“મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?”
કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા
“ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…”
(વાંકાનેર તાલુકામાં વસતા મોમીનો પૈકી ‘સિપાઇ’ નાં હાલમાં નાતમાં પોણા ત્રણસો જેટલા ઘર છે. સિપાઇ અટકના તીથવામાં રહેતા મીમનજીપીરની આ વાત આશરે બસ્સો વર્ષ અગાઉની છે. તેઓ ત્રણ ભાઇઓ હતા, રહેમાન, અમનજી અને સૌથી નાના મીમનજી. હાલમાં તીથવામાં મસ્જીદ છે, તેની સામે લીમડાનું ઝાડ હતું, તેની પડખે બે ઓરડી હતી, તેમાંથી એક નાની એવી ઓરડીમાં મીમનજી રહેતા. ચોકકસ જગાની તો ખબર નથી, પણ હાલમાં ત્યાં સિપાઈ અબ્દુલ રહેમાન જીવા જલાલ રહેતા હોવાની માહિતી મળી છે. ત્યારે તીથવામાં સિપાઇના માત્ર બે ઘર જ હતા. તીથવામાં મોટેભાગે ખોજા, સોની રહેતા. આ આખી વાત વાંકાનેરના સ્વ. જશુભાઇ ગઢવીએ કહેલી છે અને કમલ સુવાસમાં પચ્ચીસેક વરસ પહેલા અમે છાપેલ હતી. -નઝરૂદીન બાદી)
વાંકાનેરની રાજગાદીએ ત્યારે રાજ વખતિસંહજી હતાં. તેમણે વાંકાનેરની ગાદી પર ઈ.સ. 1839 થી 1842 રાજ કરેલું. તીથવા ગામના શેઠના ઘેર દીકરાના લગ્નનો પ્રસંગ છે. તે વખતે લગ્નનો પ્રસંગ એટલે આખા ગામને આનંદનો હિલોળા- અને એમાંય આ તો તીથવા ગામના મોટા શેઠને ત્યાં લગ્નનો પ્રસંગ….શેઠ કામકાજ અને વ્યવહારમાં વ્યસ્ત હતા. ઢોલના ધબાકા, સુખડી-ગાંઠીયાની લહાણી અને ફાનસના ટમટમતા તેજમાં રાત્રે રાસડાની રમઝટ…લોકો લગ્ન ઉત્સવ માણી રહ્યા છે. આવતી કાલે જાન જાવાની છે. એટલે શેઠ સૌને આમંત્રણ આપી રહ્યા છે. સગાવહાલા તો સજ્જ થઇ ગયા છે, વસ્તાભાઇના મહેતા, કરશન ભરવાડ, રૂપા ભુવાને પણ કહેવાઇ ગયું છે.
તીથવામાં રહેતા સિપાઇ અટકના રહેમાનજીને કહ્યું, પણ તેનો નાનો ભાઇ મીમનજી હઠ્ઠ પકડીને જાનમાં જાવા તૈયાર થઇ ગયેલ છે. મહિનાઓ અગાઉ જાનમાં જવાનું મનોમન નક્કી કરી બેઠેલા મીમનજી હઠ્ઠ છોડે તેમ નથી. આખરે પોપટ કોળી શેઠને જ સમજાવે છે. ‘મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને ? સમય ખરાબ છે, અને ગાંડુ લૂંટારાની રાડ વધતી જાય છે.’
ગાંડું કોળીએ ત્યારે રાજ સામે નાનું એવું બહારવટું ખેડેલું, એને બહારવટિયો તો ન કહી શકાય, લૂંટારો કહી શકાય. વડસરની વીડી અને તીથવાની સીમમાં તેના ધામા રહેતા. આવતા- જતા વટેમાર્ગુ અને સીમમાં કામ કરતી રૈયતને તે રંઝાડતો રહેતો. બપોરના ભાત અને દાતરડા પડાવતો. રાજની બહુ ભીંસ પડે તો મોરબીની હદના ટોળ, સજનપરની સીમમાં જમાવેલી નાની ટોળકી સાથે ભાગી જતો. સીંધાવદરના વડારના નાલા પાસે રાજ સામે તેણે બંદૂક તાકેલી, ત્યારે બગીમાંથી એક સ્ત્રી અવાજ આવેલો, “એકના તારણહારને મારીએ, પણ લાખોના તારણહારને ના મારીએ.. રાજા તો લાખોના તારણહાર છે…” અને ગાંડુ બહારવટીયાએ ભડાકો કરવાનું માંડી વાળી ચાલતી પકડેલી, એવી લોકવાયકા છે.
