રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે
રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે
વાંકાનેરના સ્થાપક રાજ સરતાનજીએ 1605 થી 1632 સુધી સત્તાવીશ વર્ષ વાંકાનેર પર રાજ કરેલું, સરતાનજીના બીજા ત્રણ ભાઇઓમાં મોટા રાજાજી- જેમણે ત્રણ ગામ મળેલા. રાતીદેવરી, માટેલ અને ગીડચ. બીજા નંબરના ઉદયભાણજી- જેમને સરધારકાની ઉગમણી પાટી અને ત્રીજા નંબરના બાલુ- જેમને સરધારકાની આથમણી પાટી ફટાયા તરીકે આપવામાં આવેલી.
તે પછી વખત જતા રાજાજીને મળેલું ગીડચ ગામ મોરબી રાજમાં ગયેલું. રાજાજી સન ૧૬૧૦માં રાતીદેવરીનો વહીવટ સંભાળતા. ભીમગુડાની લડાઇમાં રાજ સરતાનજી હળવદ રાજ સામે 1632 માં કામ આવ્યા. સરતાનજીના રાણીસાહેબા રાજાજીના ભાભી થતા હતા. જેથી વાંકાનેરનો વહીવટ કરવા દરરોજ વાંકાનેર જતા હતા. અમુક સમય પછી ભાભી અને દેર વચ્ચે વડારણ અને બીજા કામવાળાની ચડામણીમાં વાંધો પડયો.
જેથી રાજાજીએ રાતીદેવરી અને રાજ છોડી વઢવાણ બાજુના ખોડુ ગામના ૬ ગામ જીતી ત્યાં ગાદી સ્થાપી. ત્યાર બાદ વઢવાણ તળમાં મૈયા લોકોનું રાજ હતું, તેને હરાવી વઢવાણમાં રાતીદેવરીના રાજાજીએ ઝાલા વંશની 1630 માં સ્થાપના કરી. તે વંશ હાલમાં પણ ‘રાતીદેવળીના વંશ’ તરીકે ઓળખાય છે.
ઈતિહાસમાં એવી પણ માહિતી મળે છે કે વઢવાણ ઉપર પૃથ્વીરાજસિંહના વખતમાં બાદશાહે કબજો કર્યો હતો. એ પછી વઢવાણમાં આયર પટેલ સત્તા ચલાવતો હતો. ખંડણી લેવા બાદશાહનું લશ્કર આયર પાસે આવ્યું ત્યારે તેણે ખરા માલિક રાજાજી છે, એમ કહ્યું. રાજાજીને અમદાવાદ લઇ ગયા. તેઓ વઢવાણના આધિપતિ છે, કુટુંબીજનોના વિખવાદમાં એવું માન્ય રહ્યું.
રાજાજીએ વિ.સ. 1630માં વઢવાણની ગાદી સ્થાપી. તેર વર્ષ પછી વિ.સ. 1643માં અવસાન થતા ઇડરવાળા મહારાણી શ્યામકુંવરબા સતી થયા.

રાજાજીનું અવસાન થતા મોટા કુંવર સબળસિંહજી ગાદીએ બેઠા. પરંતુ તેમના નાના ભાઈ ઉદેસિંહજી તેમને મારી નાખી ગાદી સંભાળી લીધી. તેમના વંશે આઝાદી સુધી રાજગાદી ભોગવી. રાજાજીના ત્રીજા કુંવર ભાવસિંહ (જાલમસિંહ)ના કુંવર માધવસિંહજીને નાનતાની જાગીર મળેલી અને તેઓ બુંદી-કોટા (રાજસ્થાન)ના સેનાપતિ થયેલા.
રાતીદેવરીના ઝાલા કૂળનાં વંશજો પૈકી જાલમસિંહના પૌત્ર મદનસિંહ (બીજા)એ કોટા રાજ્યના ૧૭ પરગણા વાળુ ઝાલરા પાટણનું રાજ્ય મેળવેલું.
માધવસિંહના બીજા કુંવર અર્જુનસિંહે ભગતસિંહને હણી વઢવાણની ગાદીએ બેઠા. તેઓ વિ.સ. ૧૭૯૫માં ગુજરી જતા તેમના હાડી રાણી દેવકુંવરબા સતી થયા. યાદગીરી માટે રાણેકદેવીના દેવળ પાસે વઢવાણમાં સ્મારક બનાવવામાં આવેલું છે અને હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે.
