કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેર

વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી

બંધારણ સભામાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા

વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના પોપટભાઈ પુંજાભાઈ શાહે કરી હતી, ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી

વાંકાનેરમાં મચ્છુ નદી પરનો રેલવેનો પુલ બોમ્બથી ઉડાવવા માટે બોમ્બ મૂકવાનો ગુન્હો કરવા સબબ કાંતિલાલ કશળચંદની ધરપકડ થઇ હતી

આઝાદીના જંગમાં ભાગ લેનારાઓમાં મિલ કામદારો મનજીભાઇ ધરોડિયા, હસનપરના અલીભાઈ અમીરભાઈ, જકસી મંગા, હમીરખાં કરીમખાં, જુસબશા મોગલ, ઇસ્માઇલ ખોખર, ઉંમર જલાલશા જીનવાળા, કાસમ અહમદ કુરેશી, નારણભાઈ ગોવિંદભાઈ, ગોકળભાઇ કાળાભાઇ, ગોવિંદભાઇ રાણાભાઇ, ઘેલાભાઈ પુંજાભાઈ, શાળખાતાના રવિશંકરભાઈ વગેરે હતા
દરબારગઢમાં અમરસિંહ બાપુએ પ્રજાજોગ સંબોધન કર્યું, આ પ્રસંગે શેઠશ્રી છગનલાલ, ચતુરભાઈ, ભગવાનજીભાઈ ભાઈચંદભાઈ સંઘવી, તીથવાના નાનાભાઈ અલીભાઈ પટેલ, વાંકિયાના માથકીયા હાજી ગાજી તથા સિંધાવદરના શ્રી રણવીરસિંહજી રણમલસિંહ ઝાલા હતા- રાજકોટમાં સણોસરાના આહમદ પટેલે ભાષણ કરેલું. સ્ત્રીઓમાં શારદાબેન શાહ, ભક્તિ બા, દુર્ગાબેન ભટ્ટ, કસ્તુરબેન કવિ, પુષ્પાબેન મહેતા મુખ્ય છે. વાંકાનેર તાલુકાના ખીજડિયાના શેરસીયા  નુરમામદ હસન (સુધરેલ પટેલ), લુણસરના કલ્યાણ પીતાંબર, સિંધાવદરના આહમદ ચૂડગર, ગારીયાના હેમત ગાડગીલ, (ઉઘાડપગા), પાજના સિપાઈ જીવા અભરામ, નરસિંહદાસ પીતાંબરદાસ રાચ્છ, વૃજલાલ હિરજી ભાવસાર, મુળુભાઈ (વોરાવાડ), અને રતિલાલ હરિલાલ વેદ (મોચી વેદ) હતા

વીસમી સદી પૂર્વાર્ધને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે જે રાષ્ટ્રીય ચળવળ ચાલી તેની સિદ્ધિ અને વિકાસનો યુગ ગણવામાં આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળ મુખ્યત્વે બ્રિટિશ ભારતમાં થઇ છે, પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. બ્રિટિશ ભારતના પાડોશમાં આવેલા દેશી રાજ્યોમાં આ ચળવળના પડઘા પડયા હતા. ભારતમાં કુલ 562 દેશી રાજ્યો હતા. જયારે સૌરાષ્ટ્રમાં કુલ 222 રાજ્યોની પ્રજાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શું ભાગ ભજવ્યો હતો, તે જાણવું ખુબ જ જરૂરી છે.
બ્રિટિશ ભારત અને દેશી રાજ્યોની પ્રજામાં કોઈ સાંસ્કૃતિક ભેદભાવ નહોતા, પરંતુ બંનેના રાજ્ય વહીવટમાં ખુબ જ અસમાનતા હતી. 562 દેશી રાજ્યો ભારતના કુલ વસ્તીનો ચોથો ભાગ (લગભગ આઠ કરોડ) હતા. સૌરાષ્ટ્રના 222 રાજ્યો 22 હજાર ચો. માઈલ વિસ્તારમાં અને 22 લાખ વસ્તી ધરાવતા હતા. જયારે વાંકાનેર રાજ્ય 425 ચો. માઈલ જેટલા વિસ્તારમાં 101 ગામડાઓમાં અને 35,000 વસ્તી ધરાવતો વિસ્તાર હતો.

