હપ્તો: બીજો
રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો
આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવે છે
મીમનજી પીર આજે પણ કુંભારપરામાં આરામ ફરમાવી રહ્યા છે
વાંકીયા, તીથવા, વાલાસણ, અમરસર, ઢુવા, પાજ, કણકોટ… વગેરે ગામના તેમનાં કુળજનો દર વરસે રબીઉલ અવ્વલ મહિનાની અગિયારમીના તેમનો ઉર્ષ મુબારક ઉજવે છે.
ગાડામાં બેઠેલા સ્ત્રીવર્ગ ગુસ્સાથી આકળવિકળ થતા મીમનજીને જોઇને મીમનજીને ટપારતા કહેલું, “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” એટલે મીમનજીને ખામોશી રાખ્યા સિવાય છુટકો નહોતો.
એક ડાકુએ કન્યાને કહ્યું ‘વહુ દાગીના તાર’ ત્યા પોતાની ડોકેથી હાર ઉતારતી હતી, એ વખતે જેમ વાળમાં છુપાયેલા ચાંદ બહાર નિકળ તેમ કન્યાનું રૂપથી તરબતર મુખારવિંદ નિહાળી હરામી ડાકુએ હાથ લાંબો કરી કન્યાના અંગ પર હાથ નાખ્યો.
અને પડખે ઉભા રહેલા મીમનજી સિપાઇથી અબળાની આબરૂ લુંટનારું આ કૃત્ય સહન ન થયું. તેઓ સમસમી ઉઠયા. દાગીના સુધી વાત નહોતી રહી. આ તો કન્યાની આબરૂનો સવાલ હતો. અન્ય સાથીદારો તો ભાગી ગયા હતા, લૂંટારાને પડકારતા જીવ ગુમાવવો પડશે, પોતે એક અને સામે સાત સાત હથીયાધારી લૂંટારા હતા; તે જાણતા હોવા છતાં જીવ કરતા અબળાની આબરુને વિશેષ મહત્વ આપતા તેણે હાકલ કરી, ‘એ હરામી – હટી જા…..’
ડાકુના હાથમાં તલવાર તો હતી જ. તેણે સીધો વાર કર્યાં. જે મીમનજીની પાઘડી પર પડયો. બટાસટી બોલી ગઇ. મીમનજીએ તરત જ પોતાની તલવાર કાઢી. બાજની ઝડપે ઘોડીને વારી એ જુવાન ડાકુના શરીરમાં તલવાર સોંસરી કાઢી નાખી.
મીમનજી સિપાઇના જે હાથમાં તલવાર હતી, તે હાથના ખભા પર ડાકુએ ઘા કર્યો. હાથ લબડી પડયો, પણ મીમનજીએ બીજા હાથમાં તલવાર લઇ ધા કરનાર લુંટારાના પેટ સોંસરી તલવાર કાઢી નાખી અને ઘોડીને ફેરવતા ફેરવતા આ ધીંગાણામાં છ ડાકુને મીમનજીએ પતાવી દીધેલા. મીમનજીને છેતરીને પાછળથી એક લુંટારાએ નિશાન સાધી બંદુકનો અવાજ કર્યો. મીમનજી ઘોડી ઉપર જ ઢળી પડયા. પોતાની આબરૂ બચાવવા જાનની કુરબાની દેનાર અને સગાભાઇથી પણ વિશેષ ફરઝ બજાવનાર મીમનજીને એ વણિક કન્યા જોઇને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ઘાયલ મીમનજીને એ જોઈ ન શકી.
આ બધું પળ- બે પળમાં જ બની ગયું. સીમમાં બંદુકના ભડાકા અને દેકારો થતા અન્ય ખેડુઓ મદદે પહોંચે તે પહેલા ડાકુ, જે જીવતા બચ્યો, તે કોટડા ગામ તરફ ભાગી નિકળ્યો, ત્યારે કોટડા વાંકાનેર રાજમાં નહોતું.
મીમનજીની સાથે રહેલા પણ ખરે ટાણે ભાગી ગયેલા કોઇ એક વાંકાનેર રાજને ખબર આપી કે તીથવાના વાણિયાની જાન સીંધાવદરથી આગળ કલાવડીની સીમમાં ડાકુ લુંટે છે, આથી વખતિસંહજી મારતે ઘોડે સૈનિકો સાથે બનાવ સ્થળે રવાના થયા. જાનના એક ગાડામાં મીમનજી સિપાઇના ઘાયલ દેહને લઇને ત્રણ- ચાર જણા સાથે રાજાએ વાંકાનેર રવાના કર્યા. તીથવાથી મીમનજીના મોટા ભાઇ પણ વાંકાનેર આવી પહોંચ્યા હતા. રાજમહેલના મુસાફરખાનામાં રાજના વૈદરાજે શરીર તપાસી જાહેર કર્યું કે રૂહ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. લોકવાયકા છે કે મરતા પહેલા મીમનજીએ પોતાને વાંકાનેર દફનાવવા જણાવેલ.
