વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે
કોટડા વિષે લખેલુ કે ‘જમણ લાફસી – ચુરમાના લાડુ જમવા કોટડા ગામ જાવું.’
કોટડાની ઘણી વ્યક્તિઓએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપેલું છે
બાપ- દીકરાની ખાંભી જૂનાગઢથી 5 કિ .મી. દૂર ગિરનાર તળેટીમાં સાબલપુર ગામ પાસે આવેલી છે
હપ્તો: બીજો
આપણે અગાઉ કોટડા નાયાણી વિષેનો પહેલો હપ્તો વાંચી ચૂક્યા છીએ. આજે બીજો હપ્તો વાંચીશું. પહેલો હપ્તો વાંચવા ચૂકી જનાર માટે અહીં ક્લિક કરવાથી પહેલો હપ્તો વાંચવા મળશે. કોટડા નાયાણી
સુરાપુરા:
ગજણજીના ત્રીજા દીકરા સેમરાજીને મળેલ ગામ, મેટોડામાં કબરજીની ખાંભી છે, જે ગજણજીના બીજા દીકરા રણમલજીના બીજા નંબરના દીકરા છે. ક્યા બનાવમાં કેવી રીતે કોના સામેના ધીંગાણામાં કામ આવેલા, તેની કોઈ નોંધ મળતી નથી.
વાંકાનેર તાબાના તીથવા ગામની વીડીમાં અને વડસર પાસેના ડુંગરની ધાર ઉપર સુરાપુરા હાલાજી તથા સુરાજીની ખાંભીઓ છે. હાલાજી એ, દહીંસરા ભાગીદાર ખાનજીના મોટા દીકરા નાયાજીના દીકરા તથા સુરાજી એ, ખાનજીના બીજા દીકરા રાજમલજીના દીકરા હતા.
સાંભળેલી વાત મુજબ જત લોકો કોટડાનું ધણ હાંકી જતા હાલાજી, સુરાજી તથા અન્ય સાથીદારો ધણ પાછું વાળવા ઘોડે ચડેલા. એમ કહેવાય છે કે ધણ પાછું વાળી પાછા ફરતા વડસરની આ ધારની ગાળીમાં કસુંબો પીવા રોકાયા. બેધ્યાન રહેલા દગાથી આ તમામ લોકો કામ આવેલા. બાજુના રાજાને જત લોકોને આશીર્વાદ હતા. આ એક કાવતરું હતું, એમ પણ કહેવાય છે. જૂની કલાવડી ગામના પાદરમાં કદાચ આ ધીંગાણામાં ઘવાયા હોય, અને ઘાયલ અવસ્થામાં ઘોડા ઉપર પાછા ફરતા અહીં અંતિમ શ્વાસ લીધા હોય, બીજી કોઈ ઘટના પણ હોઈ શકે. જૂની કલાવડીમાં પણ ક્ષત્રિયો રહે છે.
વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે. અગાઉ કોટડાના રજપૂત સમાજના વરઘોડિયાની છેડાછેડી અહીં છૂટતી. હાલ કાળી ચૌદશના દિવસે દાદાને કસુંબો પાવા કોટડાના ક્ષત્રિય સમાજના ઘણા લોકો જાય છે અને ખાંભી દીઠ એક; એમ તેર નાળિયેર વધેરે છે.
વિ .સં . 1804 માં વસંતરાય પૂરબિયાએ જૂનાગઢ રાજનો અમુક હિસ્સો દબાવેલો, જે પાછો અપાવવામાં ગોંડલના ઠાકોર હાલાજી અને કુમાર કુંભાજીએ નવાબને ઘણો સાથ આપેલો. તેમાં ગજણજીનાં ત્રીજા નંબરના દીકરા સુમરાજી અને તેમના કુમાર ડોસાજી સાથે હતા. આ ધીંગાણામાં સુમરાજી અને ડોસાજી બન્ને બાપ દીકરા કામ આવી ગયેલા. તેથી જૂનાગઢના નવાબે તેમના માથા માટે તેમના વારસદારોને ભાખ (તા: ઉપલેટા) અને અરણી એમ બે ગામ આપેલા અને તેણે ગોંડલનો તાબો સ્વિકારેલો. આ બન્ને બાપ- દીકરાની ખાંભી જૂનાગઢથી 5 કિ .મી. દૂર ગિરનાર તળેટીમાં સાબલપુર ગામ પાસે આવેલી છે. તેમનો પરિવાર કાળી ચૌદશના દિવસે કસુંબો પાવા જાય છે. દીકરાના લગ્ન બાદ છેડાછેડી છોડવા જાય છે.એકમ પહેલા ભૂપત બહારવટિયો કોટડામાં અવારનવાર આવતો, જે અંગેની માહિતી અગાઉ ભુપત બહારવટિયો અને વાંકાનેર માં અપાઈ ચૂકી છે. વાંકાનેર તાલુકામાં જાડેજા કુટુંબનો બે ગામમાં વસવાટ છે. (1) પીપળીયા અગાભી (2) કોટડા નાયાણી. આ બે ગામ પૈકી કોટડામાં જાડેજા કુટુંબના ઝાઝા ઘર રહે છે. સાંભળ્યું છે કે ધ્રોલના રાજકવિએ ધ્રોલ ગામના ૪૨ ગામ ભાયાતોના ગામની લાક્ષણીકતા અંગે કવિતા બનાવેલી, તેમણે કોટડા વિષે લખેલુ કે ‘જમણ લાફસી – ચુરમાના લાડુ જમવા કોટડા ગામ જાવું.’ એનો અર્થ એ થાય કે કોટડાની મહેમાનગતી માણવા જેવી અને રોટલો મોટો હતો. જાડેજા વંશના ખાનજીના મોટા દીકરા નાયાજીના નામ ઉપરથી કોટડા નાયાણી કહેવાયું.