જ્યારે રાતીદેવરીના રાજાજીની ત્રીજી પેઢીના કુંવર અભેસિંહજીએ ચુડા (જીઃ સુરેન્દ્રનગર)માં વિ.સ. 1707માં ગાદી સ્થાપેલી. રાજાજીની ત્રીજી પેઢીના જ કશળસિંહજી વાંકાનેર રાજની મદદે કુટુંબના નાતે આવેલા અને મરાયા હતા.
વઢવાણથી રાજસ્થાનમાં બડી સાદડી, છોટી સાદડી, ગોગુદા રાજમાં ફટાયા તરીકે ઉતર્યા. તે મૂળ રાતીદેવરીના જ વંશ જ છે. રાજ સરતાનજીને આઠ કુંવર હતા. જેમાંથી રાયસિંહજી સૌથી મોટા વાંકાનેરની ગાદીએ બેઠેલા. (૨) ભીમજી- કણકોટ (૩) ભાણજી- વઘાસીયા (૪) અગરસિંહજી રાતીદેવરી જેને ત્રણ દીકરા જેસંગજી, લાખાજી અને કરણજી, પણ તેમનો વસ્તાર અત્યારે રાતીદેવરીમાં નથી. (૫) વીશાજી- ખેરવા (૬) વીરમજી – રાતીદેવરી (૭) રતનજી – ખેરવા અને સૌથી નાના (૮) હરદાસજી.
રાતીદેવરીના વીરમજીને ચાર દિકરા હતા. (૧) પ્રતાપસિંહ (૨) પંચાણજી (૩) સુજોજી અને (૪) રાયધરજી. હાલમાં રાતીદેવરીના ઝાલા દરબારો પ્રતાપસિંહજીના વંશજો છે. પંચાણજીના દીકરા રણમલજી અને રણમલજીના દીકરા એટલે જ જેઠીજી.
જેઠીજીડાડાનાં લગ્ન મૂળી ગામનાં ખેંગારજી ભાલાજી પરમારનાં કુંવરીબા રૂપકુંવરબા સાથે આશરે સન ૧૮૨૫ થી ૧૮૬૦ની આસપાસ થયા હતા. વણઝારણોની ધિંગાણાંમાં જેઠીજીડાડા કામ આવી ગયા હતા, માથા વગરનું ધડ લડેલું. (જે ઐતિહાસિક કિસ્સો ભવિષ્યમાં આપીશું) જેઠીજીડાડાના આ માઠા સમાચાર વાંકાનેર દરબારગઢમાં જયારે બહેન સુજબાઇએ સાંભળ્યા, ત્યારે જે મેડીમાં હતા, ત્યાંથી નિચે પડતું મૂકયું. નિચે બ્રાહ્મણ ડોશીમાં બેઠા હતા, તેના ખોળામાં પડયા, પણ બન્નેનાં પ્રાણ નિકળી ગયા. હાલમાં જૂના દરબારગઢમાં ઘટના બની હતી, જ્યાં મામલતદાર ઓફિસ હતી, તેના ઉપરનાં માળે બીજી કે ત્રીજી બારીએથી પડતું મૂકયું હતું, તેમ વડીલોનું કહેવું છે.
રાતીદેવરીમાં ઝાલા કુંટંબની દીકરીને જયારે સાસરે વળાવાય ત્યારે હાલમાં સુજબાઇ (માતા)ને પગે લગાડીને શ્રી ફળ, ચુંદડી, પ્રસાદ વગેરે વિધિ કરીને પછી જ વળાવવાની પ્રથા ચાલુ છે. જેઠીજીડાડાના પરચા અત્યારે ચાલુ જ છે. રાતીદેવરીના ઝાલા કુટુંબના દિકરાના લગ્ન બાદ પત્નિને ઓધાન રહ્યાની જાણ બે કે ત્રણ માસે થાય એટલે સ્ત્રીને માથાબોળ નહાવાનું નહિં.
જ્યારે સાત માસે ખોળો ભરે (શ્રીમંત થાય), ત્યારે માથાબોળ નહાવાનું હોય છે. છતાં ત્રણ- ચાર માસ સુધી સ્ત્રીના માથાના વાળ એવા ને એવા (સુંવાળા) રહે છે. જે સ્ત્રી આ રીતે ન વર્તે તેના માથાના વાળ ચોંટી ગયાના કિસ્સા પણ બન્યાનું ગામલોકોનું કહેવું છે (ક્રમશ:) માહિતી સ્ત્રોત: જયદીપસિહં ઝાલા -રાતીદેવરી.