હપ્તો: ત્રીજો
રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે
આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો
ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી એક ભરવાડે આપેલા
માથકિયા કુટુંબના વાડી માલિક એક વીઘા જેટલી જમીનમાં ખેતી કરતા નથી અને વાડીની પૂરી અદબ જાળવે છે
આથી દાદા ફતેએ ખ્વાબમાં જણાવ્યું કે આવતી રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે. ત્યારે લાઇટ તો શું, ફાનસ પણ હતા નહીં અને લોકો રાત્રે દિવાના અજવાળે જ ઝીંદગી વિતાવતા. બશારતની જાણ ગામલોકોને કરી.
તીથવા આહમદભાઈ (મોટા માસ્તર)ના જણાવ્યા અનુસાર ગુજરાતથી દાદા જલાલજી તીથવા રહેવા આવેલા. તેમને ચાર દીકરા હતા (1) અમનજીદાદા (2) જમાલદાદા (3) સાજીદાદા અને (4) માનાદાદા. તેમની સાથે ભત્રીજા રાજેદાદા પણ આવ્યા હતા. તીથવામાં આવેલા આ નારેદાવાળા શેરસીયા કુટુંબના જલાલજી પછીની બીજી પેઢીએ ચાર અને ત્રીજી પેઢીએ ત્યારે માત્ર બાર ઘર જ હતા.
તીથવામાં આ બધાના ખોરડા એક ઢુંગલે જ હતા. રમઝાનની સત્તાવીશમી રાત આવી પહોંચી. બાર વાગ્યા પછી શેરસીયા કુટુંબના બધા ઘરના દિવા ઓલવાઈ ગયા. એકાદ- બે ઘરના દિવા ઓલવાઈ શકે, પણ શેરસીયા કુટુંબના જ ઘરના દીવાનું ઓલવાવું, જ્યારે અન્યોના ઘરમાં દીવા સળગતા રહ્યા; એ બશારત સાચી હોવાની નિશાની હતી. ગામ આખાએ આ જોયું. આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો. આ ધાર્મિક બાબત છે, શ્રદ્ધા હોવી જરૂરી છે- અંધશ્રદ્ધા નહીં. માનવું – ન માનવું સૌની અંગત બાબત છે. ગૈરકોમના હાથથી આપસી રંજીશથી કતલ થવામાં શહીદી મળતી નથી. પણ અહીં માં નો જીવ બચાવવાના હેતુથી ફતેદાદાએ પોતાનો જીવ ખોયો હતો. પેટમાં પાપ રાખી ધર્મના ભાઈનું નાટક કરનાર મૂળુભા પછીથી દાદીમાના શ્રાપ મુજબ, ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે તે રહસ્યમય રીતે મરી ગયેલો. તેના મૃત્યુના સમાચાર પણ મોતના ત્રણ દિવસ પછી ત્યાંના એક ભરવાડે આપ્યા, ત્યારે ખબર પડેલી.
તીથવા ફતે દાદાના કુટુંબે જ્યાં દાદા દફન છે, ત્યાં 2001 માં રોજો બનાવ્યો. તેમને સંદલ મુબારક રમજાન માસના 26 માં ચાંદે ઝોહર બાદ ચડે છે અને ઉર્ષ મુબારક મનાવાય છે.
દાદા ફતે જ્યાં શહીદ થયા છે, તે ગંગા વાવની સામે જ આવેલી વાડી; કે જેના માલિક હાલ તિથવાના માથકીયા અબ્દુલભાઈ મીમનજીભાઈ છે, તે જગ્યાએ એક રાફડો બની ગયેલો. પછીથી શેરસીયા કુટુંબે એક ઓટો બનાવેલો. જે જર્જરીત થતા તેના જુના બેલાથી એક નવો ઓટો વાડી માલિકે બનાવેલ છે. વાડી માલિક ત્યાં લગભગ એક વીઘા જેટલી જમીનમાં ખેતી કરતા નથી અને હાલમાં પણ છોડી દે છે. આજે પણ માથકિયા કુટુંબના વાડી માલિક જયારે પણ નવું ખેતી કાર્ય, પછી તે વાવણી, નિંદામણ કે લણણી હોય, ત્યારે ફતેદાદાના ફાતિયાની રસમ નિભાવે છે અને આ વાડીમાં ખેતી કાર્ય કરતી વખતે કોઈ પણ પેશાબ- પાણી કરતા નથી. વાડીની પૂરી અદબ જાળવે છે. આ કુટુંબ ઉર્ષમાં મજારમાં સોળ પહેલા ચડાવે છે. આ જગ્યાએ વસુંધરાનું વર્ષો જૂનું એક ઝાડ ઊભું હતું. જે પાંચેક વર્ષ પહેલા પડી ગયું છે. આજુબાજુમાં આ ઝાડ સૌથી ઊંચું હતું.
નોંધ: તમારી પાસે આવી કોઈ વાંકાનેર વિસ્તારની ઐતિહાસિક વાત, લખાણ કે જૂનું પુસ્તક હોય તો અમને જાણ કરવા વિનંતી. અગાઉ ભણતરના અભાવે કોઈ લખી શકતું નહોતું. એથી આ કિસ્સાનો કોઈ લેખીત આધાર અમારી પાસે નથી. ઘણી તપાસ પછી ખબર પડેલી કે તીથવાના પટેલ હસન અલાવદીભાઈ આ વિષે જાણે છે. 2016 ના સપ્ટેબરમાં તીથવા તેમના ઘરે મુલાકાત લીધેલી અને એમણે જે કહેલું, એ લખેલ છે. કેટલાક સંવાદો એમણે કહ્યા મુજબના જ રાખ્યા છે. હસનભાઈ તો જન્નતનશીન થઇ ગયા છે. અમુક સંવાદો સંજોગો અને માનવસહજ સ્વભાવને ધ્યાને રાખી અમે ઉમેર્યા છે. સાચ્ચું- ખોટું અલ્લાહ બેહતર જાણે છે.
ભલે ભણતર ન હોય આમ છતાં અમુક ગઈઢાઓ પાસેથી ઘણું જાણવા મળતું હોય છે. ફતેદાદાના આ કિસ્સામાં બની શકે કે કોઈ વાત ભુલાઈ ગઈ હોય અથવા થોડો ઘણો મારગ ચૂકી પણ ગયા હોઈએ. મૂળ કિસ્સામાં અમે કોઈ ફેરફાર કર્યો નથી. આમ છતાં જો કોઈ ભૂલ હોય તો શહીદ ફતેદાદા અમને માફ કરે. નઝરૂદીન બાદી મો: 78743 40402.