કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1

સીંધાવદર શેરસીયા કુટુંબના ઇતિહાસ સાથે પીપળીયારાજ, જેતપરડા, જાલી, કોઠી, ખીજડીયા, નવીકલાવડી, વાંકાનેર, પંચાસીયા અને કાનપરના શેરસીયાનો પણ ઈતિહાસ સંકળાયેલો છે
મોમીન સમાજનું પહેલું મૂળ ગામ તીથવા અને બીજા નંબરે પીપળીયારાજ વસ્યું, પછી પાંચદ્વારકા. સીંધાવદરમાં મોમીન સમાજના પગલાં તો બહુ મોડા થયા. સમાજમાં શેરસીયા કુટુંબ સૌથી મોટું છે. સમાજમાં વસતા શેરસીયા કુટુંબનો વેલો ખેંચો તો તીથવા સિવાય એનું થડ પીપળીયારાજ જ આવીને ઉભું રહે.

પીપળીયારાજમાં શેરસીયા કુટુંબના પેળાદાદા રહે. આજથી લગભગ બસ્સો વર્ષ પહેલા મૂળ પીપળીયારાજના અને હાલમાં સિંધાવદરમાં રહેતા શેરસીયા કુટુંબના સાતમી પેઢી પહેલાંના દાદા એટલે પેળાદાદા, એમની આ વાત છે.  પેળાદાદા અને મરિયમ દાદીનો સંસારસુખેથી ચાલતો. ખાધેપીધે સુખી. પીપળીયારાજના શેરસીયા કુટુંબના આ માવતરે હજ પઢવા જવાની કુટુંબીજનો સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી. કુટુંબે આ માટે હિંમત આપી. એ જમાનામાં આગબોટમાં જોડીયા બંદરથી હજ પઢવા જવું પડતું. ત્યારે હજ પઢવા જવું એ બહુ મોટી વાત ગણાતી. આજુબાજુના વિસ્તારમાં અને તાલુકાભરમાં આની ચર્ચા થતી. હાજી લોકો છ મહિને માંડ ઘરે આવતા.

        જમીન રાજાની ગણાતી અને વાવવા માટે રાજાને રાજભાગ આપવાનો રહેતો હતો. પેળાદાદાએ તેના બન્ને દીકરા મોટા અભરામ અને નાના મીમને જરૂરી બધી વિગતે સલાહ-ભલામણ કરી. ખેતીકામની અને ઢોરઢાંખરની નાની-મોટી બધી વાત યાદ કરી-કરીને સમજાવી. રસ્તામાં જરૂર પડે, એવો બધો સર-સમાન કાળજીપૂર્વક સાથે લીધો. સગાવ્હાલા અને ગામ આખાએ દાદા-દાદીને પૂરા માન સાથે વિદાય આપી. દીકરા અને ભત્રીજા ગાડાંમાં જોડિયા મૂકી ગયા. ત્યાંથી આગબોટમાં બેસી મક્કા પહોંચ્યા.

        હજના અરકાન પૂરા થયા. મોમીન સમાજમાં હાજી બનવાનું બસ્સો વર્ષ પહેલા બહુમાન મેળવી લીધું. પણ ખુદાને કંઈક ઓર જ મંજુર હતું, દાદા પાક જમીન પર જન્નતનશીન થઇ ગયા. પરદેશની ધરતી, બાઈ માણસ અને તે ય એકલા, પોતાના ભરથારને ગુમાવ્યાનો ગમ… વતન કેવી રીતે પાછું ફરવું? દૂખના ડુંગર તળે દબાયેલા દાદી ગુમસૂમ બેઠા બેઠા મક્કાશરીફમાં દુવા માંગી રહ્યા છે. બોર બોર જેવડા આંસુ સાડલાથી લૂછતાં જાય છે. કચ્છના બાદ્શાહમિયાંના દાદા સદરૂદીન બાવા પણ ત્યારે હજ પઢવા ગયેલા, હાજીયાણીની આંખોમાંથી દડ દડ આંસુ ટપકતા જોયા. હાજીયાણીના કપડાં અને દેખાવ ગુજરાતના હોવાનું પારખી ગયા. પોતાની ઓળખાણ આપી પૂછ્યું, “અમે કચ્છના છીએ તમે ક્યાંના છો? અને કેમ રોવો છો?

        ગુજરાતી બોલી સાંભળીને દાદીને સારું લાગ્યું, “વાંકાનેરના પીપરીયાના…” અને પછી હાજીયાણીએ પેળાદાદા અલ્લાહને પ્યારા થઈ ગયાની અને પોતે હવે એકલા વતનમાં કેમ જાશે, તેવી પોતાની વ્યથા કહી સંભળાવી.

        સદરૂદીન બાવાએ આશ્વાસનના બે શબ્દો કહી હિમ્મત આપી. “તમે ફિકર કરો માં, જોડિયા બંદર અમે તમને પહોંચાડી દઈશું, હાજીયાણીને સદરૂદીન બાવાએ ધરપત આપી. હાજીયાણી કચ્છના હાજીઓ સાથે જોડિયા પહોંચ્યા, વિદાય વેળાએ પોતાને વતનમાં પહોંચાડનાર સદરૂદીન બાવાને એક વાર પીપળીયા પોતાના ગામ પધારવા હાજીયાણીએ આમંત્રણ આપ્યું. સદરૂદીન બાવાએ સ્વીકાર્યું અને બંદરેથી પોતાના વતન કચ્છ નીકળી ગયા.

        હાજીયાણી હજ પઢીને આવી ગયાના વાવડ ત્યારના જમાના મુજબ વાંકાનેર અને ત્યાંથી પછી પીપળીયા પહોંચેલા. બન્યું એવું હતું કે પીપળીયાથી કડીવારના કુટુંબ સાથે હાજીયાણીના દીકરા અભરામદાદા ગવરીદડ જતા રહેલા. ત્યાં રાજકોટના રાજાએ 1 સાંતીની જમીન આપી હતી. પીપળીયાથી ભત્રીજો હાજીયાણીને લેવા ગાડું લઈને જોડિયા પહોંચ્યા. હાજીયાણીના દેરને ત્રણ દીકરા (1) અમનજી (2) જીવા અને (3) હૈયાત. આ ત્રણમાંથી સૌથી નાનો હૈયાત જોડિયા લેવા ગયો હતો.

        છ મહિના જેટલો સમય વિતી ગયેલો. દુઃખ અને સુખ વહેંચવા પોતાનું કોઈક હોવાની ઝંખના કુદરતે માણસ માત્રમાં મૂકી છે. હાજીયાણી પોતાના ધણીને ગુમાવ્યાનું દુઃખ દીકરા અભરામના ખમ્ભે માથું મૂકી બાંટવા માંગતા હતા. અધીરા બની હાજીયાણીની આંખો દીકરાને ગોતવા આમ-તેમ ફરવા લાગી “મારો અભરામ ક્યાં?”

        “એનું ગાડું વાંહે રહી ગયું છે, આવતો જ હશે”

        “પણ એના બળદિયા તો લોંઠકા છે… પછી વાંહે કેમ રહી ગયો?”

        “ગાડાનો ધરો ભાંગ્યો, લુવારની કોયળે સમો કરાવવા રોકાવવું પડ્યું”. ભત્રીજો સાચું ન બોલી શક્યો.

        જોડિયાથી પીપળીયા આવતા માર્ગમાં કોઈ ગાડું છેટેથી જોઈને હાજીયાણી હરખાય કે મારા દીકરાનું ગાડું હશે, હમણાં દીકરાનું મોઢું જોવા મળશે. દીકરાના દેખાવનું વર્ણન કરી અજાણ્યા ગાડા-ધણીને વાવડ પૂછે. ભત્રીજાને રસ્તામાં દીકરો તેડવા ન આવવાનું કારણ હાજીયાણી પૂછતાં રહ્યા, ભત્રીજો કોઈને કોઈ બહાના બતાવતો રહ્યો. આમને આમ પીપળીયા આવી ગયું.

        પીપળીયા ગામ આખાયે આજે અગતો પાળ્યો છે. ગામના તો ઠીક, આજુબાજુ ગામના અને સગાવ્હાલા સૌ નાના-મોટા હાજીયાણીને આવકારવા ઝાંપે ઉમટી પડ્યા છે, જાણે મેળો ભરાયો હોય એટલી પબ્લિક ભેગી થઈ ગઈ છે. નાની દીકરીઓ, વહુવરૂઓએ હાથ ચુમ્યા, મોટેરાઓએ મુબારકબાદી આપી. આ મેળામાં હાજીયાણીની આંખો દીકરા અભરામને ખોળી રહી છે, પણ એને પેટનો જણ્યો દેખાયો નહીં.

