતના સાંઢિયા લઈને માયા માટે બહારના લોકો અહીં આવતા,  અને આ જગાએ પાણીની તકલીફના કારણે પછીથી હાલનું જે લુણસરીયા થાન રોડની લગોલગ છે, ત્યાં વસાવવામાં આવ્યું, એવું સાંભળવામાં આવ્યું છે.

કલાજીના વારસદારો વિશેની વિશેષ માહિતી ભવિષ્યમાં લુણસરીયાના ઇતિહાસમાં આપવાની ગણતરી છે: નઝરૂદીન બાદી.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!