મોટા ભાઈ રહેમાનજીએ પોતાના નાના ભાઇએ એક અબળા વિધર્મી નારીની આબરૂ બચાવવાની ફરજ અદા કરતા જાનની કુરબાની આપનાર મીમનજીને જન્નતનસીબ માટે દુઆ કરી. મીમનજી તો સાચા અર્થમાં જીવીને શહીદ થયેલ, જે કાર્યથી ખુદા રાજી રહે છે, તે કાર્ય કરવા માટે ખુદાએ આ જીસ્મનું ઘડતર કર્યું છે. એ કામ કરતા કરતા અને તેય કોઇ પણ જાતના સ્વાર્થ વગર મરવું તે જ સાચો ધર્મ છે. મીમનજી સિપાઇ આ રીતે શહીદી વહોરી પીરની પદવી સુધી પહોંચી ગયા. ડાકુ લુંટતા હતા, જાનના માવડીએ ચૂપ રહેવા જણાવેલું. મીમનજીપીર ધીંગાણું ન કરત તો યે કોઈ અપજશ તેમને શિરે મળવાનો નહોતો, આમ છતાં માત્ર અને માત્ર એક નારીની અસ્મિતાનો સવાલ હતો.
વાંકાનેર કુંભારપરામાં હમણાં સુધી એટલે ૧૯૨૪ની સાલ સુધી કબ્રસ્તાન હતું. હાલ જે કસ્બાના કબ્રસ્તાન તરીકે ઓળખાય છે, તે ઘણું મોટું હતું. કબ્રસ્તાનથી લઇને ઠેઠ ખોજાની વાડી સુધીના આ વિસ્તારમાં હાલમાં પણ મકાનના પાયા ખોદતા ‘ફૂલ’ (અસ્થિ) નિકળે છે. કુંભારપરાના કબ્રસ્તાનમાં મીમનજીપીરની દફનવિધિ થઇ. આ વખતે રાજ દરબાર વખતિસંહજીની આંખમાંથી પણ આંસુ સરી પડેલા.
રાજ અમરસિંહજીને કોઈ આધાર-ઈતિહાસ વિનાના નિર્માણ પામેલા ધર્મસ્થાનો ગમતા નહિં, પછી તે કોઇ પણ ધર્મના હોય, જ્યાં ત્યાં ઉભી થતી દેરીઓ, મંદિરો, ઓટા કે દરગાહો આમ જનતાને અડચળકર્તા બનવા જોઇએ નહિં, એવું તે માનતા. બાપુએ ત્યારે જનાબ મીમનજી પીરની દરગાહ જે હાલ છે, તેને ફેરવવા હુકમ કરેલ.
બીજા દિવસે ઓવરશિયરે રાજસાહેબને આવી જણાવ્યુ કે આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવે છે.
રાજસાહેબ બહુ ચોકક્સ વહીવટકાર હતા. તેમણે કામ ચાલુ રાખવા હુક્મ કર્યો. ફરીવાર ઓવરશિયરે આવી બાપુને જાણ કરી કે ‘કબરમાંથી ચમત્કારીક રીતે તાજા ફૂલ નિકળે છે.’ બાપુએ ઓવરશિયરને કહ્યું “હું જગાનું નિરક્ષણ કરીશ ત્યાં સુધી કંઇ ન કરવું.”
આમ કહી અમરસિંહ બાપુ થોડી વાર પછી મોટર મીમનજી પીરની દરગાહ પર હંકારી ગયા. પોતાના હાથે જ દરગાહની માટી બહાર કાઢી.
બે મૂઠ્ઠી માટી બહાર કાઢીને તૂર્ત જ માટી કબરમાં પાછી નાખી દીધી અને મીમનજીપીરની આ દરગાહ જેમની તેમ જ રાખવા હુકમ કર્યો. અહીં પીર હોવાની તેને અનુભૂતિ થયેલી. પછીથી મીમનજી પીરની કબર ફરતે પાણા પણ રાજ તરફથી અપાયેલા.
મીમનજી પીર આજે પણ કુંભારપરામાં આરામ ફરમાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને યકીનથી માંગેલ દુઆનો યોગ્ય બદલો આપી રહ્યા છે. વાંકીયા, તીથવા, વાલાસણ, અમરસર, ઢુવા, પાજ, કણકોટ… વગેરે ગામના તેમનાં કુળજનો દર વરસે રબીઉલ અવ્વલ મહિનાની અગિયારમી (મું. ચાંદ ૧૧ ના) તેમનો ઉર્ષ મુબારક ઉજવે છે.
દરગાહનાં હાલના મુંઝાવરના દાદાએ કહેલું કે મીમનજીપીરને કોઇ વ્યસન નહોતું, પણ કાળી ચા (દૂધ વગરની) પીતા હતા.
સાત વર્ષ અગાઉ સિપાઇ કુંટુંબે મીમનજીપીરની દરગાહનું બાંધકામ કરાવેલું છે. બાજુમાં જમાતખાનું પણ છે. હાલમાં તીથવામાં રહેતા સિપાઇઓ (બહારગામથી રહેવા આવેલાઓને બાદ કરતા) માત્ર બે ભાઇઓનો જ વસ્તાર (કુટુંબ) છે, જેમાંથી એકનું પેઢીનામું આ મજબ છે. હસન- સાવદી- રહેમાન- જલાલ -હાજી – નુરમામદ અને મોટે ભાગે અમનજી (મીમનજીપીરના ભાઇ). રપ વર્ષની એક પેઢી ગણાતી હોય છે. – નઝરૂદીન બાદી.