કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1

(હપ્તો: પહેલો)

નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે

સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા

એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે સ્તનપાન કરવું છે’

શ્રી વખતસિંહજી બાપુ પોતાના હાથમાં ઉઘાડી તલવાર લઈને એકલા જ રાજમહેલમાંથી બહાર નિકળી પડયા
તે દૂધથી નાગાબાવાને નવડાવવામાં આવ્યા અને તે પછી મૂળ સ્વરૂપમાં દેખાણા. જનતા અને રાજ દરબારની શંકાનું સમાધાન થયું

વિક્રમ સંવત 1662 (ઈ.સ.1605) માં હળવદના મહારાજા શ્રી પૃથ્વીરાજસિંહના પાટવી કુંવર શ્રી સરતાનસિંહજી, જેમનું મોસાળ જામનગર તાબાના જાંબુડા ગામમાં હતું; તેમણે વાંકાનેર શહેર ગઢીયા ડુંગર પર વસાવ્યું. તે વખતે ગઢિયા ડુંગરમાં સંતોની ત્રિપુટી એટલે ત્રણ સંતો એક જ સાથે રહેતા. તેમાં એક શાહબાવા (મંગલ ફકીર) જેમનું નામ મહમદશાહ હતું, જેનો મચ્છુ નદીના કાંઠે મિનારો તથા દરગાહ છે. બીજા વનમાળીદાસ, જેની યાદી આજે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં છે અને તે રામાનંદી (હિંદુ) સાધુ હતા અને ત્રીજા દરજનપૂરી (અતીત) બાવાજી હતા. દરજનપૂરીને વાંકાનેરના મહારાજા શ્રી સરતાનસિંહજી બાપુએ થોડોક ગરાસ કોટડાનાયાણીમાં જીવાઈ માટે આપેલ, પણ અત્યારે તેમનું ક્યાંય નામ નિશાન નથી. આ ત્રણે ત્રિપુટી વાંકાનેરમાં હતી, તે વખતમાં શ્રી નાગાબાવા વાંકાનેરમાં આવેલ હતા નહીં. તેમનો જન્મ પણ થયો નહીં હોય. નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે, મતલબ કે શાહબાવા બાદ 290 વરસ પછી નાગાબાવાની આ વાત છે. શ્રી નાગાબાવા તો રાજ વખતસિંહના સમયમાં વાંકાનેર આવી વસવાટ કરીને તપ કરેલ. રાજ વખતસિંહનો જન્મ વિક્રમ સંવત 1862 (ઈ.સ. 1805 માં) વૈશાખ વદી 14 ને શનિવાર ના થયો હતો.

રાજ વખતસિંહજી વિક્રમ સંવત 1895 (ઈ.સ. 1838 માં) ફાગણ સુદી આઠના રોજ વાંકાનેરની ગાદી ઉપર બેઠા. વખતસિંહજીના વખતમાં શ્રી નાગાબાવા બહારથી વાકાનેર આવ્યા અને તે અવધૂત દશામાં રહેતા હોવાથી તેનો જન્મ, ગામ કે જાત પૂછતા તેમના તરફથી કશો જ જવાબ મળતો નહીં. રાજે તપાસ કરતાં તેઓ રાજસ્થાનના રાજઘરાનાના ક્ષત્રીય હતા.

શ્રી નાગાબાવાની જ્ઞાનરૂપી ધારા વખણાતી સાંભળી તે વખતના સિંધાવદર ગામના દાદા ખવાસ, જે તે ટાઇમે જૂના દરબારગઢની બાજુની શેરીમાં રહેતા; ને તેઓ જૂના દરબાગઢમાં રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની; નામે પૂરીમાં; જે ભક્તિમય જીવન ગાળવાવાળા હતા, તે ઘણી વખત શ્રી નાગાબાવાજી ગુરુના દર્શને પતાળિયા વોકળાના કાંઠે, જ્યાં નાગાબાવા તપ કરતા હતા, ત્યાં તેના દર્શન કરવા આવતા અને સાધુ સંતોની સેવા કરતા. એવામાં એક વખત કોઈ મહાત્મા કે જે નિર્ગુણ પંથના આચાર્ય સનાતન શિવજી હતા, નાગાબાવા પાસે આવ્યા. પૂરીમાં ને સેવા કરતા જોઈ મહાત્માએ નાગાબાવાને પૂછ્યું કે ‘તમે આમને ઓળખો છો? આ કોણ છે?’
શ્રી નાગાબાવાએ જવાબમાં તેમને ઓળખતા હોવાનું જણાવી કહ્યું કે ‘તે મારા પૂર્વ જન્મના જનેતા છે’

એ મહાત્મા પૂરીમાને શ્રી નાગાબાવા પાસે આવતા ન રોકવાનો અનુરોધ કરી અદ્રશ્ય થઈ ગયા. એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે સ્તનપાન કરવું છે’
પુરીમાંએ પૂછ્યું કે ‘કોને સ્તનપાન કરવું છે?’
નાગાબાવાએ જણાવ્યું ‘માં! તમને; તમે મારા માં છો’

આટલું સાંભળતા તો પુરીમાંના સ્તનમાંથી દૂધની શેરૂ છૂટવા લાગી. નાગાજીરાજ છ મહિનાના બાળક બની ગયા અને માં ને સ્તનપાન કરવા લાગ્યા. ત્યારથી દાદાજી ખવાસે નાગાજીરાજને પોતાના ઘરે આવવાની છૂટ આપી.
કોઈ વાર પુરીમાં ખવાસણ ઘરના કામ પ્રસંગે નાગાબાવાના તપ સ્થાને જઈ ન શક્યા હોય તો નાગાજીરાજ પોતે, જગ્યામાંથી બહાર બહુ ઓછા નિકળતા હોવા છતાં, પૂરી માં ને ઘેર જતા.

સમયાંતરે એ વખતના વાંકાનેર મહારાજા વખતસિંહજી બાપુના કાને કોઈ ઈર્ષાળુ માણસોએ, અને તેમાંય ખાસ કરીને પોતાના દિવાન હંસરાજ વોરા, કે જેઓ વાંકાનેરના વતની હતા; પરંતુ ઈશ્વર તત્વ વિષે બહુ જ્ઞાન ન હોવાથી શ્રી નાગાબાવા અને પૂરીમાની બાબતમાં તપાસ કરવા કહી ઉમેર્યું કે ‘નાગાબાવાને ઘણીવાર પુરીમાં પોતાના રહેઠાણમાં રાત પણ રાખે છે. નાગાબાવાએ મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરી પૂરીમાં ખવાસણને ભરમાવી દીધા છે. બાવો દુનિયાની અને ઈશ્વરની મર્યાદા મૂકી આ પૂરીમાં સાથે બેસી એક ભાણામાં જમે છે. ક્યારેક તો એક આસને બેસી, પતિ- પત્ની બેસે તેમ બેઠેલા અમે કેટલાય માણસોએ જોયા છે’

મહારાજા પોતાના દિવાનના મોઢેથી આ વાત સાંભળી વિચારમાં પડી ગયા. વખતસિંહજીએ પોતાના ખાનગી માણસોને જે રાત્રે પૂરી ખવાસણને ત્યાં બાવાજી હોય, ત્યારે પોતાને જાણ કરવા અનુરોધ કર્યો.
એક વખત ચોમાસાનો ટાઈમ હતો. પુરીમાં એ નાગાબાવાને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. નાગાબાવા જમવા પુરીમાંના ઘરે ગયા. વરસાદ ચાલુ થયો. પતાળિયા વોકળામાં પાણી આવી જવાથી રાત ત્યાં જ રહ્યા.
મહારાજાના ખાનગી માણસોને થયું કે મોકો બરાબર છે, તેમણે મહારાજા ને જાણ કરી.
બરાબર મધરાત જામી છે. તે વખતે ઝાલા રાજવીર શ્રી વખતસિંહજી બાપુ પોતાના હાથમાં ઉઘાડી તલવાર લઈને એકલા જ રાજમહેલમાંથી બહાર નિકળી પડયા.

