હપ્તો: બીજો
જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી
રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન?
મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી
દાદી જમવા જાય તો ઘાયલ તરફડતા દીકરાનું મોઢું નજર સામે તરવરતું અને હાથમાંથી કોળિયો નીચે પડી જતો
દાદી ઊંડો શ્વાસ લઇ બોલ્યા, ‘એને સજા તો મારો પરવરદિગાર આપશે…મેં બધું અલ્લાહ પર છોડી દીધું છે’
આજે ભલે તીથવામાં સત્તરસો જેટલા ઘર હોય, પણ આજથી પોણાબસ્સો વરસ પહેલા માંડ એકસો જેટલા ઘર હશે, ત્યારના આવડા નાના ગામમાં દશ-બાર વરસના બાળકનું ખૂન થયાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ. ખેતર, સીમ, નદી, તળાવ, ઘર, વાડા, ફરિયા બધાના રસ્તા દાદીના ઘર તરફના થયા. ત્યારે તીથવામાં ફટાયા જીવણજીએ ગઢ ચણાવેલો અને તે ગઢમાં જ રહેતા. જયારે એને ખબર પડી તો તે પણ હથિયાર સાથે મારતી ઘોડીએ જ્યાં દાદી ખડ લેવા ગયા હતા, ત્યાં આવી પહોંચ્યા.
આજુબાજુના ખેતરમાંથી પણ માણસો આવી ગયા હતા. ઉભેલા આ ટોળા પાસે આવી દાદીમાંને મારનારના દેખાવ – પહેરવેશ વિષે અને કઈ બાજુ ગયાનું જાણી જીવણજી મારનાર સાથે બદલો લેવા ઘોડી દોડાવી મૂકી.
મૈય્યતને ગાડામાં નાખી તીથવા ગામમાં ઘરે લાવ્યા. દફનવિધિની તૈયારી થવા લાગી. આ બાજુ જીવણજી રસ્તામાં વાવડ પૂછતા પૂછતા મારનાર મૂળુભા મકવાણાનો પીછો કરી ઠેઠ હળવદ રાજની હદમાં પહોંચી ગયા. મારનાર બહુ ચાલાક હતો, એને ખબર હતી કે પીછો થશે, એટલે એ ક્યાંય પાણી પીવા પણ રોકાયો નહોતો. વાડી ખેતર નદી નાળા ટપાડતો આડેધડ ઘોડી ભગાડતો. એને અને જીવણજીને ઝાઝુ છેટું નહોતું, પણ હળવદના આજના શિવરાજપુર ગામના પાધરમાં રાજની ચોકી હતી અને સૈનિકો ડયૂટી કરતા હતા. વાંકાનેર અને હળવદ રાજ વચ્ચે દુશ્મની હતી. દુશ્મન રાજાની હદમાંથી એને પાછું ફરવું પડયું. ખૂનીએ એટલે જ તીથવાથી અડધો ગઊ છેટે ત્યારના મોરબી રાજના જડેશ્વર જવાને બદલે વાંકાનેર રાજના દુશ્મન પાડોશી હળવદ જવા તીથવાથી દેવરી, પંચાસર, ભોજપરા, પાડધરા અને ઓળનો રસ્તો લીધેલો. પોતાની રૈય્યતના એક ગભરુ બાળકનું ખૂન કરનાર સામે બદલો ન લઇ શક્યાના દુઃખ સાથે વીલા મોંએ જીવણજી તેના ભત્રીજા રાજ ડોસાજી પાસે ગયા. વાંકાનેરમાં ત્યારે મહારાજા ડોસાજીનું રાજ હતું. રોંઢો થઇ ગયો હતો, પણ જીવણજીની ભૂખ ઉડી ગઈ હતી. વાંકાનેર રાજમહેલમાં આવી ભત્રીજાને બધી વાત કરી.
વાંકાનેરની ગાદી પર જેટલા રાજા થઇ ગયા, તેમાં રાજ ડોસાજીની શૂરવીરતા આજે પણ વખણાય છે. પોતાની રૈયતની એક બાઈની ડોકમાંથી સોનાનો ચેન ઝુંટવી ભાગેલા બહારવટિયા જેવા કાઠીનો પીછો કરી ઠેઠ કુવાડવા જઈને મીણો ભણાવેલો, એમની બહાદૂરીના કિસ્સા ભવિષ્યમાં ક્યારેક, પણ તીથવાની આ વાત સંભાળી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? પણ હવે બહુ મોડું થઇ ગયું હતું. દુશ્મન સિમાડા વટાવી ચૂક્યો હતો, છતાંય જીવણજી સાથે ઘોડી પર મહારાજા ડોસાજી તીથવા આવ્યા.
અહીં ફતેદાદાની દફનવિધિ ચાલી રહી હતી, ઘોડા કબ્રસ્તાનની બહાર રાખી મોજડી કાઢી ઉઘાડા પગે રાજપરિવારે હાજર જમાતની રજા લઇ થોડા છેટે ઉભા રહ્યા. આખરી અઝાન અપાઈ. મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી. એના ધરમ મુજબ ભીની આંખે નમન કર્યું. બનાવ બહુ કરુણ હતો, વાંકાનેર પાછા ફરી ગયા.
દાદીના તો સાતેય વહાણ ડૂબી ગયા હતા. પોતાના ધણી પછી વ્હાલસોયો દીકરો પણ ગુમાવ્યો હતો. જાણે દુનિયા ખાલી ખાલી થઇ ગઈ હતી. જીવવામાં એને કોઈ રસ નહોતો. અધૂરા પૂરા કરતા હતા. પારકાને ધર્મનો ભાઈ બનાવ્યાની એને બહુ આકરી સજા મળી હતી. ભરોસો મૂકવો ભારે પડયો હતો. ગળેથી કોળિયો નીચે નહોતો ઉતરતો. જમવા જાય તો ઘાયલ તરફડતા દીકરાનું મોઢું નજર સામે તરવરતું અને હાથમાંથી કોળિયો નીચે પડી જતો. દીકરાના બાળપણના નખરા- ધીંગાણા- તોફાન- કાલી કાલી વાતો- ફરમાઈશોની યાદથી બેચૈનીની હદ તૂટી જતી. જીવણજીએ જયારે જાણ્યું કે ત્રણ દિ’ થી દાદીએ ખાધું નથી, એણે એના ધર્મપત્ની ઠકરાણા કે જે ગઢ બહાર નીકળતા નહિ, એને બગી ફરતે પડદો કરી દાદી પાસે મોકલ્યા.
દાદીની આંખના આંસુ સુકાઈ ગયા હતા. આંખો ઊંડી બેસી ગઈ હતી. હાલતું ચાલતું માનવ નહીં, પણ પૂતળું બની ગયા હતા. માયાળુ સ્વભાવના ઠકરાણાએ સમ દઈને દાદીને કોળિયા દઈ જમાડયા- દિલાસો દીધો- સમજાવ્યા. આ બાજુ રાજમહેલમાં મહારાજા ડોસાજી ખૂની સાથે બદલો લેવા આકૂળ-વ્યાકૂળ હતા. કડીમાં ત્યારે મલ્હારરાવ નામનો જાગીરદાર હતો, જે ગાયકવાડ રાજને ખંડણી ભરતો. એણે દૂધમાં પાણી નાખનાર એક ભરવાડને જીવતો ચણી નાખેલો. મલ્હારરાવને પોતાના રાજના ગુન્હેગારને સોંપવા રાજ ડોસાજીએ કહેણ મોકલ્યું. પણ કોઈ પરિણામ ન આવ્યું. કડી કોઈ સિમાડાનું રાજ નહોતું કે લશ્કર મોકલી લડાઈ કરી શકાય.
જયારે શેરસીયા કુટુંબના વડવા કડી રહેતા ત્યારે મૂળુભા, જે મકવાણા પરિવારનો હતો; તેમના કોઈ એકનું ખૂન થઇ ગયેલું અને તેને શેરસીયા કુટુંબ પર ખૂન કર્યાની શંકા હતી, શાંતિની ખોજમાં જ શેરસીયાએ ખાટા મને કડી છોડેલું, એની સાથે બાદી, કડીવાર અને ભોરણીયા કુટુંબ પણ હાલી નીકળેલું. કડીના જાગીરદારે ત્યાંની દરગાહમાં આપેલી ત્રણસો વીઘા જમીન પાછી લઇ લીધેલી. આમ મોમીનો અને જાગીરદાર સાથેના સંબંધો બગડેલા જ હતા.
રાજમહેલમાં મહારાજા ડોસાજીને આકૂળ-વ્યાકૂળનું કારણ જયારે રાણીએ પૂછ્યું તો તીથવાની બનેલી મન હલાવી નાખતી આખી ઘટના કહી ઉમેર્યું, ‘મારા રાજની એક વિધવા બાઈના એકના એક દીકરાનું ખૂન કરી નાખનાર એ મૂળુભા મકવાણાને સજા કરી ન્યાય ન અપાવું ત્યાં સુધી મને ચૈનની નીંદર શીદને આવે?’
‘પણ એ બાઈ ખૂનીને કેવી સજા ઈચ્છે છે; એ તો જાણો…’ રાણીએ વેવારની વાત કરી.
દશમાંના લોબાન પછી રાજા ફરી તીથવા આવી દાદીને વલોવાતા મનથી મળ્યા. પૂછયું, ‘મારી બોન! મારી માવડી !! તારા ગુન્હેગારને ગમે તેમ કરી તારી સામે હાજર કરું, ઘાણીએ નાખી તેલ કાઢું કે ઉકળતી કળાઈમાં ઝબોળું? માથું વાઢી તારા પગમાં મૂકું? તું શું સજા કરવા ઈચ્છે છે?’
‘એમ કરવાથી જો ગયેલા પાછા આવતા હોય તો એમ કરો..’ દાદી ઊંડો શ્વાસ લઇ બોલ્યા, ‘એને સજા તો મારો પરવરદિગાર આપશે…મેં બધું અલ્લાહ પર છોડી દીધું છે’
રાજા બધું સમજી ગયા. દુઃખના પહાડથી દબાયેલા દાદીની રજા લઇ પાછા વાંકાનેર આવી ગયા.
થોડા દિવસો બાદ ફતે દાદાએ શેરસીયા કુટુંબના બે- ત્રણ પરહેઝગાર આગેવાનોને ખ્વાબમાં બશારત કરી કે ‘પોતે શહીદ થયા છે, ગામલોકોને આ બાબતે જાણ કરો’
જેમને ખ્વાબ આવેલા એમણે વઝુ કરી દુવા કરી કે અમારી વાત પર ગામલોકોને ભરોસો ન પણ આવે. વધુ બશારત આપો. કોઈ એવી નિશાની કે જેનાથી બધાને ભરોસો આવે’ (ક્રમશ:)
માહિતી સ્ત્રોત: મર્હુમ પટેલ હસનભાઈ અલાવદીભાઈ, પવનચક્કીના રસ્તે, તીથવા, તા: વાંકાનેર, તેમના દીકરા ઈબ્રાહીમભાઈના મો: 94290 43821
આલેખન: નઝરૂદીન બાદી મો: 78743 40402
આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
ત્રીજો હપ્તો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