ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો
દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું
‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’
માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના જીવની પરવા હતી
‘હું એક જ દીકરો ગોતું છું રાંડીરાંડનો અને એ પણ ભાણેજ ને જ’
કડી ગુજરાતથી તીથવા આવેલા મોમીન સમાજના કાફલામાં શેરસીયા (નારેદાવાળા)ના પાંચ કુટુંબ હતા. (1) રહેમાનજી (2) જલાલજી (3) વલીમામદ (4) અલીભાઈ અને (5) મીમનજી. આ નામોમાં પ્રથમ ચાર સગા ભાઈ હતા, અને પાંચમા તેના ભત્રીજા હતા. રહેમાનજીના દીકરાઓનું કુટુંબ એટલે તીથવાના ખાનાવારા, વાઘાવારા, અમરસર પલાંસડીના શેરસીયા. જલાલજીનું કુટુંબ એટલે તીથવા, રાણેકપર, ઢુવા, વાંકિયાના આજના શેરસીયા. વલીમામદદાદાને ઔલાદમાં બે દીકરીઓ જ હતી. ભત્રીજા મીમનજીદાદાના વંશજો એટલે આજના કાનપર, ખીજડીયા, સણોસરા, પંચાસરના શેરસીયા. આ મોટો મોટો ઉલ્લેખ કરેલ છે, બાકી તો આ ફૂલવાડીમાં બધા નારેદાવાળા શેરસીયાના કુટુંબોનો સમાવેશ થાય છે. નાતમાં આજે 43 ગામમાં લગભગ બે હજારથી વધુ ઘર ધરાવતા શેરસીયા માત્ર બે ભાઈઓ અને એક ભત્રીજાના વંશજો છે.
શહીદ ફતેદાદા ગુજરાતથી આવેલા ચાર ભાઈ પૈકીના શેરસીયા કુટુંબના ત્રીજા નંબરના વલીમામદદાદાના એકના એક દીકરા હતા. ફતેદાદાના અમ્માનું નામ ફાતેમા હતું. લગભગ 180 વરસ પહેલાની આ વાત છે. કડીથી તીથવા આવ્યાને હજી તો માંડ દશકો પણ નહોતો થયો કે એક દિવસ એક ઘોડેશ્વાર તીથવા આવ્યો, તે મૂળ કડીનો અને મૂળુભા એનું નામ. એમણે શહીદ ફતેદાદાના પિતા વલીમામદના ખાસ સંબંધી હોવાની પોતાની ઓળખાણ આપી. વલીમામદદાદા જન્નતનશીન થઇ ગયેલા.
ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો. દાદી ફાતેમાએ આવકાર આપી એમને ધર્મનો ભાઈ બનાવ્યો. પોતાની દાદા સાથે ભાઈબંધીની ખોટી ખોટી વાતો ભૂ પાવામાં માહેર મૂળુભા દાદીને સંભળાવતો, દાદીમા પોતાના જન્નતનશીન ભરથારની વાતો રસથી સાંભળતા. દાદા સાથેના બાળપણના કેટલાક ઘડી કાઢેલા કિસ્સા એવી સ્ટાઈલથી મૂળુભાએ કહ્યા કે તેની પર ટાઢા પહોરના ગપ્પા હોવાની શંકા કરવાનું કોઈ કારણ ન રહે. ભોળા મનના દાદી બધી વાતો સાચી સમજી પોતાના વીતેલા જીવનને યાદ કરતા રહ્યા.
ઘોડેશ્વારે શહીદ ફતેદાદાના ઘરે એક દિવસ ફરી પાછો આવી રાતવાસો કર્યો. દાદીએ લાપસી બનાવી જમાડી. સવારે આવનાર ઘોડેશ્વારે દાદીને પૂછ્યું: ‘આજે કઈ બાજુ કામે જવાના છો?’
દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું. ઘોડેશ્વારે કડી જવા ‘આવજો આવજો’ ની રીત નિભાવી રજા લઈને રવાના થઇ ગયો. પછેડી અને દાતેડું લઇ દાદી ખડ લેવા ઘરેથી નીકળતા હતા, ત્યારે શહીદ ફતેદાદાએ સાથે આવવાની જીદ્દ પકડી. દાદીએ તડકામાં સાથે આવવાને બદલે ઘરે જ રહેવા બહુ સમજાવ્યા. પણ જેણે હજી દુનિયા- દુનિયાના કાવાદાવા જોયા નથી, એવા ફતેદાદા બાળહઠ પકડી ના માન્યા, માં-દીકરો તીથવાથી ઓતરાદી દિશામાં ગંગા વાવ સામે આવેલ ખેતરે રવાના થયા.
