કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સણોસરા (તા: રાજકોટ) એક ભૌગોલિક અધ્યયન

આ ગામનું તોરણ સુમરા લોકોએ બાંધેલ

કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલને સણોસરામાં ઉતારા તરીકે ઓળખાતા ઓરડામાં નજરકેદ રાખવામાં આવ્યા હતા

આ નાનકડા ગામમાં પણ ત્રણ સ્વતંત્ર સેનાની થઇ ગયા. જેમાં પ્રેમજીભાઈ મુગલપરા, અહમદભાઈ શેરસીયા અને અરજણભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે

વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામના રહીશ અને હાલમાં ઉપલેટામાં હાઈસ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતા ગુલાબ જે. માણસિયાએ વર્ષ 1998 માં એમ.એ. ના અભ્યાસના ભાગરૂપે ડિક્ટેશનના વિષય તરીકે રાજકોટ તાલુકાના સણોસરા ગામને પસંદ કરેલ, અને ભૌગોલિક અધ્યયન કરેલ. એમણે આંકડાકીય માહિતી એકઠી કરીને એક ઝેરોક્ષ બુક તૈયાર કરેલ હતી, જેમાં ગ્રાફો દ્વારા પણ આલેખન કરેલ છે. ખૂબ મહેનત કરીને તલસ્પર્શી માહિતી આપી છે.

નીચે આપેલ માહિતી તે બૂકના આધારે સાભાર પ્રગટ કરીએ છીએ. તમામ આંકડાકીય માહિતી 1998 ના સમયની છે.

વાંકાનેર રાજકોટ રોડથી 2 કી.મી. દૂર, કુવાડવાથી 10 કી.મી. અને રાજકોટથી 16 કી.મી. દૂર સણોસરા ગામની ઉત્તરમાં ખેરવા, દક્ષિણમાં ખીજડીયા, પૂર્વમાં રામપર અને પશ્ચિમમાં ખોરાણા ગામ તથા વાયવ્ય દિશામાં ડેમા નો ડુંગર આવેલો છે. સમુદ્ર તટથી 225 મિટર ઊંચા અને 22.42 અંશ ઉત્તરથી 22.45 અંશ ઉત્તર અક્ષાંશ તથા 70.72 અંશ પૂર્વ 70.75 અંશ રેખાંશ વચ્ચે આવેલા અને ઉત્તરમાં રહેલા કર્કવૃતથી નજીકના આ ગામનો કુલ વિસ્તાર 4934 એકર જેમાં 76 % માં ખેતી થાય છે. ફળદ્રુપ, અસમતલ, તાસ અને ભૂખરા રંગની કુલ જમીન 4934.31 એકર છે, જેમાં ખેડાણ જમીન 3786.27 (76.73%), ગૌચર 879.31 (17.81 %). ખેડી ન શકાય તેવી 101.29 (2.04 %), સડક માર્ગ 71.02 (1.43 %) અને અન્ય જમીન 94.02 એકર (1.88 %) જમીનનો ઢાળ પૂર્વથી પશ્ચિમ તરફ છે. 10 થી 30 ફૂટે કાળો પથ્થર આવે છે. બોર હજાર ફૂટથી વધુ ઊંડા કરવા પડે છે.

ખેતી પાકોના ઉત્પાદનમાં મગફળીનું વાવેતર 2100.02 એકરમાં ઉત્પાદન 75600 મણ; કપાસ 719 એકરમાં ઉત્પાદન 38826 મણ; બાજરી 175 એકરમાં ઉત્પાદન 7175 મણ, જુવાર 259.04 એકરમાં ઉત્પાદન 5957 મણ, ઘઉં 533.21 એકરમાં ઉત્પાદન 6129 મણ અને અન્ય 533.21 એકરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. કોથમરી પણ વાવવામાં આવે છે.

 

સણોસરામાં છકડા રીક્ષા 26, ટ્રેકટર 12, નાના મોટા મેટાડોર 6, ટ્રક 2 અને મોટર સાયકલ 138 હતા. કરિયાના અને પાનના ગલ્લા 14, જંતુનાશક દવા 4, લુહાર 2, મોચી 2, દૂધ ડેરી 2, ઈલેક્ટ્રોનિક 1 અને સોનીની 1 દુકાન હતી.

 

સણોસરા ગામનું કુલ ક્ષેત્રફળ 17 ચો.કી.મી. માં પટેલ, મુસ્લિમ, કોળી, ભરવાડ, હરિજન મળીને 1998 માં વસ્તી 2443 ની હતી, એટલે કે દર ચો.કી.મી. લગભગ 143 જેટલી વસ્તી ગીચતા છે. 1988 થી 1997 વચ્ચે દશ વર્ષમાં 484 એટલે કે વર્ષે 48 વ્યક્તિનો સરેરાશ વધારો થયેલ હતો. 1997 માં જન્મ 87, મૃત્યુ 16 એટલે કે વૃદ્ધિ દર 2.90 % હતો. સ્ત્રીઓ 1223 સામે પુરુષો 1220 ની સંખ્યામાં 14 વર્ષથી નાના બાળકો વધુ અને 60 વર્ષથી મોટાનું પ્રમાણ ઓછું હતું.

 

કુલ 2443 (100 %) વસ્તીમાં પટેલ 1182 (48.38 %), મુસ્લિમ 598 (24.47 %), હરિજન 369 (15.10 %), ભરવાડ 105 (4.29 %) અને અન્ય 189 (7.73 %) હતા. જો કે અત્યારે આ આંકડામાં અત્યારે ફેરફાર હોઈ શકે છે. ખેડૂત 822 (33.64 %), ખેત મજુર 177 (7.24 %), ગૃહ ઉદ્યોગ 280 (11.46 %), વેપારી 75 (3.06 %), વાહન વ્યવહાર 75 (3.06 %), અન્ય પ્રવૃત્તિ 83 (3.39 %) અને કામ નહીં કરનારા 937 (38.10 %) હતા. ગામમાં આવેલ બે આંગણવાડીમાં 62 બાળકો, કન્યા શાળામાં 198, પ્રાથમિક શાળામાં 243 માધ્યમિક શાળામાં 56 ની સંખ્યા 1998 માં હતી. ગામમાં કુલ 468 વીજ જોડાણ લીધા છે, જેમાં ઘર વપરાશના 388, ઔદ્યોગિક 5, ફ્લોર મિલ 1, ખેતીવાડી 32 અને સ્ટ્રીટ લાઈટના 42 જોડાણનો સમાવેશ થાય છે.

 

સણોસરા ગામની સ્થપના ક્યારે થઇ, તેનો ચોક્કસ સમય તો જાણવા મળતો નથી, પણ આ ગામનું તોરણ સુમરા લોકોએ બાંધેલ, એવું ગામલોકો કહે છે. આ સુમરાઓ રાજાશાહીમાં રાજાઓને વફાદાર હતા. જુણાબા નામના સુમરા રાજકોટમાં રાજાના જેલર હતા. વફાદારીને કારણે જુણાબાને રાજા બાવાજીરાજે 300 વીઘા જમીન પણ ખેતી માટે આપેલ.
રાજકોટના રાજવી બાવાજીરાજના પુત્ર લાખાજીરાજે આ ગામને તેમની બહેનને કાપડામાં આપેલ. ત્યારથી આ ગામનું નામ બાઇનું સણોસરા પડયું છે. લાખાજીરાજના બહેનને કોઈ સંતાન ન હોવાથી છેવટે આ ગામ અંગ્રેજોએ ખાલસા કરાવ્યું. અંગ્રેજો જયારે ભારત પર રાજ કરતા તે સમયે કસ્તુરબા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ આઝાદીની ચળવળના ભાગરૂપે રાજકોટ આવવા નીકળ્યા, પરંતુ તેમને વચ્ચેથી જ અટકાવી ધરપકડ કરી સણોસરામાં ઉતારા તરીકે ઓળખાતા ઓરડામાં પાંચ- છ દિવસ નજરકેદ રાખવામાં આવ્યા હતા. પછી ત્રંબા લઇ જવામાં આવ્યા હતા.

 

આ સમય દરમ્યાન કસ્તુરબા અને અન્યોને કોઈને મળવા દેવામાં આવતા નહીં. છતાં પણ જાસા ચીઠી દ્વારા લોકો તેમની સાથે વાત કરી લેતા અને આદેશ મુજબ આગળ વધતા. ખુશી અને આશ્ચર્યની વાત એ છે કે સણોસરા ગામના લોકોએ પણ આઝાદીની લડતમાં હિસ્સો આપ્યો છે. સભા અને સરઘસો કાઢી અંગ્રેજો અને આપખુદશાહી પ્રત્યે વિરોધ દર્શાવતા. આ નાનકડા ગામમાં પણ ત્રણ સ્વતંત્ર સેનાની થઇ ગયા. જેમાં પ્રેમજીભાઈ મુગલપરા, અહમદભાઈ શેરસીયા અને અરજણભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે.

તારીખ: 3 જી ફેબ્રુઆરી 1939 ના દિવસે રાજકોટ આવેલા કસ્તુરબા અને મણીબેનના હાથમાં રાજના પોલીસ ઉપરીએ રાજકોટમાં પ્રવેશબંધી ફરમાવતો કાગળ મૂકી દીધો, તે વખતે જંક્શન એજન્સીમાં આવતું હતું, એટલે એજન્સીની હદ સુધી હજારો સ્ત્રી-પુરુષોએ ગાંધીજીની જયજયકાર કરતું સરઘસ કાઢ્યું, હદ પૂરી થતા તેમને ગિરફ્તાર કરી રાજકોટથી સણોસરા ગઢમાં કેદ કરી લેવાયા. આ એક ઐતિહાસિક ઘટના છે.

(સણોસરામાં વસતા મોમીનો વાંકાનેર તાલુકા સાથે સામાજિક રીતે સંકળાયેલા છે, આથી એમના વિશેનો ઇતિહાસ ભવિષ્યમાં લખવાની ગણતરી છે). સંપાદક: નઝરૂદીન બાદી (78743 40402)

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!