કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે

દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં ઘડીકમાં પહોંચવાની તેમને સગવડતા રહેતી
પંચાસિયામાં સામંતસિંહ નામના જાગીરદાર નિઃસંતાન ગુજરી ગયા. એમની જમીન વાંકાનેર સ્ટેટે ખાલસા કરી, ચંદ્રમણિને આપેલી. આ ચંદ્રમણિએ કોઠારીયા હાજીદાદાને ચાર સાંતીની જમીન વાવવા ઓફર કરી. હાજીદાદા પોતાથી મોટા મીમનજી અને નાના સાજીદાદા સાથે પંચાસિયા રહેવા આવ્યા, તે મોટાફળીવાળા અને વાવવાળા બાદી. અલીભાઈ અને વલીદાદા એક વરસ વાંહે કોઠારીયાથી પંચાસિયા રહેવા આવ્યા, તે પીપળાવાળા બાદી. આપણે અગાઉ જાણ્યું કે તીથવાથી કોઠારીયાને બદલે પીપળીયા, પાંચદ્વારકા અને પછી સૌ પહેલા પંચાસિયા રહેવા આવેલા એ પટેલવાળું પાંખિયું.  

કોઠારીયાથી ત્રણેય ભાઈ પંચાસિયામાં આજે ‘બાદીવાળું ફળી’ તરીકે ઓળખાય છે ત્યાં રહેતા. ઠાઠમાઠ રજવાડા જેવો. ફળીના પ્રવેશદ્વારે ડેલી રાખતા, જેમાં બે બાજુ ઓટા અને ઓટા ઉપર લાકડાની બેસવા માટે ‘પાટ’ રાખતા. મોટી ઉંમરના નિવૃત ગૈઢાઓ ત્યાં બેસતા અને વાતો કરતા. હાજીદાદાની હાક એવી હતી કે કોઇ લફંગા આ ડેલીમાં પગ મૂકવાની હિંમ્મત કરે જ નહિં, જેને કામ હોય તે ડેલીએ ઉભા રહે, અને ત્યાં જ કામ આટોપી ઘરભેગો થાય, એવી સિસ્ટમ હતી. 

પંચાસિયાના સિમાડાના દૂરના ખેતરોમાં બાજુના ગામના માથાભારે તત્વોની રંઝાડ બહુ- ધોળા દિ એ ઢુંમ્મર કપાસના કાલા ચોરી જાય. આવા ચોરને હાજીદાદાએ પરચો બતાવી સીધાદાર કરેલા. ચોરટાઓની સરખી રીતની સર્વિસ કરી અધમુવા કરી મોરબી રાજની હદમાં મૂકી આવે. પછી કાં તો કાયમનું સુખ અને કાં તો ચોર મર્યા વાંકે જીવે. ચોરટાઓ ફડો ખાઈને ચાલે પણ બાદીવારાના ખેતરમાં વાંહા કાબરા થવાની બીકે પગ ન મૂકતા. અગાઉના જમાનામાં બીજા રાજમાં રાજાથી પણ કાંઇ થઇ શકતું નહિં. 

પંચાસિયામાં એક વાવ, (આજે પણ અંશતઃ છે. જે ચારસોથી વધુ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. યુનિવર્સીટીના જુના પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે) આ વાવ વિસ્તાર અગાઉ એટલો ઉંડો હતી કે ઉભેલા સાંઢિયા પણ દેખાય નહિં. વાંકાનેર રાજના સિમાડાનું ગામ, એટલે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં ઘડીકમાં પહોંચવાની તેમને સગવડતા રહેતી. પંચાસિયામાં બાદી રહેવા નહોતા આવ્યા ત્યારે માળિયાના મોવર અટકનો બહારવટિયો કોઈ એક ગામની વાવમાં પાણી ભરવા આવતી બાયુના ઘરેણા લુંટેલા, એવું વાંચવામાં આવેલ છે, તે સંભવતઃ પંચાસિયા હોઈ શકે. 