કોટડામાં અમુક વ્યક્તિ વિશેષનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
(1) અજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા:-
અજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા ‘જાડેજા રાજવંશ અને કોટડા નાયાણી’ નામનુ સંશોધિત પુસ્તકના લેખક છે, અમે આ લેખમાં મોટો ભાગ એમના પુસ્તકમાંથી સાભાર લીધેલ છે. તેઓએ સાત ધોરણ સુધીનો અભ્યાસ કોટડામાં લઇ 1965 માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલમાં મેટ્રિક પાસ કરેલ. 1968 માં ગોંડલ પીટીસી કરીને પોતાના ગામ કોટડામાં જ શિક્ષક તરીકે જોઈન્ટ થયેલા. પોતાના સર્વિસકાળમાં વચ્ચે 10 માસ વાંકાનેરના પંચાસર ગામે વિતાવેલા, બાકી કોટડામાં જ 2001 માં નિવૃત્ત થયેલા. એમને ઇતિહાસમાં પહેલેથી જ રસ હતો. જાડેજા કૂળ વિષેની ઘણી માહિતી હતી. આજના યુવાનોને વાંચવાનો બહુ સમય ન મળે, તો શા માટે નાનું એક પુસ્તક પોતાના ગામ વિષે ન લખવું, એમ માનીને કોટડા નાયાણી વિષે બહુ સરસ પુસ્તક લખેલ છે. એમના આ પ્રયાસની જેટલી પ્રશંષા કરીયે એટલી ઓછી છે. વાંકાનેર તાલુકાના એકેય ગામ વિષે આવું પુસ્તક પ્રગટ થયાનું અમારી જાણમાં નથી. એમણે પોતાના વતનનું ઋણ અદા કર્યું છે, કારણ કે ઐતિહાસિક વાતો લખવી સહેલી નથી. ઘણા પુસ્તકો, સંદર્ભો લેવા પડે. ઘણી જાણકાર વ્યક્તિઓને મળવું પડે. માહિતી એકઠી કરવી પડે. આ કામ બહુ અઘરું છે. ભાવિ પેઢી માટે આ પુસ્તક નવલું નઝરાણું છે.
(2) શ્રી જાડેજા વિક્રમસિંહજી માનસિંહજી :-
સાફો અને પાઘડી બાંધવાની ક્લાના નિષ્ણાંત, જેમણે ગુજરાત અને ગુજરાત બહારના રાજા મહારાજાઓ તથા મુખ્યમંત્રી શ્રી, પ્રધાનો તથા અન્ય મહાનુભાવોને પોતાના હાથે સાફા અને પાઘડી બાંધેલ છે. તેમજ રાજા મહારાજાઓના લગ્ન પ્રસંગેએ સાફા, પાઘડીઓ બાંધેલ છે. સાફો અને પાઘડી બાંધવાની તેઓની કલાના કારણે તેઓનું અને તેમના વતન કોટડાનું નામ સર્વત્ર પ્રખ્યાત થયુ છે. (વિક્રમસિંહ વિષે અલગથી એક લેખ લખવાની ગણતરી છે)
(3) શ્રી પાટડીયા હસમુખકુમાર પ્રભુદાસભાઇ સોની :-
આકાશવાણી અમદાવાદના મ્યુઝીક કમ્પોઝર (સંગીતકાર) એ ગ્રેડ, ઓલ ઇન્ડીયા રેડીયો અમદાવાદ આકાશવાણીના માન્ય ગાયક, આકાશવાણી સુગમ સંગીતના ‘બી+’ ગ્રેડના ગાયક, પંકજ ઉધાસ અને શેખાદમ અબુવાલા ટ્રોફી વિજેતા, ગુજરાત રાજય યુવક મહોત્સવ ગુજરાતી સુગમ સંગીતના વિજેતા, સને-૨૦૦૧ ના ગુજરાતી ફિલ્મના શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ (ફિલ્મ – ભાઇની બહેન લાડકી) સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તિગીતોની ૩૫૦ જેટલી સી.ડી.ના ગાયક, વિદેશમાં (અમેરીકા, ઇન્ગ્લાન્ડ, આફ્રિકા) પંદરવાર સંગીતના કાર્યક્રમ આપ્યા છે.
