નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા
‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું
પંચાસિયામાં બાદી કુટુંબના કુલ ચાર પાંખિયા ગણી શકાય,(1) મોટા ફળીવાળા (2) વાવવાળા (3) પીપળાવાળા (4) પટેલવાળા. પંચાસિયા ઉપરાંત પાંચદ્વારકા, જાલી, હસનપર, ભલગામ, રસીકગઢ, કેરાળા અને સિંધાવદરના બાદી વરસમાં ભેગા મળી પીપળીયારાજ મુકામે સાજીદાદાની કબ્રે નિયાઝ બનાવે છે
નવાબે નુરાદાદા અને ચોરોની ચંડાળ ચોકડીની બધી દલીલો સાંભળી. નવાબ પણ મૂંઝાયા. આખરે નક્કી થયું કે બળદને છૂટા મૂકવા, જો નુરાદાદા તરફ બળદ જાય તો એના અને ચોર તરફ જાય તો બળદની માલિકી એની સમજવી.
બળધીયા છૂટા મૂકાયા. મૂંગા જનાવરમાં પણ શાન અને માયા હોય છે. બળદિયા તેના ખરા માલિક એટલે કે નુરાદાદા પાસે આવીને ઉભા રહી ગયા. નવાબે ચોરને ફટકાર્યા અને બળધીયા દાદાને સોંપી જૂનાગઢનો સિમાડો વટાડી દેવા ચોકીદારને હુકમ કર્યો.
કોઠારીયા આવ્યા તો એકલપંડે ચોર પાસેથી બળધીયાને પાછા લઇ આવનાર દાદાના ગામ આખે વખાણ કર્યા. દાદીએ હર્ષના આંસુ પાડતા બળધીયાને બાજરા-બંટીનું ખાણ આપ્યું. નુરાદાદાએ પછીથી લાલશાપીરની દરગાહ ફરતી એ જમાનામાં વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા.
એક વાર કોઠારીયાની મસ્જીદ માટે જોડિયા કાટવરણ લેવા ગાડું લઇને દીકરા હાજી સાથે નુરાદાદા ગયા. કાટવરણ પસંદ કરી ભાવ નકકી કરી ગાડામાં ભર્યું. નુરાદાદાએ દીકરા હાજીને બીલ ચૂકવવા જણાવ્યું. દીકરો બોલ્યો ‘પૈસા તમે હારે નથી લીધા? મને એમ કે તમે લીધા છે. મેં તો લીધા જ નથી’.
બાપને એમ કે દીકરાએ પૈસા લીધા છે અને દીકરાને એમ કે બાપે પૈસા લીધા છે. આ સગબગમાં પૈસા વગર જ જોડિયા પહોંચી ગયેલા. લાતીનો શેઠ આ બધું સાંભળે. ‘…તો વરણ હેઠું ઉતારી નાખીએ, કાંઇ પૈસા વગર થોડું લઇ જવાય’. બાપ-દીકરો ગાડું ઠલવવા માંડયા.
શેઠે રોકયા. ‘તમે કોઠારીયાના હો તો નુરા બાદીને તો ઓળખતા જ હશો…’
‘અરે, એ હું પોતે જ નુરો બાદી!’. પોતાની શાખ ઠેઠ જોડિયા સુધી પહોંચી, જાણી નવાઇ લાગી.
‘તમતમારે લઇ જાવ. પૈસા પછી દઇ જાજો. મારગમાં પૈસાની જરૂર હોય તો બીજા હું આપું”. દાદાએ ખૂબ ના પાડી છતાંયે શેઠે પાંચ રૂપિયા પરાણે નુરાદાદાના ગીંજામાં નાખી દીધા ! (એ જમાનામાં એક આનામાં પેટભર લોકો જમી લેતા) બાપ-દીકરો વરણ લઇને કોઠારીયા આવ્યા. બીજે દિ’ દાદા ઘોડી લઇને જોડિયા જઇ પૈસા આપી આવ્યા.
આગળ વાત વધારીએ તે પહેલા એક આડી પણ જરૂરી વાત જણાવી દઈએ. નુરાદાદાના બાપુનું નામ અભરામ દાદા હતું. નુરાદાદાને કુલ પાંચ દીકરા, (૧) મીમનજી (ર) હાજી (૩) અલીભાઇ (૪) વલી અને (૫) સૌથી નાના સાજી.
પંચાસિયામાં બાદી કુટુંબના કુલ ચાર પાંખિયા ગણી શકાય, એમાંથી મોટા ફળીવાળાની છાપથી ઓળખાય છે, તે હાજીદાદાનો વંશજ છે. બેતાલીસ જેટલા આ ઘર મોટા ભાગે ખારીના પ્લોટમાં રહે છે, એની પેઢીના દાદાને મોટું ફળી હતું. એમની સાથે જ કોઠારીયાથી રહેવા આવ્યા, તે વાવવાળા બાદીના પાંખીયાના નવ જેટલા ઘર છે. પંચાસિયાની વાવવાળી જમીન એમના દાદા વાવતા. તે પણ નુરા બાદીનો જ વંશજ છે. કોઠારીયાથી એક વર્ષ પાછળથી રહેવા આવ્યા એ કુટુંબ પીપળાવાળા બાદી તરીકે ઓળખાય છે, તે મેઈન બજારમાં રહેતા અને તેના ફળીમાં પીપળો હતો. એના હાલમાં બારેક ઘર છે. એમના કુટુંબના મીમનજીદાદાને જેમની જમીન વાવતા એ દરબાર સાથે વાંધો પડતા પીપળાવાળા બાદીનું ઘર વઘાસીયા રહેવા આવી ગયું, એમની અત્યારે ચોથી પેઢી ચાલી રહી છે.