આ બાજુ નાગાબાવા આગવી શક્તિથી મહારાજા આવી રહ્યાનું જાણી જતા ફરી સ્તનપાન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને છ માસના બાળક બની સ્તનપાન કરવા લાગે છે.
મહારાજે પુરીમાં ને બારણું ખોલવાનું કહેતા બારણું ખોલ્યું અને આવકાર આપ્યો.
‘નાગાબાવો ક્યાં છે?’
‘મારી કેડમાં જે બાળક છે, તે જ નાગાબાવો છે’
‘મેં ગામમાંથી ઘણી આડીઅવળી વાતો સાંભળી છે, હું તે સાચી માનતો નથી; પણ બધું મારી નજરે જોવા અને શંકા ટાળવા માટે આવ્યો છું. જો આ બાળક તેના બાળકના રૂપમાંથી ફરી નાગાજીનું રૂપ ધારણ કરે, તો જ હું સાચું માનું અને તો હું પણ તેને સંત માનીશ, નહિતર નાગાજી હોવા છતાં મારી ઉઘાડી તલવારથી તેના શરીરના ટુકડા કરી વાંકાનેરની ધરતીમાંથી થતુ પાપ ઓછું કરીશ’

પુરીમાંએ જવાબમાં કહ્યું કે ‘મેં તો એવું નક્કી કરેલ છે કે આ વાંકાનેર શહેરની બાજુમાં નિકળતી મચ્છુ નદી, કે જે ભટો સાનીઓ ભરવાડ પાંચાળનો હતો, તેની દીકરી થઈ જન્મેલી હતી. (વાંકાનેરના ભરવાડ લોકો મચ્છુ નદીને માં સમજીને વધુ માને છે). તેમાં એક વખત તેની યુવાનીની વયમાં કોઈ રાક્ષસી વૃત્તિના અધમ માણસની વૃત્તિ બગડતા તેઓ સ્ત્રીમાંથી તુરત જ નીર (પાણી) બની નદી સ્વરૂપે ત્યાંથી ચાલી નીકળ્યા. જેથી તેના પાણી અમૃત સરીખા હોય, મારા લગ્ન અહીં થતા તે પવિત્ર પાણી મને પીવા મળે છે; તે મારા સદભાગ્ય છે. જેથી મારું જીવન કલંકરહિત છે. વળી આપ જેવા ધર્મી અને શૂરવીર રાજાના રાજ્યમાં રહેવાથી મારા શિયળનો ભંગ થવાનો મને ભય નથી. હવે આપ જે જોવા માગતા હો તે પ્રગટ થવા હું પ્રાર્થના કરું છું.’
પુરીની પ્રાર્થના સાંભળી શ્રી અવધૂતજી, છ મહિનાના બાળકમાંથી પુખ્ત વયના જબ્બર જટાવાળા જોગીરાજ પ્રગટ થતા દેખાણા. રાજ વખતસિંહજી આ ચમત્કાર જોઈ નાગાજીરાજના ચરણમાં હથિયાર હેઠા મૂકી દંડવત પ્રણામ કરી પગમાં પડી ગયા.

ભર કચેરીમાં આ પ્રમાણ આપવાનું કહેતા નાગાબાવાજીએ હા ભણતા રાજસાહેબે કચેરી ભરી. તેમાં નાગાબાવાજી છ મહિનાના બાળક બની પુરીમાં ને સ્તનપાન કરવા જાય છે, ત્યાં તો નળમાંથી પાણી છૂટે તેમ દૂધની શેરો છૂટી. તે દૂધથી નાગાબાવાને નવડાવવામાં આવ્યા અને તે પછી મૂળ સ્વરૂપમાં દેખાણા. જનતા અને રાજ દરબારની શંકાનું સમાધાન થયું. (ક્રમશ:)

સંપાદકઃ નઝરૂદીન બાદી (78743 40402)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!