પોતાની જે જે ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરેલ છે, તેઓના નામો જોઇએ તો…
(4) રાજકીય ક્ષેત્રે:-
(1) સ્વ.શ્રી ભારતસિંહજી ફતેસિંહજી જાડેજા:- પુર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, વાંકાનેર તાલુકા
(2) શ્રી ધનશ્યામસિંહજી અમરસિંહજી જાડેજા:- પુર્વ સદસ્ય, તાલુકા પંચાયત, વાંકાનેર તાલુકા.
(3) શ્રી સજજનસિંહજી સુરસિંહજી જાડેજા:- પુર્વપ્રમુખ, જમીન વિકાસ બેંક, વાંકાનેર.
(4) દશરથસિંહ સજજનસિંહજી જાડેજા:- પુર્વપ્રમુખ, જમીન વિકાસ બેંક, વાંકાનેર.
(5) સામાજીક ક્ષેત્રે:-
(1) શ્રી રણજીતસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા:- પૂર્વ પ્રમુખ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ ગાંધીનગર; સ્થાપક પ્રમુખ શ્રી દીપસિંહજી રાજપૂત છાત્રાલય; ભૂતપૂર્વ પ્રમુખ વિદ્યાર્થી મંડળ, ધ્રોળ.
(2) શ્રી મહેન્દ્રસિંહજી માનસિંહજી જાડેજા:- પુર્વ પ્રમુખ, શ્રી રાજપુત સેવા સમાજ, જુનાગઢ; ટ્રસ્ટી રાજપુત સેવા સમાજ, જુનાગઢ.
(3) સ્વ.શ્રી મહેન્દ્રસિંહજી જનકસિંહજી જાડેજા:- પુર્વ પ્રમુખ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ.
(4)શ્રી દિલીપસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા:- પ્રમુખ, શ્રી રાજપુત સેવા સમાજ, કોટડા નાયાણી.
(5) શ્રી ધર્મેન્દ્રસિંહજી ભગવતસિંહજી જાડેજા:- ઉપપ્રમુખ, પ્રમુખ, શ્રી રાજપુત સેવા સમાજ, કોટડા નાયાણી.
(6) શ્રી શક્તિસિંહજી કિરીટસિંહજી જાડેજા:- પ્રમુખ, શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપુત યુવા સમાજ; મંત્રી, શ્રી મહારાજા ભોજરાજજી રાજપુત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ, ગોંડલ; ઉપપ્રમુખ, શ્રી રાજપુત ફ્રેન્ડસ કલબ, ગોંડલ; સંગઠન મંત્રી, શ્રી કચ્છ કાઠીયાવાડ ગરાસીયા એસોશીયેશન, રાજકોટ; ચેરમેન, શ્રી અમર પ્રભાત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ. (શક્તિસિંહજીએ વાંકાનેરના લોકો માટે એમ્બ્યુલન્સ ભેટ આપી છે, જેનું સંચાલન ગાયત્રી મંદિર દ્વારા થઇ રહ્યું છે)
(6) કોટડાના અન્ય લોકો:
(1) રૂડાભાઈ મનજીભાઇ લીંબાસીયા:- રાજકોટ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધેલો. સ્વાતંત્રીય સેનાની હતા.
(2) વલ્લભદાસ પ્રભાશંકર ત્રિવેદી:- ડીઝલ એન્જિનના કારીગર હતા, એકલા એન્જિન ઊંચકી લેતા, એટલા જોરૂકા હતા. જડેશ્વર મંદિરમાં સેવા આપેલી.
(3) ઇકબાલ દાઉદભાઈ એરંડિયા:- ઐતિહાસિક અને મહેસુલી સારું એવું જ્ઞાન છે. જર્નાલીઝમમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.
– નઝરુદીન બાદી