સામાન પણ ક્રેડિટ પર આપવો પડે છે
વાંકાનેર:તાલુકામાં ગામડાઓના બસ સ્ટેન્ડ પર અથવા રોડ પર વેપારનો ટ્રેન્ડ શરુ થયો છે, અમરસર ફાટક, સિંધાવદર, ખીજડીયા ચોકડી, તીથવા બોર્ડ, મહીકા હાઇવે, પાડધરા રોડ પરની દુકાનો એના ઉદાહરણો છે, પરંતુ ઓનલાઈન ખરીદી અને શોપિંગ મોલને કારણે ગ્રામીણ દુકાનદારોની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. વાંકાનેર પંથકના ગ્રામીણ દુકાનદારોની આવકમાં મોલ અને ઓનલાઈન ખરીદીનાં કારણે મોટી ઓટ આવી છે. ઘરાકી ઓછી થવાને કારણે વેપારમાં હરીફાઈ ચાલે છે અને ઘણી વખત ધંધો કરવાના મકસદ સાથે પડતર ભાવે માલ વેચવો પડે છે, જેનાથી લાખના બાર હજાર થાય છે, છતાં વેપારીઓને ગાલે તમાચો મારી મોઢું લાલ રાખવું પડે છે…
તાલુકાના ગ્રામીણ વિસ્તારના કરિયાણા, કાપડ, કટલેરી તેમજ રેડિમેડ વત્રોના વિક્રેતાઓની પરિસ્થિતિ માત્ર દુકાન ખુલ્લી રાખીને ગ્રાહકની રાહ જોતા રહેવા જેવી થઈ છે. લોકોની મીટ અત્યારે શહેરના વેપારીઓ ઉપર હોય છે. થોડી અમથી ખરીદી માટે શહેરના મોલ અને ઓનલાઈન ખરીદીથી સરસામાન મગાવતા હોવાથી ગામડાંના વેપારી ધીરે-ધીરે ભાંગવા લાગ્યા છે. ગામડાંના વેપારીઓની જીવાદોરી તહેવારો પૂરતી સીમિત રહે છે. દુકાનદારો તહેવારો આવશે અને ગ્રાહક આવશે તે ભરોસે બેઠા હોય છે…
ઘણા દુકાનદારોને દુકાનનું ભાડું અને વીજળીબિલ ભરવા લોકો પાસે ઉધાર લેવા પડે છે અને સામાન પણ ક્રેડિટ પર આપવો પડે છે. ઉધાર વિના ગામડાંઓમાં ધંધો કરવો મુશ્કેલ છે. માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓનલાઈન ખરીદી અને શહેરોના મોલમાં ખરીદીના મોહથી ગામડાંના વેપારીઓની કમર તોડી નાખી છે. રસકસ અને કરિયાણાના વેપારીઓ ખુલ્લી બજારનો ભોગ બની રહ્યા છે. આવું લાંબું ચાલશે તો ગ્રામીણ દુકાનદારોનાં પાટિયાં ઊતરી જાય તો નવાઈ નહીં લાગે. બીજી બાજુ શહેરની આંધળી દોટમાં ગામડાંઓ ખાલી થવા લાગ્યા છે. અત્યારે ગામડાંનું અસ્તિત્વ માત્ર ખેડૂતોએ ટકાવી રાખ્યું છે…