ઉપરના ત્રણેય બાદીના પાંખિયા પંચાસિયામાં રહેવા આવ્યા તે પહેલા પાંચદ્વારકાથી એક પાંખિયું સીધું જ પંચાસિયામાં રહેવા આવી ગયેલું, એ પાંખીયાને પટેલવાળા તરીકે હાલમાં ઓળખાય છે. એમના દાદાએ જ પંચાસિયામાં સૌ પહેલો પગ મુકેલો. બીજા બાદી તો કોઠારીયાથી પછી રહેવા આવેલા. ત્યારે પંચાસિયામાં પટેલ, વાણીયા, સંધી રહેતા. એમના દાદાને રાજ તરફથી પટલાઈ મળેલી. પટેલવાળું પાંખિયું મોમીન પટેલ પ્લોટમાં રહે છે અને તેમના એકવીસ જેટલા ઘર છે. નાત લેવલે પટેલવાળા પાંખિયામાં પંચાસિયા ઉપરાંત પાંચદ્વારકા, જાલી, હસનપર, ભલગામ, રસીકગઢ, કેરાળા અને સિંધાવદરના બાદી આવે છે. આ બધા વરસમાં ઇદેમિલાદના મહિનામાં ત્રીજે ચાંદે ભેગા મળી પીપળીયારાજ મુકામે કબ્રસ્તાનમાં આરામ ફરમાવતા સાજીદાદાની કબ્રે નિયાઝ બનાવે છે.
કોઠારીયામાં રહેતા નુરાદાદાના બીજા નંબરના હાજી દાદા બહુ જોરૂકા અને પહાડી જણ હતા. પૂરા છ ફૂટ ઉંચા – બજારમાં હાલે તો ખોરડાના નળિયા પણ ખખડે એવા- પાછા જેવા પહાડી એવા જ હિંમ્મતવાળા. એના જાડા બાવળા જોઇને જ એનો પંગો લેવાનું કોઇ હામી નહોતું ભરતું. ઘોડી પર જ જતા અને કાયમ ત્રણ હથિયાર સાથે રાખતા. બંદૂક, તલવાર અને જતેડો (એક પ્રકારની ગોફણ)
એમાં એક દિ વાડીએ ઘોડી લઇને એકલપંડે આંટો મારવા ગયા. વાડીએ જોવે છે કે બે જણા શેરડી કાપી ભારો બાંધે છે. હાજીદાદાએ પડકાર્યા. ભારાને તલવાર મ્યાન બહાર કાઢીને એક ઘા માર્યો તો ભારાના કટકા થઇ ગયા, પણ આની અસર શેરડી કાપનારા પર કાંઈ ન થઇ. દાદા શેરડી ન ચોરવા દેવા મકકમ અને લુંટારા શેરડી લઇ જવા મકકમ. ‘રહેવા દો, એક ઘા પડશે ને, તો એકેય પાણી પણ તેં માંગો’ કહી દાદાએ જતેડો કાઢી સવાશેરનો પાણો ચડાવી સામે ઉભેલા બાવળના થડમાં ઘા કર્યો. પાણો ખાડો પાડી થડમાં ચોટી ગયો. બાવળ હલબલી ગયો.
આ જોઇને અત્યાર સુધી અદ્રશ્ય રહેલો વડીલ જેવો લાગતો એક દાઢીધારી શાબાશી દેતો આગળ આવ્યો. ‘શાબાશ, અમારે તમારી શેરડી નથી લુંટવી. તારા જેવા બળુકા સાથે દુશ્મની નો હોય, ભાઇબંધી કરાય ! આજથી તું મારો ભાઇબંધ, હાથ મિલાવ..!!’
દાદાએ સાવધાની રાખતા હાથ મિલાવવાની ઓફર સ્વિકારી. ‘હું નુરા બાદીનો દીકરો હાજી ! પણ ભાઇબંધ એનું નામ કાં છુપાવે?’
‘મારૂં નામ વાલો નામોરી’. તે એક હાથે ઠૂંઠો હતો. માળિયાનો મીંયાણો વાલા નામોરીએ ત્યારે બહારવટુ ખેડેલુ. હવે ભાઈબંધીની વાત હતી. દાદાએ બે સાંઠા દીધા. ‘કોઠારીયામાં લુંટવા જેવું કોનું ખોરડું?’ વાલા નામોરીએ પુછ્યું. ‘ભાઇબંધનું ગામ ભાંગવાની વાત કરો છો?’
વાલાએ દાંત કાઢ્યા, ‘હાલો ભેરૂ, ભાઇબંધનું ગામ નો ભંગાય!’.
‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું. (ક્રમશ:) માહિતીસ્રોતઃ હુસેનભાઇ બાદી (પંચાસિયા)
આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ
