રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ
મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે
આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે
ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું
મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે વેલડામાં અમરસિંહ રાજાની વેલ લઇ ગયા હતા
આરસપ્હાણ બેલ્જીયમના કાળા, રાજસ્થાનના શ્વેત, અને ઇટાલિયન તો ઈંગ્લેન્ડનું ટાવર અને વેનિસના ઝુમ્મર છે
મચ્છુકાંઠો ને મોરબી, વચ્ચમાં વાંકાનેર; ઈ નર પટાધર નીપજે, ઈ પાણી હૂંદો ફેર.
વાંકાનેરના પાદરમાંથી પસાર થતી જગવિખ્યાત નદી બધાની જીભે રમે છે. 1979 માં ભયાનક તારાજી વેરનાર નદી એટલે મચ્છુ નદી. તે પાણીનો પ્રભાવ છે. તે પાણીના માનવી કંઈક ઓર હોય છે, તે ઉપર મુજબના દુહાથી ખ્યાલ આવે છે. તે નદીના કિનારે આવેલ આશરે સાંઈઠ હજારની વસ્તીવાળા ગામનું ઐતિહાસિક મહત્વ ખુબ જ રહ્યું છે. ગઢીયા ડુંગરની બાજુમાં આવેલ ગામની ફરતે વિશાળ ડુંગરાળ પ્રદેશ આવેલ છે, જે પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.
ખડ, પાણી ને ખાખરા, ખડકાનો નહિ પાર; વગર દીવે વાળુ કરે, તે દેવભૂમિ પાંચાળ.
વાંકાનેરનો અમુક પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં પાંડવો રહેલા તેવી પવિત્ર ભૂમિનો કંઈક ઓર જ હોય. અહીંની મુખ્ય વસ્તી હિન્દૂ- મુસ્લિમ જ્ઞાતિની છે. આ શહેર મુખ્ય સ્થાપક શાહબાવા- નાગાબાવાના ગામ તરીકે ઓળખાય છે.
વાંકાનેરના રાજવી તરીકે ઝાલા પરિવાર વર્ષોથી પોતાનું રાજ ચલાવી પ્રજાપ્રેમી રાજા બની ગયા. અહીંના રાજા કે જેમણે વાંકાનેરને અનેકવિધ સુવિધા પૂરી પાડી ને વાંકાનેરને કિલ્લેબંધ વસાવ્યું. તેની અંદર પોતાનો મહેલ બનાવેલ. જે જગ્યાએ અગાઉની મામલતદાર ઓફિસ અને પ્લે હાઉસ સિનેમા આવેલ છે, તે અમરસિંહજી ઝાલાએ વસાવ્યું હતું, પણ પછી તેઓને વધુ આધુનિક સુવિધાપૂર્ણ ગામના પાદરમાં અનેરો મહેલ બનાવવો, તેવી કલ્પના થતા તેમણે વાંકાનેરના ગઢીયા ડુંગરની ટેકરી ઉપર જમીન સમતળ બનાવી.
વિશાળ જગ્યામાં આ અદ્દભૂત બેનમૂન મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે. ભોંયતળિયાથી બે મજલા સુધી આ મહેલે વિશાલ જગ્યા રોકી છે. ઇટાલિયન આરસપ્હાણ, બેલ્જીયમના કાળા આરસપ્હાણ, રાજસ્થાનના શ્વેત આરસપ્હાણ, ઈંગ્લેન્ડથી મંગાવેલું ટાવર, કિંમતી કાચ ઝડેલી વિશાળ બારીઓ, વેનિસના ઝુમ્મર, કાંસાની કલાકૃતિઓ, વિવિધ પ્રકારની તલવારો અને ભાલાઓ, ચાંદીનું ફર્નિચર તથા બીજી અનેક અલભ્ય અને કિંમતી ચીજવસ્તુઓથી છલકાતો ભવ્ય રણજિત વિલાસ પેલેસ વાંકાનેર ગામમાં ઠીકઠીક ઊંચાઈએ આવેલો છે. મુંબઈથી ટ્રેનમાં રાજકોટ આવતા બારીમાંથી આ મહેલના દર્શન થાય છે.
વાંકાનેરના અંતિમ રાજા મહારાણા રાજ સાહેબ અમરસિંહે 1907 માં આ નવા મહેલનું શિલારોપણ કર્યા પછી 20 વર્ષે 1927 માં એ તૈયાર થયો હતો. અત્યારે સાંસદ કેસરીદેવસિંહ આ ભવ્ય મહેલમાં રહે છે. આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થાય છે. જેમાં ગુજરાતી ફિલ્મ રાજરતન અને નસીરુદીન શાહની હિન્દી ફિલ્મ પનાહ ઉલ્લેખનીય છે. (રાજરતનના કલાકારોના ઇન્ટરવ્યૂ લઈને અમે છાપેલ હતા)
ઝાલા રાજપૂત વંશના 13 મા રાજવી અમરસિંહે વાંકાનેરમાં સ્થાપત્યના કલાત્મક નમૂનારૂપ એવા આ મહેલને આકાર આપ્યો. એટલું જ નહીં, તેને પોતાના ખાસ દોસ્ત અને સગપણમાં દૂરના ભાઈ થતા વિશ્વના મહાન ક્રિકેટર જામ રણજિતસિંહના નામ પરથી રણજિત વિલાસ પેલેસ નામ આપ્યું. મહેલની જોડાજોડ આવેલા રોયલ ગેસ્ટ હાઉસને કચ્છના ભૂતપૂર્વ શાષક મહારાવનું નામ આપવામાં આવેલ છે. જયારે ઝનાના મહેલને રાજકોટના શાષક લાખાજીરાજનું નામ આપવામાં આવેલ છે.
રણજિત વિલાસ પેલેસથી દોઢ કિલોમીટર દૂર નદી કિનારે 33 એકર વિસ્તારમાં 12 રૂમની વૈભવશાળી (નવી વાડીમાં) ઇમારત ખડી છે, જે તમામ આધુનિક સવલતોથી સજ્જ છે. અહીં પ્રવાસીઓ માટે હેરિટેજ ઉભી કરવામાં આવી છે. પ્રવાસીઓ અહીં મ્યુઝિયમ, જૂની મોટરો, તેમજ બીજી અનેક ચીજવસ્તુઓ નિહાળી શકે છે. સોરાષ્ટ્રમાં નાના નાના શહેરોમાં આવા એક નહીં, અનેક મહેલો આવેલા છે, જ્યાં દેશ-વિદેશની અનન્ય કૃતિઓ સંઘરાયેલી છે. રણજિત વિલાસ પેલેસના તમામ ગાલીચાઓ ખાસ મહેલ માટે મીરઝાપુરના કારીગરોએ બનાવ્યા હતા. એક જમાનામાં ભારતના રાજવીઓના માનીતા મુંબઈના જોહન રોબર્ટસ એન્ડ કંપનીવાળાઓએ પેલેસનું ફર્નિચર બનાવ્યું હતું. મહેલના ઉપરના ભાગે જવા માટે વિશાળ લિફટ તે સમયમાં બનાવી હતી, જયારે કોઈએ નામ નહોતું સાંભળ્યું ! જો કે તે અત્યારે બંધ હાલતમાં છે.
વાંકાનેરના રાજ યુવરાજસિંહ ઝાલાએ શિકાર કરેલ જંગલી કદાવર હાથીના દાંત ડ્રોઈંગ રૂમમાં રાખવામાં આવેલ છે. તેમ જ તે હાથીની સાથે રાજ યુવરાજસિંહે ફોટો પડાવેલ, તે હાથીદાંતની વચ્ચે જોવા મળે છે. યુવરાજસિંહને જાતવંત અશ્વોનો શોખ હતો. આ પેલેસમાં રાખવામાં આવેલ સિંહ, વાઘ, રીંછ, જંગલી ભેંસો હજુ પણ સાવ સાચા જ લાગે છે.
વિશાળ ઝુમ્મરો, અહીંના રાજના વિશાળ કદના પેઇન્ટિંગ કરેલા ફોટાઓ, ફર્નિચર, કોંકરી, જુનવાણી ઘડિયાળ તેમજ મહેલમાં આવેલ કલાત્મક ખુરશીઓ ખાસ જોવા જેવી છે. મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે વેલડામાં અમરસિંહ રાજાની વેલ લઇ ગયા હતા.
દૂરથી આ મહેલ જોતા જ તાજમહેલ જેવો લાગે છે. વિશાળ ત્રણ ટાવર હતા, ઉપરના ભાગે સફેદ ગુંબજ હતો, જે ધરતીકંપમાં પડી ગયેલ છે. વચ્ચે ગુંબજમાં ચારે બાજુ ચાર ઘડિયાળો રાખવામાં આવેલ હતી. જે કિલોમીટર દૂરથી દેખાતી. ચોમાસામાં આ મહેલની ચારે બાજુ લીલીછમ હરિયાળીથી અનેરું દ્રશ્ય જોવા મળે છે.
વાંકાનેર રાજના લોગામાં બંને બાજુ સિંહ- હાથમાં ધજા- વચ્ચે બાણનું ચિન્હ, અંદરના ભાગે અંગ્રેજીમાં ઈન ગોડ ઇઝ માય ટ્રસ્ટ વાંકાનેર લખેલ છે. પેલેસના તમામ કાચમાં તેમ જ બારી બારણામાં, દરવાજાની આગળની ભાગે વિશેષ જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ વડોદરાના ગાયકવાડ સ્ટેટને 21 ગનની સલામી મળતી. કચ્છને 17 ગનની તથા ભાવનગર, જૂનાગઢ, ધ્રાંગધ્રા પોરબંદર,રાજપીપળા અને પાલનપુર સ્ટેટને 13 જયારે વાંકાનેર સ્ટેટને 11 ગનની સલામી મળતી. દરેક સ્ટેટની પાઘડીની બાંધણી પણ અલગ અલગ રહેતી. જેના પરથી પોતાના સ્ટેટની ઓળખ મળતી. હવે તે ફક્ત ફોટામાં જ જોવા મળે છે.
વાંકાનેર રાજે 96 વર્ષ પહેલા બાંધેલો આ મહેલ જોવો એ એક લ્હાવો છે. આ મહેલ ચાર વર્ષ પછી પૂરા એકસો વરસનો થશે. ઘણા જુના ઐતિહાસિક મહેલો ધૂળ ખાય છે, જર્જરિત થઇ ગયા છે. વાંકાનેરના રાજવી વંશજોએ આ મહેલની સારી સંભાળ રાખી છે. સૌરાષ્ટ્રના રાજરજવાડાઓ પણ સ્થાપત્ય સૂઝ ધરાવતા હતા, તે જો નિહાળવું હોય તો વાંકાનેરનો મહેલ એક વાર અચૂક નિહાળજો.
સંપાદિત: નઝરૂદીન બાદી (78743 40402) વિનંતી: જો આપની પાસે વાંકાનેરને લગતો જુના જમાનાનો કોઈ ઇતિહાસ, કોઈ પુસ્તક, કોઈ માહિતી હોય તો અમને જાણ કરવા વિનંતી છે.