ટંકારા, કલ્યાણપર, સાવડી, સરાયા, હરબટીયાળી સહિતના 15 ઉત્પાદકો
રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવામાં આવે છે. જેને દેશના જુદાજુદા રાજ્યમાં મોકલાવવામાં આવે છે. અને એક દિવસના તહેવારની ઉજવણી માટે ટંકારા તાલુકાનાં મહિલાઓને બારે મહિના રોજગારી મળે છે અને 12 હજાર કરતાં વધુ બહેનોને રાખડીના કામ થકી રોજગારી મળી રહી છે…
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધનનું ભારતમાં ખૂબ જ મહત્વ છે અને ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન છે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વ્હાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડીઝાઈનો આવતી હોય છે જેમાં ખાસ કરીને મેટલની અને ડાયમંડ વાળી રાખડીઓ આવે છે તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લના ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે રાખડીની માંગમાં 15 ટકાથી વધુનો ઘટાડો જવા મળી રહયો છે. તેવું યસવી રાખડી નામથી ઉત્પાદન કરતાં સુરેશભાઇ ગડારા પાસેથી જાણવા મળેલ છે….
ટંકારા તાલુકાનાં જુદાજુદા ગામોમાં મહિલાઓ દ્વારા જે રાખડીઓ બનાવવામાં આવે છે તેને દેશના પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મુંબઈ, એમપી, પંજાબ સહિતના રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે. અને દેશભરમાં એક દિવસના તહેવાર રક્ષાબંધનની ઉજવણી માટે જે રાખડીઓ વેચાતી હોય છે. તેનું ટંકારા તાલુકાનાં ટંકારા, કલ્યાણપર, સાવડી, સરાયા, હરબટીયાળી સહિતના જુદાજુદા ગામોમાં 15 ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને સીધી કે આડકતરી રીતે રાખડી બનાવવાનું કામ ગૃહ ઉદ્યોગની જેમ કરવામાં આવે છે જેથી કરીને 12 હજાર જેટલા બહેનોને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે….
ગત વર્ષ રાખડીની જે માંગ હતી તેમાં ચાલુ વર્ષે મંદીની અસરના લીધે લગભગ 15 ટકા જેટલો ઘટાડો જોવા મળે છે. અત્રે ઉલેખનીય છેકે, લોકો હવે બિન જરૂરી ખર્ચાઓ ઘટાડી રહયા છે ત્યારે મોંઘી રાખડી લેવાના બદલે સસ્તી રાખડીની ખરીદી બહેનો દ્વારા કરવામાં આવે છે માટે મેટલની રાખડીની માંગમાં ઘટાડો જોવા મળી રહી છે. તેમ છતાં પણ ટંકારા તાલુકામાં રાખડી બનાવવા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 35 કરોડ જેટલું છે તેવું ઉત્પાદકો પાસેથી જાણવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે, ટંકારા તાલુકાના જુદાજુદા ગામોમાં મહિલાઓ દ્વારા ઘરે બેસીને બારે મહિના ગૃહ ઉદ્યોગની જેમ જે અવનવી રાખડી બનાવે છે તેમાં એક કે બે નહીં પરંતુ 300 જેટલી ડિઝાઇન બનાવવામાં આવે છે અને જુદાજુદા રાજયમાં જુદીજુદી પ્રકારની રાખડીની માંગ રહેતી હોય છે અને ચાલુ વર્ષની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે જેથી કરીને રામને લગતી રાખડીઓની માંગ વધુ જોવા મળે છે. એવું કહેવાય છે કે, રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઉર્મિઓ છે અને દરેક બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છતી હોય છે. માટે તેના જમણા હાથના કાંડે રાખડી બાંધે છે જો કે, એક જ દિવસે ચોક્કસ કલાકો દરમ્યાનના શુભ ચોઘડિયા વખતે પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી કરોડો બહેનો માટે ટંકારા પંથકમાં હાજર બહેનો મેટલ અને ડાયમંડની રાખડી બનાવવા માટેનું કામ એક કે બે દિવસ અથવા તો મહિના નહિ પરંતુ 11 મહિના સુધી કામ કરતી હોય છે ત્યારે દેશભરમાં મેટલ અને ડાયમંડની રાખડીઓ બહેનો પોતાના ભાઈને બાંધે છે…સૌજન્ય: સાંજ સમાચાર