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટી કે ધાતુના વાસણો નિકળે છે, હાડપિંજરોના અવશેષો પણ નિકળે છે. આથી અનુમાન લગાવાય છે કે આજનું  પંચાસિયું કોઈ જુના ગામ ઉપર વસ્યું છે. જમાના પહેલાની અહીંની વસાહત સંશોધનનો વિષય છે.  

વાલા નામોરીએ પંચાસિયા ભાંગવાને ઇરાદે ગોઝારી નદીમાં પડાવ નાખેલો, પણ પછી ખબરી મારફતે ખબર પડી કે કોઠારીયા મુકામે બનાવેલો ભાઇબંધ હાજી બાદી આ ગામમાં રહેવા આવ્યો છે, એટલે પંચાશિયાને બદલે લાકડધાર ભાંગેલું. એ જમાનામાં લાકડધારનો એક વાણંદ બહુ શાહુકાર હતો, તેનું એક ઘર લુંટેલું. 

હાજીદાદાના દીકરા જીવાદાદા પણ બહુ જોરૂકા હતા. પંચાસિયામાં ત્યારે કેહુભા અને નટુભાનો જમાનો. એક વાર બગીમાં બેસી દિપડાને મારવા બંદૂકથી ભડાકો કર્યો, પણ નિશાન ચૂકાઇ ગયું. દિપડો ખારો થયો. બગી ઉપર તરાપ મારવા પાછો ફર્યો, પણ ત્યાં હાજર રહેલા જીવાદાદાએ દિપડાના માથામાં કુંડિયાળી લાકડીનો એક ઘા માર્યો અને દિપડાનું માથું ફાડી નાખેલું. નસીબજોગે ઘા બરાબર દીપડાના કપાળમાં લાગેલો, ત્યારથી જીવાદાદા પ્રત્યે દરબારનું મન બહુ વધી ગયેલું. કહે છે કે જીવાદાદા સામે એકીટસે કોઈ જોઈ શકતું નહીં, એટલો એમનો તાપ હતો. 

માળિયાના મિંયાણા દાણચોરી કરતી વખતે પંચાસિયાની વાવ વિસ્તારમાં રાતવાસો કરતા. જીવાદાદાના નાનાભાઇ એટલે કે હાજીદાદાના નાના દીકરા મીરાંજીદાદાને આ મિંયાણા દાણચોરીની સિગારેટોના ખોખા પણ આપતા, એવું સાંભળવા મળ્યું છે.  

નુરાદાદાની દફનવિધિ કોઠારીયાની કબ્રસ્તાનમાં અને હાજીદાદાની પંચાસિયા કબ્રસ્તાનમાં થયેલી છે.

અત્યારે વિક્રમ સંવંત 2079  ચાલે છે, સંવંત 1870માં તીથવાથી બાદી, કડીવાર અને ભોરણીયા કુટુંબ પીપળિયારાજ રહેવા ગયેલા. 1882માં પીપળિયારાજથી બાદી કુટુંબ પરાસરા કુટુંબ સાથે પાંચદ્વારકા રહેવા ગયેલું, એવી નોંધ મળે છે . સાજીદાદાની વફાત પાંચદ્વારકામાં અને દફનવિધિ પીપળિયારાજમાં થયેલી. પછી કાળક્રમે બાદીના આ વેલાનો વંશવેલો પાંચદ્વારકા ઉપરાંત, પંચાશિયા, કણકોટ, દેવરી, ટોળ અમરાપર, કોઠારીયા, વઘાસીયા, જાલી, હસનપર, ભલગામ, રસીકગઢ, કેરાળા, સિંધાવદર… ગામોમાં આજે વસે છે. ઇદેમિલાદ મહિનાના બીજા ચાંદે પીપળિયારાજ ગામમાં સાજીદાદાની કબરે વરસો પહેલા આ બધા વેલાના બાદી નિયાઝ કરતા હતા, સમય જતાં અમુક ગામના બાદીએ જવાનું બંધ કર્યું. અમારી પાસે કોઈ લેખિત આધાર નથી, આ ઇતિહાસ સાંભળેલી વાતો આધારિત છે – નઝરૂદીન બાદી. (સમાપ્ત)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!