વાંકાનેરવાસીઓમાં આનંદની લાગણી
ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મહોર મારી છે. આજે બન્ને 2 વાગ્યે ગુજરાત વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

કેસરીદેવસિંહને 2011માં વડાપ્રધાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો
કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કેસરીદેવસિંહને કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

કેસરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું
આ ઉપરાંત કેસરીદેવસિંહે 2014, 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ સંભાળી હતી. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે. કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. વાંકાનેર સ્ટેટના રાજવી દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેસરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
