ગધેડા બનશો નહીં, માણસની જાત રહો- બનો
કોઈ પણ રાજકીય નેતાનું કામ હોય, એક વાત યાદ રાખજો કે તમે ભલે મત આપ્યો હોય, એનો મતલબ એ નથી કે નેતા તમારો ગુલામ થઇ ગયો, કામસર જયારે મળવાનું થાય ત્યારે એમની ઓફિસે કે ઘરે જાવ તો પહેલા દરવાજો ખખડાવવાનો, પોતાનું ઘર સમજી સીધા આંગળીયો ખોલી ફળિયું ટપી રસોડે નહીં પહોંચી જવાનું ! શક્ય હોય ત્યાં સુધી નેતાના ઘરે મળવાને બદલે ઓફિસે જ મળવા જવાનું અને તે પણ આપણા ટાઈમે નહીં, એમના અનુકૂળ સમયે જ જવું. મળતી વખતે “ઓળખો છો? ભૂલી ગયા?” જેવા પ્રશ્નો પૂછી ખોટો સમય બગાડશો નહીં કે નેતાને મૂંઝવણમાં મુકશો નહીં , તમારી ઓળખાણ એમની પાસે માંગવાને બદલે તમે જાતે જ આપો. નેતાઓને જગ આખું ઓળખતું હોય, જરૂરી નથી કે નેતાને બધાના નામ યાદ હોય, “અહીંથી નીકળ્યો હતો, થયું કે મળી લઉ, કામ કઈ નથી” અરે ભલા માણસ, વગર કામે નેતાનો સમય શા માટે બગાડવો? તમારો સમય કિંમતી નહીં હોય, નેતાને હજારો કામો હોય છે…જે કામ હોય તેની પુરી વિગત લખી લેખિત રજુઆત કરો, જેથી નેતા એમની ભલામણ સાથે સંબંધિતને પત્ર મોકલી શકે. જો અગાઉ રજુઆત કરી હોય તો ઓફિસ/ સરકાર તરફથી મળેલ જવાબ અને આનુસંગિક કાગળો સાથે લઇ જવા. નેતાને પાણી ચડાવવા એમના વિરોધીથી કામ ન થયું, એવી ખોટી વાત કરશો નહીં, અન્ય નેતાને જો રજુઆત કરી હોય અથવા તમારા નકારાત્મક મુદ્દા પણ નિખાલસતાથી જણાવવા જોઈએ.
રજુઆત ટૂંકી અને મુદ્દાસર કરવી, આડીઅવળી વાત કરવાને બદલે રજુઆત લાંબી ન ખેંચવી. રજુઆત પુરી થાય કે તરત જ રફુચક્કર થઇ જવું, નેતાને માથે ખોટો બોજ ન બનવું, એમને અકળાવશો નહીં. મોટા માણસ સાથે વધુ ટાઈમ ગાળવાનો મોહ ન રાખવો. ખોટી રીતે બેસી ન રહેવું, ચા કે શરબત સામેથી માંગવાની ભૂલ ન કરવી, નેતા આગ્રહ કરે તો પણ વાત ટાળવી. એમને એમનું કામ કરવા દેવું, એમનો પણ સંસાર કે બિઝનેસ હોય છે…
રજુઆત ફોનથી થઇ હોય તો ઓફિસરનો મળેલો જવાબ કે દોડતી પ્રક્રિયા જણાવવી, અને જો કામ થઇ ગયું હોય તો છેલ્લે એમનો ખાસ આભાર માનો, આ એક સામાન્ય સમજની વાત છે, અનેક વાર ફોન કરનારા છેલ્લે આભાર માનવાનું પણ ટાળે, એ ગધો કહેવાય, માણસની જાત રહો- બનો…
સૌથી અગત્યની વાત એ છે કે જે નેતાએ તમારું કામ કર્યું હોય, તેમની વાહવાહી મતદારોમાં કરો, યાદ રાખો- રાજકીય નેતા નાનો કે મોટો સ્વાભાવિક રીતે જ જશનો ભૂખ્યો હોય છે, એમનું વર્ચસ્વ વધે, મતદારોમાં કાર્યક્ષમતાની છાપ પડે, એ જ લાલસા હોય છે. પછી તે ભાજપનો હોય, કોંગ્રેસનો કે અપક્ષ હોય, એમ માનીને કે વિરોધી ગ્રુપને સારું નહીં લાગે, અથવા હું એ ગ્રુપનો ગણાઈ જઈશ, એમના વખાણ કરવામાં પછી પાની કરશો નહીં, નેતાના ઉત્સાહને મારશો નહીં. એનો ગુણ ભૂલશો નહીં- ગધા બનશો નહીં…