અગ।ઉના જમાનામાં નાત-જાતના ભેદભાવ વગર લગ્ન પ્રસંગને પોતીકો ગણીને આખું ગામ સાથે રમતું- જમતું, ફૂલેકામાં સૌ પહ ભરાવતા. તીથવા વણિકના ઘેર લગ્નપ્રસંગે જાનમાં જનારાઓની યાદી તૈયાર થઇ અને ત્રણ ગાડા ભરીને વરરાજા તથા બૈરાઓ, બાળકો, ચાર પાંચ ઘોડેશ્વારો….. એમ જાન વહેલી સવારે રવાના થઇ ગઇ.
વરરાજાનું ગાડું બે ગાડાની વચ્ચે રાખવામાં આવેલ છે, અને એક બાજુ મીમનજી સિપાઈ માથે કેશરી વાંકાનેરી પાઘડી અને હાથમાં તલવાર લઇ પોતાની ઘોડી માથે અસ્વારે થઇ ચાલી રહેલ છે. સ્ત્રીઓના ગળામાંથી ગહેકતા મોરલાના ટહુકાની જેમ ગવાતાં લગ્નગીતોથી સીમ ગાજી રહી છે.
જાન સરધાર તરફ જઇ રહી હતી, પલ્લો લાંબો હતો અને વહેલું સમયસર પહોંચવું હતું. માથા ડોલાવી હાલતા બળદોના ડોકે બાંધેલ ઘુઘરીઓ પણ મંદમંદ અવાજ રેલાવી રહી હતી. લગ્ન રંગેચંગે પુરા કરી, વેવાઇને ત્યાં મીઠી મહેમાનગતિ માણી શેઠના ઘરમાં લક્ષ્મીની વૃધ્ધિ કરનાર કન્યાને ગાડે બેસાડીને લઇ આવતા તીથવાના લોકો આનંદથી વાતો કરતા પંથ કાપીને તીથવા ભણી પાછા આવી રહ્યા હતા.
ત્યારે જાનના ગાડા કલાવડી ગામ મૂકી આગળ વધ્યા, ત્યાં પડખેના ખેતરમાંથી થોરની વાડની પાછળથી બુકાનીધારી કૂદીને રસ્તા વચ્ચે આવી મારગ રોકી ઉભા રહી ગયા અને સત્તાવાહી અવાજે હુકમ છોડયો, “જે કંઇ ઘરેણા હોય તે આપી દો…. નહિંતર ખેર નથી….”
ગાડા સાથે આવેલા બીજા ઘોડેશ્વારો તો મુઠ્ઠીઓ વાળી ભાગી છુટયા, પણ મીમનજી અડગ ઉભા રહ્યા. મીમનજી શરીરે પડછંદ અને હૈયે હિંમ્મતવાળા હતા. ગાડા આગળ પગપાળા ચાલતા શેઠે વાણિયાવિદ્યા કરી, કજીયાનું મોં કાળું સમજીને કીધું “ભાઇ, તમારે જે જોતું હોય તે લઇ લ્યો… પણ કોઇને મારશો નહિં, મારા દીકરાના લગ્ન બગાડશો નહિ…..”
ગાંડું લૂંટારાએ કહ્યું “તારા દીકરાના લગ્નની તો અમને ખબર છે. એટલે જ અમે સવારથી આ જાન પાછી વળે તેની વાટ જોતા હતા. “લૂંટારા સાથે દાણચોરીથી બોસ્કી કાપડની હેરફેર કરતા એક-બે ડફેર પણ હતા. એકના હાથમાં બંદુક હતી.
બે તલવારધારી ડાકુ સ્ત્રીઓના ગાડા પાસે માલ લેવા આવ્યા. તેઓ કુલ સાત જણા હતા. સ્ત્રીઓ ડરતા ડરતા – રોતા રોતા ઘરેણા ઉતારી રહી હતી. મીમનજી પણ ગાડાની પડખે જ ઉભા હતા. તેનો એક હાથ તલવારની મૂઠ પર જ હતો, પણ શેઠની ઇચ્છા હતી કે કાંઇ પણ બોલવું નહિ. ગાડામાં બેઠેલા સ્ત્રીવર્ગ ગુસ્સાથી આકળવિકળ થતા મીમનજીને જોઇને મીમનજીને ટપારતા કહેલું, “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” એટલે મીમનજીને ખામોશી રાખ્યા સિવાય છુટકો નહોતો. (ક્રમશ:)