1857 ના બળવા પછી, 1885 માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થતા રાષ્ટ્રીય ચેતનાનો સંચાર શરૂ થયો. મોટા ભાગના દેશી રાજ્યોની પ્રજા તેમાં ભાગ લેવાથી દૂર રહી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને વાંકાનેર જેવા રાજ્યોને બાદ કરતા અન્ય દેશી રાજ્યોમાં ઈજારાશાહી અને આપખુદ શાષન હતું. પ્રજાનો અવાજ રૂંધાઇ ગયો હતો.
મહાસભાના શરૂઆતના અધિવેશનો, બંગભંગ ચળવળ, સ્વદેશી ચળવળ વગેરે બનાવોની વિચારસરણીવાળું સાહિત્ય દેશી રાજ્યોની પ્રજા ગુપ્ત રીતે મેળવીને વાંચતી હતી. આ સમયે કચ્છના શ્યામજી ક્રષ્ણ વર્મા અને લીંબડી તાબાના કંથારીયાના સરદારસિંહ રાણા લંડનમાં અને પછીથી પેરિસમાં ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા. 1915 માં દ. આફ્રિકાથી ભારત આવી ગાંધીજી સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હતા. 16-10-1915 ના વઢવાણ સ્ટેશને દરજી મોતીભાઈ પરમાર તેમને મળ્યા. ગાંધી યુગની ગંગા ઝીલનાર એ પ્રથમ હતા.
આમ, બીટીશ હિંદના પગલે પગલે સૌરાષ્ટ્રમાં જાગૃતિ આવી રહી હતી. સમય પારખી કેટલાક દેશી રાજ્યોએ ‘પ્રજા પરિષદ’ જેવી સંસ્થાઓની રચના કરી હતી. આ પ્રજા પરિષદ શરૂમાં તો હાજી-હા કરનાર મંડળ હતું; પરંતુ સમય જતા જવાબદાર રાજ્યતંત્ર માટે માંગણી શરુ થયેલી. પશ્ચિમ ભારતમાં વડોદરા રાજ્યે 1916 માં પ્રજામંડળ સ્થાપ્યુ, જેના ત્રણ અધિવેશનો અમરેલીમાં થયા હતા. સૌરાષ્ટ્રમાં 1917 માં ભાવનગર રાજ્યે પ્રજા પ્રતિનિધી સભાની રચના કરી. જામનગર રાજ્યે 1919 માં સલાહકાર કાઉન્સિલ સ્થાપી. વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી. રાજકોટમાં 1923 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થપાઈ.

