ટોક ઓફ ટાઉન: પોલીસ સૂડી વચ્ચે સોપારી
નામ બહાર આવે- ન આવે તે માટે દેશી દારૂની રેડ બાદ રાજકીય ખેંચતાણ !
વાંકાનેર: મીડિયા અહેવાલ મુજબ તાલુકા વિસ્તારમાં અવારનવાર નશીલા પદાર્થના મોટા જથ્થા સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા પકડવામાં આવતા હોય છે, ત્યારે તાજેતરમાં દેશી દારૂની મેટરને લઈને વાંકાનેરમાં રાજકારણ ગરમાયું છે; તેવી ચર્ચા ચાલી રહી છે અને સૂત્રોના કહેવા મુજબ દેશી દારૂના ધંધા સાથે કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો તેના પરિવારજન સંકળાયેલ હોય તેનું નામ બહાર લાવવા માટે અને તેના નામ ઉપર ઢાંક પીછેડો કરવા માટે થઈને બે રાજકીય જૂથ સામસામે હોય તેવો ઘાટ સર્જાયો છે.
જેથી કરીને પોલીસ સૂડી વચ્ચે સોપારી બની ગયેલ છે ત્યારે તટસ્થ તપાસ કરીને ખરેખર નશીલા પદાર્થના કારોબારમાં સંડોવાયેલ રાજકીય કોઈ વ્યક્તિ અથવા તો તેના પરિવારજનનું નામ બહાર લાવવામાં આવશે કે કેમ આગામી સમય બતાવશે.
દેશના જુદા જુદા રાજ્યમાંથી મોટા પ્રમાણમાં લોકો અહીં આવતા હોય છે અને ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર અને ખેતીવાડી વિસ્તારમાં દેશી દારૂની ડિમાન્ડ ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે, તેવી માહિતી અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે. અત્યાર સુધીમાં મોરબીના જુદા જુદા પોલીસ મથકોની સ્થાનિક પોલીસ તથા એલસીબી અને એસઓજી દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરીને મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આથો તથા તૈયાર દેશી દારૂના જથ્થાને પકડવામાં આવ્યા છે, આટલું નહીં પરંતુ ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ, વિદેશી દારૂ વિગેરે જેવી અનેક નશીલી વસ્તુઓ મોરબી જિલ્લાના કોઈપણ ખૂણે માંગો ત્યારે મળે તેવો ઘાટ અત્યારે મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે.
વાંકાનેર તાલુકો હાલમાં રાજકીય રીતે ચર્ચાનો વિષય બનેલ છે, કારણ કે લોકોમાં થતી ચર્ચા મુજબ વાંકાનેર તાલુકાના કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી અને દારૂની રેડ દરમિયાન કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો તેના પરિવારજનનું નામ સામે આવે તેવી શક્યતા હતી, જેથી કરીને તે રાજકીય વ્યક્તિ અથવા તો તેના પરિવારજનનું નામ સામે ન આવે તેના માટે વાંકાનેરમાં બે જૂથ સામસામે સક્રિય થઈ ગયા છે અને બંને જૂથમાંથી એક જૂથ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા રાજકીય વ્યક્તિ અથવા તો તેના પરિવારજન જે કોઈ હોય તેનું નામ બહાર લાવવા માટે કહેવામા આવી રહ્યું છે.
જો કે, બીજા જુથ દ્વારા ઢાંક પીછેડો કરવા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ દેશી દારૂની રેડ બાદ સૂડી વચ્ચે સોપારી સમાન બની ગયેલ છે, તેવું ચર્ચાઇ રહયું છે અને જીલ્લામાં જો દેશી દારૂની ભઠ્ઠી જેવી નાની બાબતમાં પણ રાજકીય ધમાસાણ થતા હોય તો બીજા કયા કામ રાજકીય ખલેલ વગર થતાં હશે તે તપાસનો વિષય છે.