સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી
આજના જાલી ગામના શેરસીયા એટલે દાદા અમીનો વંશવેલો, આજના નવી કલાવડી અને ખીજડીયાના એટલે દાદા હૈયાતનો વંશવેલો, વળી ખીજડીયામાંથી અમુક કાનપર રહેવા ગયા, તો આજના કોઠી ગામે રહેતા શેરસીયા એટલે દાદા જીવાનો વંશવેલો, આજના જેતપરડા ગામના શેરસીયા એટલે દાદા જલાલના ચાર દીકરા પૈકીના ત્રણ દીકરા વલી, હબીબ અને સાવદીનો વંશવેલો, આજના પંચાસીયા ગામે રહેતા શેરસીયા એટલે દાદા નુરમામદના દીકરા વલીના દીકરા અમીના દીકરા વલીનો વંશવેલો, જયારે દાદા હબીબ ને ઔલાદ નહોતી. (પાછળથી પીપળિયારાજમાં રહેલા અભરામ દાદાના નાનાભાઈ મીમના દીકરા ડોસાદાદા પણ સિંધાવદરમાં રહેવા આવી ગયેલા).
કામની મોસમ એટલે જણ બધા ખેતરે પણ અભરામદાદાના હિબકાનો અવાઝ સાંભળીને બાજુમાં રહેતા કડીવાર કુટુંબના એક માજી આવ્યા. પેળા બનેવી જન્નતનશીન થયાનું એને પણ દુઃખ થયું. પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા. માં- દીકરાને આમ રોતા જોઈ અને કારણ જાણી એમણે દિલાસાના શબ્દો કહ્યા, ” એ રસ્તે તો બધાને એક દિ જવાનું જ છે. સબર કરો, એનો બદલો અલ્લાહ આપશે, મમી, તું તો હિંમતવારી છો, તું રોવશ, એટલે ભાણેજ અભો પણ રોવે છે. નસીબદારને જ મક્કાશરીફમાં મોત મળે”
કડીવારના માજી મરીયમ દાદીથી મોટી ઉંમરના. એ મમી કહીને જ બોલાવતા. પેળાદાદાની રૂહને સવાબ અર્થે અભરામદાદાએ બીજે દી કડીવાર અને ગવરીદડના સંધી કુટુંબોને જમાડ્યા.
સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી, જુએ છે તો ઘોડી ઉપર એક બુકાનીધારી અસ્વાર, કેડમાં તલવાર લટકે છે. ત્યારે બહારવટિયાઓની બહુ રાડ, કોઈ લુંટારો સમજી અભરામદાદા ડેલી બંધ કરવા જાય છે, ત્યાં ઘોડેસ્વાર નરમાઇથી બોલ્યો; “બેટા ગભરાઈશ નહીં, હું તારા માતા મરીયમને પ્રણામ કરવા વાંકાનેરથી આવ્યો છું”
“પણ તમે કોણ?”
“હું વાંકાનેરનો રાજા”
અભરામદાદાને મનમાંયે નહીં કે રાજા એના આંગણે આવશે. ઘોડી ફળિયામાં લીધી. વાંકાનેરના રાજાએ નીચા નમીને દાદીને પ્રણામ કર્યા.
બન્યું એવું હતું કે રાજાને ખબર પડી કે પીપળીયાના મોમીન સમાજના કેટલાક ખેડૂત કુટુંબો પોતાનું રાજ છોડી રાજકોટ રાજના ગવરીદડમાં જતા રહ્યા છે, તો એમણે પાછા બોલાવવા નક્કી કરેલું. છુપા વેષે રાજા ગવરીદડ આવ્યા. ઘરે આવેલા મહેમાનને આગતા- સ્વાગત માટે દાદીએ રાજાને પાણી ભરેલો ગલાસ આપ્યો. ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી… આ જોઈને દાદીએ રાજાને પાણી પી લેવા કહ્યું. “તમે વાંકાનેર રાજમાં પાછા આવો તો જ હું પાણી પીવું”
“…પણ મેં પીપળીયાનું પાણી અગરાજ કરિયું છે”
“તમે માંગો તે ગામ અને માંગો એટલી જમીન, તમારે રહેવાના ખોરડાંની પણ જવાબદારી મારી, પણ તમે પાછા મારા રાજમાં આવો….”
દાદી મુંઝાણા, આંગણે આવેલો મહેમાન પાણી પીધા વગર જાય અને એમાંય આ તો રાજા, ખોટું કહેવાય- લાંછન લાગે. પડખે ઉભેલા અભરામ સામે જોયું. અભરામની આંખમાં દાદીએ હક્કાર વાંચ્યો. “મારે એ ગામમાં જમીન જોઈએ જે ગામમાં એકેય મોમીન સમાજનું ખોરડું ન હોય…”
“કારણ”?
“કાલ સવારે મારી પેઢીને અમારા સમાજનું કોઈ મેણું ન મારે કે અમારા રોટલા પર પાટુ માર્યું…”
સમાજ તરફની આવી લાગણી જાણી, રાજા પણ ખુશ થયો. “કબૂલ, બીજી કોઈ શરત”?