વાંકાનેરના મહારાજા અમરસિંહજીએ પ્રજા પ્રતિનિધિ સભા માટે આપેલ પ્રોત્સાહન અવિસ્મરણીય છે. તેઓ ઇંગ્લેન્ડના રાજકારણથી પરિચિત હતા. 1919 માં પ્રથમ વિશ્વવિગ્રહના અંતે પ્રજામાં આવેલી જાગૃતિથી તેઓ પરિચિત હતા. 3-7-1921 ના રોજ પ્રથમ સભા મળી. તેનું બંધારણ હતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અઢાર સભ્યો અને બીજા આઠ અધિકારીઓ સહીત છવ્વીસ સભ્યો તેમાં હતા. જેમાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા. વાંકાનેરમાં લગભગ દશ વર્ષ સુધી આ સભાએ કામ કર્યું. વરસમાં ચાર વખત મિટિંગ મળતી. વાંકાનેરમાં રાજકીય શાંતિ હોવા છતાં અમરસિંહજી બાપુએ પોતાની પ્રજાને સામે ચાલીને આ તક આપી હતી.
સ્થપાયેલ કાઠિયાવાડ રાજકીય પરિષદથી પ્રથમ વાર સૌરાષ્ટ્રવાસીઓનાં સમગ્ર જીવનને સ્પર્શતા પ્રશ્નો માટેની સંસ્થા રચાઈ. સૌરાષ્ટ્રના રાજકારણનું એ સિમાચિહન ગણાય છે. વર્ષો પછી સૌરાષ્ટ્ર આળસ મરડી બેઠું થયું હતું. આ પરિષદથી સૌરાષ્ટ્રના બંધિયાર વાતાવરણમાં નવી હવા પેદા થઇ. વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની શાખા હતી. શ્રી પોપટભાઈ પુંજાભાઈ શાહ જે હેડ માસ્તર હતા, તે અને તેમના પુત્રો આ સાથે સંકળાયેલ હતા. ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી.
બ્રિટિશ હિંદમાં અસહકારનો જુવાળ હતો. તેની અસર દેશી રજવાડાઓ પર પડી. સૌરાષ્ટ્રની પ્રજાના દુઃખોને વાચા આપવા માટે બ્રિટિશ હિંદના છાપાઓ પર આધાર રાખવો પડતો. તેથી અમૃતલાલ શેઠે 1921 માં રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક શરુ કર્યું હતું. આ સામયિકના કારણે સૌરાષ્ટ્રમાં ભાંગફોડની પ્રવૃત્તિ શરુ થઇ. રેલવેના ડબ્બાઓ, પોસ્ટ ઓફિસની પેટીઓ, તિજોરીઓ લૂંટવી, જેવી પ્રવૃત્તિની શરૂઆત થઇ ચૂકી હતી. વાંકાનેરમાં મચ્છુ નદી પરનો રેલવેનો પુલ બોમ્બથી ઉડાવવા માટે બોમ્બ મૂકવાનો ગુન્હો કરવા સબબ કાંતિલાલ કશળચંદની ધરપકડ થઇ હતી.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં 1942 ના વર્ષનું આગવું મહત્વ છે. તેમાં વાંકાનેરનું વિશિષ્ટ પ્રદાન છે. સૌરાષ્ટ્રમાં કાપડની મિલો ધીમે ધીમે શરુ થઇ રહી હતી. તેમાં અમરસિંહજી મિલ 1934 માં શરુ થઇ. આ મિલ કામદારોએ 1942 માં આઝાદીના જંગમાં ભાગ લીધો હતો.
અગાઉ 1935 અને 1938 માં મિલમાં હડતાલ પડી હતી. 2-9-1942 ના રોજ ત્રીજી વાર હડતાલ પડી. મનજીભાઇ ધરોડિયા, હસનપરના અલીભાઈ અમીરભાઈ, જકસી મંગા, હમીરખાં કરીમખાં, જુસબશા મોગલ, ઇસ્માઇલ ખોખર, ઉંમર જલાલશા જીનવાળા, કાસમ અહમદ કુરેશી, નારણભાઈ ગોવિંદભાઈ, ગોકળભાઇ કાળાભાઇ, ગોવિંદભાઇ રાણાભાઇ, ઘેલાભાઈ પુંજાભાઈ, શાળખાતાના રવિશંકરભાઈ વગેરે કામદારો મળીને કુલ વીશ હતા.
તેઓ મિલપ્લોટમાં પ્રભાત ફેરી, સરઘસ કાઢતા. ગરીબોને મદદ કરતા અને વંદે માતરમ બોલતા. આમાંના અમુક કામદારોને ત્રણ દિવસની જેલ થઈ. બીજા કામદારો અમદાવાદ ગયા અને મજૂર મહાજન સાથે રહીને અમદાવાદમાં 1942 માં, જે કામદાર ચળવળ ચાલતી હતી; તેમાં ભાગ લીધો. અમદાવાદ મજુર મહાજનના તે સમયના કાર્યકર્તાઓ શ્યામ પ્રસાદ વસાવડા, વિજયશંકર ત્રિવેદી, શાંતિભાઈ શાહ, નવીનચંદ્ર બારોટ અને સોમનાથ દવેનું માર્ગદર્શન મળ્યું. જેઠાલાલ જોશી અને ઢેબરભાઈ કામદારોના પ્રશ્નો અંગે વાંકાનેર આવતા હતા, ત્યારે ટ્રેનમાંથી તેમને ઉતરવા જ ન દીધા. એક માસ પછી આ ઘર્ષણનો અંત આવ્યો. અમરસિંહજી બાપુ લવાદ થયા અને કામદારો તથા મિલના શેઠશ્રી વચ્ચે સમાધાન થયું હતું. એ પછી કસ્તુરબાનું મૃત્યુ થતાં વાંકાનેરમાં હડતાલ પડી હતી. 1945 માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું.

