જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું
દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે
તીથવામાં રહેવા આવેલા ગોરાદાદા અને કમાલદાદા પૈકી કમાલદાદાનાં દીકરા જીવાદાદા, અને તેમના દીકરા અભરામદાદા તીથવા રહેતા હતા. (કદાચ એક-બે પેઢીના નામ ખૂટે છે) અભરામદાદાના દીકરા નુરાદાદાનો વસ્તાર એટલે જ પંચાસિયાના મોટા ફળીવાળા તરીકે ઓળખાતા આજના બાદી કુટુંબના ૪ર ઘર.
તીથવાના નુરાદાદાને નુરા બાદી તરીકે નાત આખીનું નાનું છોકરૂં તો ઠીક, આજુબાજુના મલકમાં પણ ઓળખતું. એમનો વટ પડતો, નાના-મોટા પ્રસંગે વાંકાનેરના રાજા પણ એમને યાદ કરતા. ખાધેપીધે સુખી કુટુંબ હતું. વાંકાનેર તાલુકાના અગ્રણી માણસોમાં એમની ગણના થતી. તીથવા મેઇન બજારમાં જૂની સ્ટેટ બેન્કની સામે તેના ખોરડા હતા. નુરાબાદી સંવત ૧૯૫૫માં (અંદાજે સવાસો વરસ પહેલા) તીથવાથી કોઠારીયા રહેવા આવ્યા.
ઘરવખરી – ઢોરઢાંખર એટલા બધા કે જાહોજલાલી જોનારા છકક થઇ ગયેલા. બીજે વર્ષે જ છપનીયો દુષ્કાળ પડ્યો. માઠા વરસના કપરા કાળમાં નુરા બાદીએ સંગ્રહ કરેલી જારની સાત કોઠીઓમાંથી કોઠારીયામાં ધર્મના ભેદભાવ વગર જાર મફતમાં વહેંચી હતી. માણસો ચપટી ધાન માટે તરસતા ત્યારે સાત કોઠીની જાર વહેંચવી નાની સુની દિલેરી નહોતી. એ જમાનામાં સાત કોઠી જાર હોવી, એ ગર્વની વાત ગણાતી. મીરૂમીંયાબાવા (રહેમતુલ્લા અલયહે)એ કોઇ પ્રસંગ અંગે નુરાદાદાને અમદાવાદ આવવા કહેણ મોકલ્યું. માઠા વરસમાં પાણી વિના મોલ સૂકાતો હતો. નુરાબાદીને કૂવો ગાળવાનો હતો. સંજોગોને આધિન અમદાવાદ આવવા થોડી મહેતલ માગી.
દસ-બાર હાથ ઉંડા કૂવો ગાળ્યો પણ પાણી આવે નહિં, ત્યારે દસ હાથે કૂવામાં પાણી આવી જતા. પડ પણ કઠણ આવી ગયેલું, કારી છીપર સામે ઘણ-છીણા જવાબ આપી ગયેલા. એવામાં મીરૂમીંયાબાવા કોઠારીયા આવ્યા. ‘તમારે કૂવામાં પાણી જોઇએ? ચાલો, હું કહું ત્યાં ડાર કરો’.
બધા કોઠારીયાથી ટંકારા જવાના રસ્તે જ્યાં કૂવો ગાળ્યો હતો, ત્યાં આવ્યા. કૂવા કાંઠે આવી મીરૂમીંયાબાવાએ કૂવામાં એક કાંકરી ફેંકી અને કહ્યું, ‘અહીં ડાર કરો’.
જુવાનિયા સાંગણીથી ડાર કરવા લાગી પડયા. સાંગણીના બે ટપોરા માર્યા હશે કે પાણીની સેડ ફૂટી ! ગાળનારા બધા કૂવામાંથી બહાર નિકળ્યા. કૂવો છલોછલ ભરાયા પછી પણ પાણી ઉભરાતું હતું. કહેવાય છે કે મીરૂમીયાં બાવાએ પાણીને કહ્યું, ‘ઠહેર… ઠહેર!’. પાણી ઉભરાતું રોકાઇ ગયું. મોલને પાણી આપવાની સમસ્યા દૂર થઇ. (જયાં સુધી કલમે શરીફવાળા પાસે આ વાડી રહી, ત્યાં સુધી કૂવામાં પાણી ખૂટયું નહોતું. આજે પણ તે ‘નુરા બાદીની સાણ’ તરીકે ઓળખાય છે).
એક વરસ શેરડી વાવી. વાડ ભૈળવાવાનું ચાલુ કર્યું. સગા-સઇ વાડ ભૈળવા મદદે આવેલા. કામ કરવા અલગ અલગ ટીમો બનાવાઇ. શેરડી રસ ગરમ કરવાની કડાઇઓ મૂકાઇ. ચીચોડે બળધીયા જોડયા. ચીચોડાની લાકડાની વચ્ચેની વાટ (મોટું જાડુ ગોળાકાર લાકડું) ભાંગી ગયું. બાવળનું જાડું થડ ગોતી ટોળના સુતારની કોયડે જઇ બીજી વાટ તાબડતોબ બનારાવી.
પરવાહ (શેરડીનો એક મફતમાં અપાતો સાંઠા) લીધા વિના એકેય ટાબરીયું પાછું ન જાય, તેવી ભલામણ કરીને ફરી બળધીયા જોડયા. સાવ પાતળો સાંઠો નાખી ટ્રાય કરી તોય વાટ ભાંગી. બળધીયા એક આંટો ફરે- નો ફરે, ત્યાં વાટ ભાંગી જાય. ગીત ગાતી બાયુ ભાત દેવા આવી. વાડ ભૈળવા મદદે આવેલા બધાને જમાડી દાદા વિચારે ચડયા. ‘મારી કંઇક ભૂલ થાતી લાગે છે’. લોબાન કર્યું. ચીચોડા ફરતે ચાર આંટા ફરી લોબાન દીધું. પીર ઓલિયાનો ફાતિયો કર્યો, આ વખતે તો વાટ નહિં જ ભાંગે, એવા ભરોસે ગોળ ખવડાવી મીઠા મોઢા કરેલા બળધીયાને ફરી જોડયા તો ય વાટ ભાંગી.
મુંઝાયેલા દાદા થાકી-હારી ઘરે આવ્યા. નાથી મોટીમાંને આવી બધી વાત કરી. ‘અમ્મા, કાંઇક નડતર લાગે છે. ખબર નથી પડતી હવે શું કરવું!?’
નાથી મોટીમાંને એકાએક સૂઝયું. બોલ્યા. ‘તારી એક ફઇ હતા, નામ એનું કરીમા (કમી) હતું, જે મંદબુધ્ધિના હતા. લગ્ન કર્યા વગર રમઝાન મૈનામાં ગુજરી ગયેલા. એના નમતના બે સાંઠા કાપી ગરીબ-ગુરબાને આપી દે. કદાચ વાટ ભાંગતી અટકી જાય!’.
દાદા પાછા વાડીએ આવી, કહ્યા પ્રમાણે કર્યું. ચીચોડે બળધ જોડી ભેયળવાનું ચાલુ કર્યું. વાટ નો ભાંગી. એક હારે જાડાજાડા ચાર ચાર સાંઠા ઓરવા છતાંયે વાટ નો ભાંગી અને વાડ ભૈયળાઇ ગયો. ગોળનો ઉતારો પણ સારો આવ્યો. દાદા રાજી રાજી થઇ ગયા.
કમીફઇ રમજાન માસના ચોથા ચાંદે ગુઝરી ગયેલા. એમની દફનવિધિ તીથવા કબ્રસ્તાનમાં નાના ઝાંપે આથમણી દિશામાં છે. આજે પણ રમઝાનના હિસાબે રમઝાનમાં નહિં, પણ દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે. આ કુટુંબો ત્યારથી પોતાની દીકરીનું નામ કમી (કરીમા) પાડતું નથી. શેરડીનો વાડ ભેયળવાનું ચાલુ કરતા પહેલા બે સાંઠા કમીફઇના નામે દાન કરવામાં આવે છે. (જો કે હવે શેરડીના વાવેતર ઘટી ગયા છે. વાડ ભૈયળવાનું બંધ જ થઇ ગયું છે)
કમીફઇ મંદબુદ્ધિના હતા. એકવાર ભાદરવા મહિનાનો તાપ તપતો હતો. કામની સીઝન, કોઈ ઘરે નહીં, કમીફઇને શું સૂઝ્યું કે ઘરમાં રહેલા ઘીના બોધેણા ઠલવી ઠલવી ભોંયતળિયે ગાર કરવા મંડ્યા. રમઝાન મહિનો અને પોતે રોઝાતાં. હાંફી ગયા, તરસ ખૂબ લાગી, મંદબુદ્ધિના પણ એટલી ખબર કે રોઝુ રાખી પાણી પિવાય નહીં, બેશુદ્ધ થઇ ગયા પણ પાણીનો ઘૂંટડો પીધો નહીં, બેશુદ્ધિમાં જ રૂહ કબ્જે થઇ ગઈ.
નુરાદાદા ગામ-ગમતરે જાય તો મોટાભાગે રાત રોકાતા નહિં. મોડી રાતે પણ ઘરે પાછા આવી જાય. એક દિવસ ઘોડી લઇને તીથવા કામસર ગયા. કહુલે રાત રોકાવું પડયું. વહેલી સવારે કોઠારીયા આવ્યા. બહારગામથી આવે એટલે સૌ પહેલા પોતાના માલઢોર પાસે જઇ જોવે કે ગમાણમાં નીણ છે કે નહિં, ઢોર માથે હાથ ફેરવે, એવી એની ટેવ.
કોઠારીયા ફળીયામાં બાંધલા માલ-ઢોર પાસે ગયા. જોવે છે બે ભુરિયા બળધીયા નહિં. માંને વાત કરી. આજુબાજુ તપાસ કરી. મોં સૂઝણું થઇ ગયેલું. સગડ જોયા, ટોળ બાજુ પગેરૂ મળ્યું, પણ પછી કઠણ ધાયળીમાં પગલાના નિશાન કળી ન શકાયા. નકકી થઇ ગયું, બળધ ચોરાણા છે.
પોતાનો માલ ચોરાયાની હીણપત અનુભવતા મારતી ઘોડીએ તીથવા લાલશાપીરની દરગાહે આવી દુઆ માંગી. ‘અરે, જલાલી પીર! તમારા ગામમાં હું રાતવાસો કરૂં અને મારા બળદ ચોરાય? આતો ખોટું ક્હેવાય ! મારે પાછા જોઇએ!!’
‘ઘોડીનું ચોકઠું તાણવાનું નહિં. ઘોડી જયાં જાય ત્યાં જવા દેવાની, બળધીયાના ચોર મળી જશે”, અંતરના ઉંડાણમાંથી એવું નુરાદાદાને લાગ્યું.
ઘોડી પર દાદા સવાર થયા. ઘોડી હાલતા હાલતા જુનાગઢ બાજુ ગઇ. જુનાગઢ બે ગઉ જેટલું છેટું હતું ત્યાં પોતાના બળધીયા હારે જતા ચોરને જોયા. બળધીયા ફળીયામાં પોતાની પાસે જ બંધાતી ઘોડીને અને માલિકને ઓળખી ગયા. મુંગા આ જનાવરો, બળધીયા અને ઘોડી વચ્ચે ભાઇબંધી બંધાઇ ગયેલી. ઘડીયે ઘડીયે બળધીયા પાછું વળીને ઘોડીને અને પોતાના માલિકને કાન ઊંચા કરી જોવે. ઘોડી રોકાય તો બળધીયા પણ રોકાઇ જાય. ચોર ડફણા મારે તો યે જયાં સુધી ઘોડી નો હાલે ત્યાં સુધી બળધીયા ડગે નહિં.
બુધ્ધિ વાપરી દાદાએ ચોરને કહ્યું, ‘હું ઘોડી આગળ કરૂં છું, તમે બળધીયા વાંહું વાંહેં હાંકો..’ લાંબો પલો કાપી થાકેલા ચોરોએ એક સારો ઉપાય સમજી હા પાડી. દાદાએ ઘોડી આગળ કરી અને વાંહે વાંહે બળધીયા હાલવા માંડયા. જુનાગઢ આવ્યું. કિલ્લાના ચોકીદારે રોકયા. દાદાએ ચોકીદારને સાથે રહેલા માણસો બળધીયાના ચોર હોવાની વાત કરી. ચોકીદારે બધાને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું. જુનાગઢની બજારમાં દાદા ઘોડી ઉપર અને વાંહેં બળધીયા, નવાબના દરબારે પહોંચ્યા. ચોકીદારે બીજા ચોકીદારને ગેટ પર બળધીયા સાચવવા જણાવ્યું, પણ બળધીયા તો ઘોડી વાંહે ને વાંહે ઠેઠ દરબારમાં નવાબ પાસે પહોંચ્યા. બળધીયા હારે જોઇ નવાબે બીજા અરજદારો કરતા પહેલો વારો નુરાદાદાની અરજનો લીધો. (ક્રમશ:)
