મંદિરો, દરગાહ અને તાજિયાના ડેલાઓનો સમાવેશ
વાંકાનેર: સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર શેરી ગલીઓના રોડ, ફૂટપાથ, સરકારી ખરાબા તથા સરકારી જગ્યા ઉપર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ ધાર્મિક દબાણોમાં દિવસેને દિવસે કન્સ્ટ્રક્શન કરીને તે દબાણોને મોટા કરવામાં આવતા હોય તેવું પણ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે ત્યારે થોડા સમય પહેલા આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટને સૂચના આપીને ધાર્મિક દબાણો વિશેની માહિતીઓ મંગાવવામાં આવી હતી. લગભગ વર્ષ ૨૦૨૧ માં જે આદેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા જે તે સમયે કોઈ
સઘન કામગીરી કરવામાં આવી ન હતી અને દબાણ કરનારો સામે પણ કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોય આજની તારીખે પણ મોટાભાગની જગ્યા ઉપર ધાર્મિક દબાણો યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે, તેવામાં હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ધાર્મિક દબાણો વિષેની માહિતી માંગવામાં આવી છે ત્યારે વાંકાનેર શહેરની વાત કરીએ તો 27 જેટલા ધાર્મિક સ્થળોના આધાર પુરાવા આપવા જે તે મંદિર, દરગાહ, તાજિયાના ડેલાની દીવાલો પર વાંકાનેર નગરપાલિકા દ્વારા નોટિસો ચોડવામાં આવી છે. આગામી સમયમાં આ ધાર્મિક દબાણને હટાવવા અને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવે તેવી શક્યતાઓ છે વાંકાનેરમાં જે ધાર્મિક સ્થળોની દીવાલ પર નોટિસ ચોડાઈ છે તેમાં નીચે મુજબના સ્થળોનો સમાવેશ થાય છે…
સરકારી દવાખાનેથી ધોળેશ્વર જવાના રસ્તે આવેલ હનુમાનજીનું મંદિર, બ્રાહ્મણની ભોજનશાળા પાસે, દરબારગઢ પાસે શાહબાવાના મિનારા તરફ જવાના રસ્તે મકરધ્વજ બાલા હનુમાન, હનુમાન શેરીમાં પીપળા પાસે આવેલ ગોદડીયા હનુમાન (આ મંદિરના સંચાલકોએ કાયદેસરતાના કાગળો ઓફિસમાં રજૂ કરેલ છે), સલોત શેરીના નાકે લુહાર શેરીનું નાકુ પૂરું થાય ત્યાં મચ્છુ નદીના કાંઠે આવેલ તાજીયા માટેના ત્રણ ડેલા, પ્રતાપ રોડ પર હઝરત દીનદારશા પીરની દરગાહ, જીનપરા મેઈન રોડ પર જયશ્રી રોકડીયા હનુમાન મંદિર, જીનપરા ગૌશાળા રોડ પર પાર્થધ્વજ મહાદેવ અને પાર્થધ્વજ હનુમાનજી, જીનપરા જકાતનાકાની
બાજુમાં ચિત્રકૂટ બાલાજી હનુમાન, હાઈવેના કોર્નર પર આવેલ બંગલાવાળા મામાજી, કામદાર કલ્યાણ કેન્દ્ર અને તાલુકા પંચાયતની બાજુમાં રોડ ઉપર અમરનાથ શ્રી કષ્ટભંજન મહાદેવ, મિલ પ્લોટ ડબ્બલ ચાલી પાસે આવેલ રામાપીરનું મંદિર, અમરસિંહજી મિલના દરવાજા પાસે આવેલ અમર હનુમાનજી મહારાજ, નવી અને જૂની મિલ કોલોની વચ્ચે રેલવે સ્ટેશન પાસે આવેલ રોકડીયા હનુમાન, વીસીપરા રામકૃષ્ણ રીફ્રેકટરીઝની બાજુમાં હનુમાન અને સરધારકા રોડ પર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે…