કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-2

(હપ્તો: બીજો)

નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે

આજે પણ પતાળિયા વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી

દીકરાની ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં જણાવ્યું કે……
રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા નાગાબાવાને સમજાવ્યા પણ પોતાની જ જગ્યામાં મોટી ખાઈ ખોદાવી જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી પોતાનું શરીર પંચ મહાભૂતમાં ભેળવી દીધું

પછી તો રાજ દરબાર સવારે કાયમ વહેલા ઉઠી સ્નાન કરી કાયમને માટે ગુરુદેવના દર્શને આવ્યા પછી જ રાજકારભારનું કામ કરતા. સુંદર મજાનું શિવલિંગ મંગાવી જગ્યામાં નાગાબાવાની મૂર્તિ પાસે જ સ્થાપના કરી, પૂરી વિધિ કરી, જે આજે રાજ વખતસિંહથી સ્થાપેલ શિવ હોઈ, રાજ રાજેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે.
એકવાર મહારાજ સાહેબે પોતાની અમૂલ્ય કિમતી ઘોડી શ્રી નાગાબાવાને ભેટ આપેલી. પાછળથી કોઈ સંતે તે ઘોડીની માંગણી કરતા તેમને આપી દીધેલી. રાજ તરફથી તેમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવા રંગની અલ્ફી મળતી.

પુરીમાંના અતિ આગ્રહને વશ થઈ રાજ વખતસિંહજી અને નાગાબાવાજી, બંને પૂરી માને ત્યાં જમવા પધાર્યા. નાગાબાએ જલેબી અને ભજીયા ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા તે બનાવવામાં આવેલા. નાગાબાવાજીને ગુરુને એકવાર જલેબી અને ભજીયા જમાડવામાં આવેલા. તે રાજી થયેલા અને કહેલું કે આ જગ્યામાં કોઈ હવે જલેબી અને ભજીયા ધરશે, તેને તે, રાજી થાય તેઓ સુંદર બદલો મળશે.
મારા ગયા પછી મારા નામનો મેળો ભરાશે, તેમાં જે મને ભજીયા અને જલેબી ધરશે, તેના રોગો હળવા થઈ જશે. આજે 12 મહિને શ્રાવણ વદી 10ના દિવસે ભરાતા નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે.

એકવાર નાગાબાવા પુરીમાં ને ત્યાં સત્સંગમાં ગયેલા. વરસાદ વધારે પડવાથી આથમણી બાજુ નાનું એવું ઝરણું વહેતું હતું, જે પૂરજોશમાં વહેવા માંડયુ. સાંજનો સમય થઈ જવાથી નાગાબાવાએ જવાની તૈયારી કરતા બે કાંઠે વહેતા ઝરણાની હકીકત જણાવવા છતાં, નાગાબાવાજી ચાલતા થતા તેમની સાથે પુરીમાં અને આઠ દસ માણસો પણ ચાલ્યા. વોંકળાના કાંઠે આવ્યા તો પાણી બે કાંઠા બહાર છલકાતું જાય છે. શ્રી નાગાબાવાએ પોતાના કમંડલમાંથી પાણીની અંજલી ભરી કંઈક ગુરુમંત્ર બોલી વોંકળાના પાણી ઉપર છાંટીને બોલ્યા; ‘ચલ્લે જા પાતાળમાં…’

ત્યાં તો વોંકળાનું પાણી સુકાઈ ગયું. પાણીનું વહેણ ચાલતું બંધ થયું. વોંકળાને શ્રાપ આપ્યો કે તારા ઊંડા પાણી અદ્રશ્ય થશે. તરત જ કાંકરા દેખાવા લાગ્યા. આજે પણ તે વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી. ત્યારથી તે વોકળાનું નામ પતાળીયો વોંકળો પડયું. તેની યાદીમાં શ્રી નાગાબાવાએ પતાળિયા વોકળાના ઉગમણા કાંઠે પતાળેશ્વર મહાદેવ એ નામના શિવલિંગની સ્થાપના કરેલ છે, જે આજે મોજુદ છે.

