ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો
કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ સંભવિત માવઠાને કારણે ખેતી પાકોમાં નુકસાન ન થાય તે હેતુથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો, વેપારીઓ અને એ.પી.એમ.સી.ને અગમચેતીના પગલાં લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂત મિત્રોએ ખેતરમાં કાપણી કરેલા પાક અથવા ખુલ્લામાં રાખેલી જણસને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી અથવા પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવી જોઈએ. વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય તે માટે ફરતે માટીનો પાળો બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. તેવી જ રીતે, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પોતાના ગોડાઉનમાં જથ્થો સુરક્ષિત રાખવો જેથી ભેજ કે વરસાદી પાણીથી બગાડ ન થાય.
માર્કેટિંગ યાર્ડ (APMC) માં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓએ પણ સાવચેતી રાખવી અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસ લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવી. આ અંગે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે સ્થાનિક ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પરથી પણ માહિતી મેળવી શકાશે. ‘અગમચેતી એ જ સલામતી‘ના મંત્રને અનુસરી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો
રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવા અને મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઇન નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી પોતાના ગ્રામ્ય સ્તરે નોંધણી કરાવી શકશે.
ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. અગાઉ આ નોંધણી પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ ખેડૂતોના હિતમાં મુદત વધારીને હવે તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી રાખવામાં આવી છે. ખેડૂત ખાતેદારોએ પોતાના ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી નોંધણી કરાવવાની રહેશે.
નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ તેમજ જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો અને બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ખરીદીના સમયે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર અરજદારોની નોંધણી રદ કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે તેમ મોરબી જિલ્લાની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે….