 

1945 માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું. 1946 માં કેબિનેટ મિશન ભારત આવ્યું. 3-6-1947 ની માઉન્ટબેટન યોજના પ્રમાણે ભારતના ભાગલા પાડી તેને 15-8-1947 ના રોજ સ્વતંત્રતા આપવાનું જાહેર થયું. વચગાળાની સરકારના રિયાસતી ખાતાના પ્રધાન સરદાર પટેલે 562 દેશી રાજ્યોનો પ્રશ્ન કુનેહપૂર્વક પાર પાડી 15 ઓગસ્ટ પહેલા તેમની પાસેથી જોડાણ ખત ઉપર સહી કરાવી. લીધી અમરસિંહ બાપુએ પણ 49 વર્ષના સંચાલન પછી વાંકાનેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિ પોપટભાઈ અનડાને સોંપ્યો.
કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે સહી ન કરી, ઇતિહાસ સર્જ્યો. કાઠીયાવાડ રાજકીય પરિષદના પ્રતિનિધિઓ રતુભાઈ અદાણી, જેઠાલાલ જોશી અને રસિકભાઈ પરીખે જુનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણનો જોરદાર વિરોધ કર્યો. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ મુસલમાન વસ્તી જૂનાગઢમાં વધે, તે માટે વસવાટ કરવા વાંકાનેરથી મોમીન લોકોને બોલાવ્યા હતા. મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી બેરિસ્ટરશ્રી નૂરીસાહેબ વાંકાનેર આવ્યા હતા અને જુનાગઢ ન જવા માટે મોમીન કોમને સમજાવી હતી. આમ વાંકાનેરની મોમીન પ્રજા રાજ્ય અને દેશને વફાદાર રહી હતી. અંતે મુંબઈમાં આરઝી હકુમતની રચના થઈ. 24-10-1947 ના રોજ શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીના નેતૃત્વમાં શરણાગતિ સ્વીકારી. 20-1-48 ના દિવસે લોકમત લેવાતા લોકોએ ભારત સાથે જોડાવા મતદાન કર્યું. પ્રજાના ઉત્સાહ અને પુરુષાર્થનો આ એક અભિનવ પ્રયોગ હતો.રાષ્ટ્રીય શાળા રાજકોટમાં નારણદાસ ગાંધી પાસે તાલીમ પામેલા વાંકાનેરના અમુભાઈ રૂપાણી; રતુભાઈ અદાણીના કહેવાથી જુનાગઢના નવાબની બેગમો જ્યાં રહેતી હતી, ત્યાં ખાદી ઉદ્યોગ મંદિરમાં જોડાયા અને મધ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, ખાદી, દીવાસળી, સાબુ ઉદ્યોગ વગેરે ઉદ્યોગો દ્વારા ગાંધીજીના વિચારો પ્રમાણે કામ કર્યું છે. જુનાગઢનો પ્રશ્ન પતી ગયા પછી સૌરાષ્ટ્રના 222 રાજાઓએ કાઠીયાવાડનું સંયુક્ત રાજ્ય સ્થાપવા સમિતિ આપી. તે પ્રમાણે 15-2-48 ના 222 ટુકડા ભેગા થઈ સૌરાષ્ટ્રનું સર્જન થયું. તેની રાજધાની રાજકોટમાં રાખવામાં આવી.
19-3-48 ના રોજ વાંકાનેરના દરબારગઢમાં અમરસિંહ બાપુએ આગેવાન પ્રતિનિધિઓને પ્રજાજોગ સંબોધન કર્યું, તે વક્તવ્ય ખૂબ જ ભાવપૂર્ણ હતું. વાંકાનેર માટે ઉપયોગી અનેક જાહેરાતો કરી. આ પ્રસંગે અન્ય આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. જેવા કે શેઠશ્રી છગનલાલ, ચતુરભાઈ, ભગવાનજીભાઈ ભાઈચંદભાઈ સંઘવી, તીથવાના નાનાભાઈ અલીભાઈ પટેલ, વાંકિયાના માથકીયા હાજી ગાજી, ખીજડિયાના શેરસીયા નુરમામદ હસન, તથા સિંધાવદરના શ્રી રણવીરસિંહજી રણમલસિંહ ઝાલા હતા- રાજકોટમાં સણોસરાના આહમદ પટેલે ભાષણ કરેલું.

25-3-48 ના વાંકાનેરનો વહીવટ સૌરાષ્ટ્ર સરકારને સોંપવામાં આવ્યો. અમરસિંહબાપુએ જે પ્રેમ અને સ્નેહથી વાંકાને વહીવટ કર્યો હતો અને જે પ્રવૃત્તિમય જીવન જીવેલા, તેમાંથી એકદમ નિવૃત થવાથી થોડા સમય પછી તેમના આરોગ્ય પર અસર પડી હતી.
આમ, ભારતના સ્વતંત્ર સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેરનું પ્રદાન ધ્યાનાકર્ષક રહ્યું છે. રચનાત્મક પ્રવૃતિઓ ખાસ તો ખાદી પ્રચાર, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ, વિદેશી વસ્ત્ર બહિષ્કાર વગેરેમાં નોંધપાત્ર કામગીરી બજાવી છે. સ્ત્રીઓએ પણ ઉત્સાહથી કામ કર્યું હતું. જેમાં શારદાબેન શાહ, ભક્તિ બા, દુર્ગાબેન ભટ્ટ, કસ્તુરબેન કવિ, પુષ્પાબેન મહેતા મુખ્ય છે.


વાંકાનેર તાલુકાના ખીજડિયાના નુરમામદ હસન, જેઓ સુધરેલ પટેલ તરીકે જાણીતા હતા, લુણસરના કલ્યાણ પીતાંબર, સિંધાવદરના આહમદ ચૂડગર, ગારીયાના હેમત ગાડગીલ, જે ઉઘાડપગા કાર્યકર તરીકે જાણીતા હતા. પાજના સિપાઈ જીવા અભરામ. આ સિવાય નુરખા વકીલના પૌત્ર એહમદરઝાખાં નિઝમખાં પઠાણ, જેઓ આઝાદી આવતા પાકિસ્તાન જતાં રહ્યા; એવા અનેક સ્વતંત્ર્ય સૈનિકો જેના નામ અને કાર્યની નોંધ લેવાની હજી બાકી હોય, એ બનવા જોગ છે. વાંકાનેરમાં માત્ર નિવાસ કરતા હોય અને કાર્ય બીજા સ્થળે કર્યું હોય તેવા સ્વતંત્રસેનાનીના નામ આ પ્રમાણે છે: નરસિંહદાસ પીતાંબરદાસ રાચ્છ, જેમણે કરાચીમાં કામ કર્યું છે. મહારાષ્ટ્રમાં જેલ ભોગવનાર વૃજલાલ હિરજી ભાવસાર, જેતપુરના મુળુભાઈ જેઓ વોરાવાડમાં રહેતા અને રતિલાલ હરિલાલ વેદ, જેઓ મોચી વેદ તરીકે જાણીતા હતા, જેણે પ્રથમ જેતપુરમાં અને પછી વાંકાનેરમાં કાર્ય કર્યું છે. 75 વર્ષ પહેલાંની સ્વતંત્રતાની ચળવળના સંભારણા સાચવીને અનેક સ્વતંત્ર સૈનિકો સૌરાષ્ટ્રમાં અને આપણા વાંકાનેરમાં હતા, સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લઈને આ વડીલ કાર્યકર્તાઓએ સંગઠન શક્તિ, ત્યાગ, સત્યનિષ્ઠા અને રચનાત્મક કાર્યમાં વિશ્વાસ રાખવાના ગુણો અપનાવ્યા હતા અને આપણી સમક્ષ મૂક્યા છે. આ ગુણ આપણામાં વિકાસ પામે તેવી લાયકાત કેળવીએ અને આપણી સ્વતંત્રતામાં શ્રદ્ધા પ્રગટાવીએ અને તેનું મહત્વ સમજીએ.

લેખક: સ્વ. પ્રોફેસર સત્યવ્રત સી. જોશી; એમ.એ. (ઇતિહાસ), દોશી કોલેજ, વાંકાનેર.
નોંધ: આ લેખ કમલ સુવાસના તારીખ: 19-8-1996 માં પ્રસિદ્ધ કરેલો. – નઝરૂદીન બાદી (78743 40402)

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!