દાદી પછેડીની ફાંટ વારીને ખડ ભેગું કરવા લાગ્યા. નાના નાના હાથે ખડ તોડી તોડી ફતે દાદા પોતાની માંને મદદ કરવા લાગ્યા. હજી તો થોડું ઘણું ખડ લીધું હશે કે કડી જવા રવાના થયેલો ઘોડેશ્વાર ભેટમાં તલવાર સાથે આવતો દેખાયો. દાદાને કુદરતી રીતે જ ઘોડેશ્વારની નિય્યત પર શંકા જાગી. ફતે દાદા એને મામા કહેતા. માંને કહ્યું: ‘માં ! મામા આવે છે, પણ મને એનો ઈરાદો ઠીક લાગતો નથી… મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’
દાદીને પણ દીકરાની વાતમાં દમ દેખાયો, આ માણસ મને કાં દીકરાને મારી નાખવા જ આવે છે. દાદીએ ફતે દાદાને કહ્યું, ‘તું ભાગીને બાજુના બાવળના ઝુંડ પાછળ છુપાઈ જા’
‘તમને એકલા મૂકીને હું નૈં ભાગું. મામા તમને મારી નાખે તો?’
માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના જીવની પરવા હતી. ‘તું મારી ફિકર ના કર. તું તારો જીવ બચાવી લે. ભાગ જલદી…’
‘મારો જીવ જાય તો ભલે જાય, મારી માં ! પણ તમને રેઢા મૂકી હું ના ભાગું.’ ફતે દાદાને પોતાના જીવ કરતા માં નો જીવ વધારે વહાલો લાગ્યો. પોતાના જીવની કુરબાની આપી માં નો જીવ બચાવવાને મહત્વ આપ્યું.
દીકરો માનતો નથી અને ઘોડેશ્વાર નજીક આવતો જાય છે. દાદી મૂંઝાયા. ભાગ્યે ભેરું થાય એમ નથી. ‘દીકરા! તું ખડની આ ફાંટમાં છુપાઈ જા’
શહીદ ફતે દાદાને દાદી ફાંટમાં નાખી ખડ વાઢવા મંડયા.
ઘોડેશ્વરે આવીને સીધા જ પૂછ્યું, ‘તારો દીકરો ક્યાં છે? મારે એને મારી નાખવો છે. ઠેઠ કડીથી અહીં એટલે તો ધક્કો ખાધો છે’
દાદીએ કહ્યું ‘એ તો તમારો ભાણેજ થાય અને હું રાંડીરાંડ બાઈ- મારે એક જ દીકરો છે’
‘હું એક જ દીકરો ગોતું છું રાંડીરાંડનો અને એ પણ ભાણેજ ને જ’ કહી શંકા જતા ફાંટ બાંધેલી પછેડીને તલવારથી ચીરી નાખી. નીચે પડેલા ફતે દાદા ઉભા થયા.
તલવારનો બીજો ઘા દીકરા પર ન પડે તે માટે ઘા ને ઝીલવા- આડા પડવા દાદીએ ઘૂમરી ખાધી પણ મોડા પડયા. ફતેદાદાના માથા પર ઘા લાગ્યો. દાદા નીચે પડી ગયા.
ઘાયલ એકના એક દીકરાને જોઈ લાચાર માં એ એક નજર આસમાન તરફ કરી, રોતા રોતા ઇન્સાફની ગુહાર લગાવી. જેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો, એની સામે જોઈ બોલી જવાયું, ‘તું હવે છ મહિના નહિ જીવે અને કમોતે મરીશ.’
ઘોડેશ્વાર ત્યાંથી ભાગ્યો. ભાગતાને જોઈ ફતેદાદાને માં નો જીવ બચી ગયાનો આનંદ થયો અને સદાને માટે દુનિયાને અલવિદા કરી જન્નતનશીન થઇ ગયા.
એકના એક લાલ- કલેજાના કટકાને આંખ સામે કતલ થતા કઈ માં જોઈ શકે? કઈ માં ની આંખમાંથી ફોરા જેવડા આંસુ ન વહે? દીકરાના મોઢે હાથ ફેરવતા જાય છે. ધા લૂછતાં જાય છે. સૂઝતું નથી, શું કરવું? દાદીમાએ મદદ માટે બૂમ પાડી. બાજુના ખેતરમાંથી માથકીયા કુટુંબના બે ખેડૂત દોડતા આવ્યા. એક ભાઈ મૈય્યત પાસે રહ્યો અને બીજાએ તીથવા ગામમાં આવી બનેલી ઘટનાની જાણ કરી. ધાર્મિક આસ્થાની વાત છે. દાદા પર તલવારનો ઘા થયો, પણ લોહી નહોતું નીકળ્યું, હાડકાની કણસો ઉડી હતી.
ગામલોકો ગાડું જોડી બનાવના સ્થળે આવ્યા. દાદી શુદ્ધબુદ્ધ ખોઈ બેઠા છે, ‘જા બેટા! હું મારું દૂધ બખશું છું..અલ્લાહના દરબારમાં તારા બાપને મારા સલામ કહેજે. કહેજે કે હું તો કરબલાના મેદાનમાંથી આવું છું…’ (ક્રમશ:)
માહિતી સ્ત્રોત: મર્હુમ પટેલ હસનભાઈ અલાવદીભાઈ, પવનચક્કીના રસ્તે, તીથવા, તા: વાંકાનેર, તેમના દીકરા ઈબ્રાહીમભાઈના મો: 94290 43821
આલેખન: નઝરૂદીન બાદી મો: 78743 40402