પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ પોત પ્રકાશ્યું
વાંકાનેર: મહિલાઓને કાનૂની માર્ગદર્શન સાથે મહિલાઓની સમસ્યાને નિવારવા મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ટંકારાની યુવતીએ પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ પતિએ પોત પ્રકાશતા યુવતીને દુઃખો ભોગવવા પડ્યા હતા અને તેને પસ્તાવાનો વારો આવ્યો હતો.
આવા સમયે તેણે મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર અને ટંકારા પોલીસની ટીમ દ્વારા મહિલાને પતિના ત્રાસથી મુક્તિ આપવામાં આવી હતી. બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેરના મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર ખાતે હેલ્પલાઇન મારફતે ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાની વ્યથા જણાવી હતી. જેમાં યુવતીના પ્રેમ લગ્ન થયા બાદ પતિ પારાવાર ત્રાસ ગુજરાત હતો. એક મહિનામાં અનેક વાર પતિના ત્રાસના કારણે યુવતીએ દુઃખ ભોગવવા પડ્યા હતા. આ અંગેની પોતાની વ્યથા કથાને રજૂ કરીને મદદની માંગ કરી હતી. જેને પગલે વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટરના તેજલબા ગઢવી અને મહિલા પીએસઆઈ ડી.વી. કાનાણીએ ટંકારા પોલીસની ટીમની સાથે ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચી હતી અને પીડિત મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવી હતી.