કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડનો પત્ર મોકલાયો
સફળ રાજકીય કારકિર્દીમાં અણધારી કરુણતા
વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એઆઈસીસી ડેલિગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હઇપ માટેના અધિકૃત વ્યક્તિ શૈલેષ પરમારે તા. 6-1-2023 ના રોજ એક સસ્પેન્શન લેટર હોલગઢ નિવાસી શ્રી નવઘણભાઈ ડી. મેઘાણી કે જેઓ મહીકા વિસ્તારમાંથી કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા,
તેમને મોકલવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે “આપશ્રી મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ સભ્ય અને વિરોધપક્ષના ઉપનેતા હતા. તા. ૧૩-૯-૨૦૨૩ના રોજ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી સમયે આપે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાની બદલે આપ ગેરહાજર રહેલ હતા,
જે બદલ આપશ્રીને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે માન. પ્રદેશ પ્રમુખશ્રીના આદેશ પ્રમાણે સસ્પેન્ડ કરવામાં આવે છે અને આપશ્રીનું સભ્યપદ રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
હવે કોંગ્રેસ પક્ષ વિકાસ કમિશનરને આ બાબતની જાણ કરશે અને 45 દિવસની અંદર અંદર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય પંચાયત વિકાસ કમિશનર કરશે.
આ ઘટનાથી વાંકાનેર તાલુકામાં રાજકીય ગરમી પ્રસરી છે. ખુદ નવઘણભાઈએ પોતાની રાજકીય કારકિર્દીમાં આવો વળાંક ધાર્યોનહીં હોય. જો કે નવઘણભાઈએ હજી સસ્પેન્શન પત્ર મળ્યો ન હોવાનું જણાવે છે.