        એના મનમાં ફાળ પડી, મારો અભરામ ઝાલ્યો ન રહે, કોઠીમાં પુરાયેલો મારો દીકરો મારો અવાઝ સાંભળી કોઠી તોડીને પણ બહાર આવી જાય, નક્કી કઈંક અજુગતું બની ગયું છે, આ લોકો કહેતા નથી. આવા વિચાર કરી કબ્રસ્તાનમાં એક નઝર નાખી. કદાચ મારો અભરામ આ કબ્રસ્તાનમાં પોઢી… દીકરા માટે બેબાકળા હાજીયાણી હવે ઉકળી ઉઠ્યા, “જો મારો અભરામ અલ્લાહને પ્યારો થઇ ગયો હોય તો પણ મને હવે તો વાત કરો, જો આવું જ હોય તો મારે મારા અભરામની કબરે ફાતિયો પડવા જવું છે.”

        “હજી ફાતિયો પઢવાની વેળા નથી આવી” નાના દેરે હાજીયાણીને વિગતે વાત કરી ગવરીદડ ખેતી કરવા ગયાનું જણાવ્યું.

        હાજીયાણી આ સાંભળી લાલઘૂમ થઇ ગયા “અરરર… આવડા મોટા પીપળીયામાં મારા એક અભરામને જ રોટલો ના મળ્યો? એને ગામ મૂકી સામે ગામ જવું પડ્યું. ગાડું રોકો” હાજીયાણી તાડૂક્યા. રાસ ખેંચાણી, વઢિયારા બળદીયાના પગ રોકાયા. “જે ગામ મારા અભરામે છોડ્યું એ ગામનું પાણી મારે અગરાજ  છે”

        હાજર સૌએ બહુ સમજાવ્યા પણ ન માન્યા. ગાડું હાજીયાણીને ગવરીદડ મૂકી ગયું.

        અભરામદાદાને તો હાજીયાણી આવી રહ્યાના સમાચાર મળેલા જ નહીં, પછી તે અમ્માને લેવા જોડિયા કઈ રીતે જાય? માંને જોઈ તે તો ગાંડો જ થઇ ગયો. હાથ ચુમ્યા, પગ ચુમ્યા. માંએ મીઠણા લીધા. દશેય આંગળીના ટચકિયાં ફૂટ્યા, ગાલે હાથ ફેરવી પેટ ભરીને દુવા દીધી. અભરામ દાદાની ખુશીનો કોઈ પાર નહીં, હાંફળા-ફાંફળા ખાટલો ઢાળ્યો, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી આવ્યો, ” અબ્બા કેમ દેખાતા નથી?” આંખની કોર લૂછતા લૂછતા પૂછી બેઠો. “અબ્બા ક્યાં ?”

        જવાબમાં હાજીયાણીની આંખો છલકાઈ ગઈ. એ કંઈ બોલી ના શક્યા. આસમાન તરફ આંગળી ઊંચી કરી એટલું જ બોલ્યા, “અલ્લાહ પાસે”

        અભરામ દાદા બધું સમઝી ગયા. અબ્બા હવે આ દુનિયામાં નથી રહ્યા. બાપનો છાંયડો માથા પરથી ઉઠી ગયો છે. ઘડીક દીકરો, માંના આંસુ લૂછે છે તો ઘડીક માં, દીકરાના આંસુ લૂછે છે. ઘડીક માં, દીકરાના ખમ્ભે માથું રાખી દુઃખ હળવું કરે છે તો દીકરો, માંના ખોળામાં માથું રાખી હૈયું હળવું કરે છે. કિયારાની નાની અમથી પાળ બહબહતા પાણી સામે ક્યાં સુધી ઝીંક ઝાલે? હૈયું હાથ નથી. રોતા જાય અને એકબીજાને છાના પણ રાખતા જાય.     

“ખમ્મા મારા લાલ, તું નોંધારો નથી, હું છું ને…?” માંએ દીકરાને ધરપત આપી. “તારા બાપા છેલ્લી ઘડીએ તને બહુ યાદ કરતા હતા. કહેતા ગ્યા છે કે મારા અભરામનું ધ્યાન રાખજે”

        અને અભરામની આંખમાંથી ધોધ છૂટ્યો. એ હીબકે હીબકે રોયા. ક્યાંય સુધી છાના જ ન રહ્યા.

        (ક્રમશ:)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!