“બીજી શરત એ કે પાંચ- પંદર દી’ ઠીક છે, બાકી તમારા આપેલા ખોરડાં અમારે ના ખપે. અમે જાત મહેનતે અમારા ખોરડાં બનાવી લઈશું”
રાજાથી બોલાઈ જવાયું, “વાહ ઈમાનદારી વાહ, મારે આવી જ પ્રજા જોઈએ. મફતમાં મળતું પારકું ન લેવાની તમારી ભાવનાને સલામ, પાંચ દિવસ પછી હું પાછો આવીશ, ગામ નક્કી કરી રાખજો, તમારા વેણ પર મને ભરોસો છે, હવે હું તમારા હાથે આપેલું પાણી પીશ’
રાજાએ પાણી પીધું, ઘોડી પર સ્વાર થઈ નીકળી ગયા. અભરામ દાદા બોલ્યા, “માં ! તમે સારું કરિયું, મફતના ખોરડા લેવાની ના પાડી”. જેની જનેતા ખુમારી અને ઈમાનદાર હોય તેના ખોળાનો ખૂંદનાર હીરો જ પાકે.
ત્યારે વાંકાનેર રાજમાં આજ જેટલા ગામડા નહીં. માં દીકરાએ વિચાર કર્યો, કયું ગામડું પસંદ કરવું, સીંધાવદરમાં સીતાપરા કોળી, કણબી અને ગઢવી રહે, કોઈ મોમીનનું ઘર નહીં. અગાઉના ઝમાનામાં લૂંટફાટ બહુ થતી. લૂંટારાઓને સીંધાવદર લૂંટવું સહેલું પડતું. લૂંટીને આજના પ્રતાપગઢ અને નવી કલાવડી વચ્ચે એક કેડી જેવો રસ્તો, એ રસ્તેથી લૂંટીને સાંઢિયા લઈને સીધા બીજા રાજમાં ભાગી જતા. આ વિસ્તાર ત્યારે સાવ ઉજ્જડ. દૂર દૂર સુધી કોઈ માનવ વસ્તી નહીં. અવરો-જવરો નહીં. લૂંટનો માલ સંઘરવા જેમ ખાપરા કોડિયાએ ગુફા બનાવી હતી, તેવી ગુફા નવી કલાવડીથી કોટડા બાજુ બનાવેલી, જે ગુફાનાં અંશ આજે પણ મોજુદ છે.
કારણની ખબર નથી પણ લુંટારા ગઢવીને લૂંટતા નહીં, આથી વાંકાનેર રાજાએ બીજા રાજમાંથી ગઢવી જ્ઞાતિને બોલાવી બોલાવીને સીંધાવદરમાં વસાવેલા, અને એટલે જ રાજના બીજા ગામ કરતા આ ગામમાં ગઢવી વધારે, તેમાંથી કેટલાક ખેતી કરતા. કોળીની ખેતીમાં ભલીવાર નહીં, કણબી ગોંડલ તરફ જતા રહેલા. અભરામ દાદાને આઠ દીકરા. જલાલ, અમી, રહેમાન, નુરમામદ, અલાવદી, હૈયાત, જીવા અને હબીબ. એમાંથી આજના જાલી ગામના શેરસીયા એટલે દાદા અમીનો વંશવેલો, આજના નવી કલાવડી અને ખીજડીયાના એટલે દાદા હૈયાતનો વંશવેલો, વળી ખીજડીયામાંથી અમુક કાનપર રહેવા ગયા, તો આજના કોઠી ગામે રહેતા શેરસીયા એટલે દાદા જીવાનો વંશવેલો, આજના જેતપરડા ગામના શેરસીયા એટલે દાદા જલાલના ચાર દીકરા પૈકીના ત્રણ દીકરા વલી, હબીબ અને સાવદીનો વંશવેલો, આજના પંચાસીયા ગામે રહેતા શેરસીયા એટલે દાદા નુરમામદના દીકરા વલીના દીકરા અમીના દીકરા વલીનો વંશવેલો, જયારે દાદા હબીબ ને ઔલાદ નહોતી. (પાછળથી પીપળિયારાજમાં રહેલા અભરામ દાદાના નાનાભાઈ મીમના દીકરા ડોસાદાદા પણ સિંધાવદરમાં રહેવા આવી ગયેલા).
ગવરીદડમાં રહેતા કડીવારના મોભી અને શેરસીયાના દાદી તથા અભરામ દાદાની મિટિંગ મળી. ચર્ચા વિચારણા અંતે બધાએ સિંધાવદર ઉપર પસંદગી ઉતારી, પણ લાખ ટકાનો સવાલ એ હતો કે રાજકોટના રાજા રજા નહીં આપે તો? અને આપે એમ હતા જ નહીં. શું કરવું, છાનામાના ભાગવામાં પૂરૂં જોખમ હતું. ખાંડાના ખેલ ખેલવા જેવું. જે થાય તે દેખા જાયેગા, રાજકોટના ઠાકોરની રજા વગર જ ગવરીદડથી ચૂપચાપ ભાગવામાં જ ભલીવાર છે, વાંકાનેરના રાજાને આવવામાં હવે બે દિ જ બાકી છે. નક્કી તો કર્યું કોઈને ખબર ન પડે એ રીતે સિંધાવદર ભેગા થઈ જવાનું- પરંતુ દીવાલને પણ કાન હોય છે… (ક્રમશ:)