વિ .સં . 1901 (ઈ.સ. 1844) માં રાજ વખતસિંહજી તથા શ્રી નાગાબાવા દ્વારકા શ્રીકૃષ્ણની યાત્રા કરવા ગયેલા. દર્શન કરી પાછા વળ્યા ત્યારે જામનગર રાજના જામસાહેબબાપુ શ્રી વિભાજી જામને ખબર પડતા તેમણે તેમને જામનગર રાજના મહેમાન તરીકે થોડા દિવસ રાજમહેલમાં પધરામણી કરાવી ત્યાં રોકે છે. તે વખતે જામસાહેબ વિભાજી જામને ઘણા રાણીઓ હતા, છતાં દીકરાની એટલે કે રાજકુમારની ખોટ હતી. આ ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં નાગાબાવાએ જણાવ્યું કે ‘રાજન ! તમારે ત્યાં જરૂર પુત્રનો જન્મ થશે, પણ તે રાજ નહીં કરે. તમારા કર્મમાં પુત્ર નથી, છતાં તમે સંત પાસે વચન નાખ્યું છે, તે જો પૂરું ન થાય તો અમારી સાધુની ગણતરી જગતમાં હલકી થાય. તેથી કહું છું કે હું તમારે ત્યાં પુત્રરૂપે જન્મ લઈશ પણ મારા ઉપર તમારો પ્રેમ ટકશે નહીં અને હું રાજ પણ નહીં કરું’

જામનગરના રાજાને આપેલા વચનને પૂર્ણ કરવા નાગાબાવાએ સમાધિ લેવાનો નક્કી કર્યું. આ વખતે દાદાજી ખવાસ (ચૌહાણ) દેવ થઈ ગયેલા અને તેમના પુત્ર નામે ભદનને કંઈક આપવાની ઈચ્છાએ નાગાબાવા ત્રણ વાર પુરીમાને ત્યાં જવા છતાં ભદનની મુલાકાત ન થતા ઝોળી, પંખો અને શંકરનું લીંગ પુરીમાંને આપીને ભદનને પૂજા કરવા જણાવેલ. પાછળથી ભદનને સિંધાવદર ગામના દરબાર ખેંગારજી બાપુ તથા દીપસિંહજી બાપુ પોતાનું કામ કરવા માટે લઈ જતા વાંકાનેર છોડી સિંધાવદર રહેવા ગયેલ. ભદનના દીકરા ભવાન ખવાસને બગસરાના કાઠી દરબાર અમરુવાળા રસોઈ કરવા માટે જતા સિંધાવદરનું મકાન વધારે વરસાદના કારણે પડી જતા બતાકામાં રાખેલ નાગાબાવાની ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ ગુમ થઈ ગયેલ અને શિવલિંગ જ બાકી રહેલ. જે સિંધાવદરમાં જે મોટું મંદિર કહેવાય છે, તેમાં પૂજા કરવા આપી દીધેલ.

રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા નાગાબાવાને સમજાવ્યા પણ પોતાની જ જગ્યામાં દરવાજા પાસે મોટી ખાઈ ખોદાવી પોતાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી પોતાનું શરીર પંચ મહાભૂતમાં ભેળવી દીધું. તે સમય હતો વિક્રમ સંવત 1913 શ્રાવણ વદી 9 (નોમ) રાતના બાર વાગે- ઇસવીસન 1857 આજથી 165 વર્ષ પહેલા.

સમાધિ સ્થળને રાજા રાજવી શ્રી વખતસિંહજી બાપુએ તે દેરીનું પાકું બાંધકામ કરાવી જગ્યાને અર્પણ કરેલ છે.શ્રી નાગાબાવાજી વિક્રમ સંવત 1913 માં કારતકવદી 6 ના રોજ જામનગર રાજમહેલમાં જામવિભાજીના રાણી ધનબાઈના પેટે અવતરેલ, જે મોટા થઈને ગિરનારમાં જઈને જોગી બનેલ અને અંતમાં ઇંગ્લેન્ડ (પેરિસ) જતા રહેલ અને ત્યાં જ પ્રભુ ભજન કરી પરલોકવાસી થયેલ. (રાતીદેવરીના સ્વ. ખુમાનસંગ બાપુએ લખેલી પુસ્તિકાના આધારે લખેલ છે: નઝરૂદીન બાદી મો: 78743 40402)

વાંકાનેરમાં સરકારી દવાખાનાથી આગળ જડેશ્વર રોડ પર નાગાબાવાજીનું મંદિર આવેલું છે. અહીં સવાર-સાંજ શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને આરતી થાય છે. મંદિરમાં અન્નક્ષેત્ર પણ ચાલુ કરેલ છે. હાલના પૂજારીઓના પરદાદા વાંકાનેર તાલુકાના ઘીયાવડથી આવેલા, જેમના દીકરાના દીકરા ચાર છે, આથી પૂજારી તરીકે ચારેય ભાઈઓના વંશજો વારાફરતી ફરજ અદા કરે છે. લખ્યા તારીખ: 10-6-2023.

નાગાબાવાજીના પૂજારી ભીખુગીરીએ વાંકાનેર વિષે લખેલ રચના નીચે મુજબ છે.

નાગાબાવાજીના આ લેખનો પહેલો હપ્તો વાંચવા અહીં ક્લિક કરો: જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!